કોરોના પછીની સ્થિતિને પહોંચી વળવા સરકાર રૂ. ૭.૮ લાખ કરોડ બજારમાં ઠાલવશે

92

મહામારીમાંથી હેમખેમ બહાર નીકળ્યા બાદ વિશ્વનું ટોચનું અર્થતંત્ર બનવાની ભારતને સોનેરી તક: અર્થતંત્રનું ગાબડુ વધે નહીં તે માટે સરકારના પગલા

કોરોના વાયરસના કારણે દેશનું અર્થતંત્ર બીમાર છે, ઉદ્યોગ-ધંધાઓ ભાંગી પડ્યા છે. આવી સ્થિતિમાં સરકારે બજેટ દરમિયાન અંદાજીત રખાયેલી બોરોવીંગ રકમ વધારવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન સરકારે અગાઉ ૭.૧ લાખ કરોડના ગ્રોસ બોરોવીંગનો અંદાજ માંડ્યો હતો. પરંતુ હવે તે વધારીને ૭.૮ લાખ કરોડ કર્યો છે. એકંદરે બજારની સુસ્તી દૂર કરવાના હેતુસર સરકાર કુલ રૂા.૭.૮ લાખ કરોડ બજારમાં યેનકેન પ્રકારે ઠાલવશે.

કોરોના વાયરસની મહામારીને રોકવા માટે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન તો છે જ. આ સમયગાળા દરમિયાન જીડીપી દર ઓછો થવાની દહેશત છે. સરકારની આવકમાં ગાબડા પડવાની ભીતિ છે. અધુરામાં પૂરું દેશના ઉદ્યોગ-ધંધા અને ગરીબ વર્ગને જે તકલીફ પડી છે તેમાંથી તેમને બહાર કાઢવા માટે સરકાર મસમોટા રાહત પેકેજની જાહેરાત કરવા જઈ રહી છે. કોરોનાના કારણે દેશની તિજોરી પર અસહ્ય અસર પડશે. ગંભીર આર્થિક સંકડામણને દૂર કરવા સરકારે ધીમે ધીમે બજારમાં નાણાનો ફલો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશે.

વર્તમાન સમયે કોરોના વાયરસના કારણે અમેરિકા, ઈટાલી, ફ્રાન્સ, જર્મની, સ્પેન સહિતના દેશોની હાલત ખરાબ છે. યુરોપ અને અમેરિકાનું અર્થતંત્ર લગભગ પડી ભાંગ્યું હોય તેવું જણાય રહ્યું છે. દાયકાઓ પહેલા નાસ્ત્રાદોમ્સ દ્વારા થયેલી ભવિષ્યવાણી વર્તમાન સમયે ખરી ઠરી રહી છે. જો યુરોપ અને અમેરિકાનું પ્રભુત્વ ઘટી જશે તો ભારત અને ચીન મહાકાય અર્થતંત્ર તરીકે ઉભરી આવશે. આગામી ૨૦૨૪-૨૫માં ભારતનું અર્થતંત્ર વિશાળ સ્વરૂપ ધારણ કરશે. વર્તમાન સમયે કોરોના જેવી આપદામાંથી હેમખેમ બહાર આવી ભારત ઝડપથી વિકાસ સાધશે તેવી ધારણા છે.  હાલનો સમય ભારત માટે કપરા ઉતાર-ચઢાવ ધરાવતો છે. પરંતુ જો આ સમય પણ હેમખેમ પસાર થઈ જશે તો આગામી વર્ષોમાં ભારત વિશાળ ઈકોનોમી તરીકે બહાર આવશે.

વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટ રજૂ કરતી વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારામને રૂા.૫.૩૬ લાખ કરોડના સરેરાશ બોરોવીંગનો મત વ્યકત કર્યો હતો. બજારને સતત ધમધમતી રાખવા માટે સરકારે તાજેતરમાં જ કેટલાક પેકેજ બનાવવાની તૈયારી કરી હતી. અલબત અગાઉ બજેટ સમયે રાખવામાં આવેલો અંદાજનો આંકડો હવે સતત મોટો થઈ રહ્યો છે. એક તરફ સરકારને જીડીપીનો દર વધુ ઘટે નહીં તેની ચિંતા છે. બીજી તરફ આવકમાં રહેલુ ગાબડુ મોટુ થઈ રહ્યું છે. કરવેરાની આવક ઘટી હોવાના કારણે બજેટમાં માંડેલો હિસાબ કિતાબના પરિણામ એક વર્ષ બાદ કંઈક જૂદા જ આવે તેવા અણસાર દેખાઈ રહ્યાં છે.લાંબા સમયથી ગ્રોસ બોરોવીંગ મુદ્દે સરકાર અસમંજસમાં રહી હતી. અગાઉની યુપીએ સરકાર કરતા નરેન્દ્ર મોદીની સરકારમાં બોરોવીંગ થકીં બજારમાં સંચાર સતત રાખવાની ગણતરી હતી. કોરોના જેવી મહામારીના કારણે સરકારની લગભગ તમામ ગણતરી ઉંધી વળી ગઈ હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે.

તાજેતરમાં જ સરકારે ઈક્વિટી-ફંડ માટે રૂા.૨૨૦૦૦ કરોડની ફાળવણી કરી હતી. ઈન્ફાસ્ટ્રકચર સેકટરમાં શ્ર્વાસ જળવાઈ રહે તેવા પ્રયત્નો પણ થયા હતા.

બેનામી સંપતિ કાયદા અને વિવિધ કર રાહતો ૩૦ જૂન સુધી લંબાવાઇ

બેનામી સંપતિ કાયદા અને વિવિધ કર રાહતો ૩૦ મી જૂન સુધી લંબાવી છે તેમ નાણા મંત્રાલયે જણાવ્યું હતુ સરકારે બેનામી કાયદા તથા વિવિધ રાહતો જાહેર કરવા સાથે કોવિદ-૧૯થી ઉભી થયેલી સ્થિતિમાં કર દાતાઓનાં હિતમાં કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે અને એ અંગેના આદેશ જાહેર કર્યા છે. આ કાયદા સુધારાથી કોરોના-૧૯ સામે લડવા બનાવેલા વડાપ્રધાન રાહત ફંડમાં લાકે સંસ્થાઓ દ્વારા અપાતુ યોગદાન ૨૦૦ ટકા કરમુકત છે.

પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરવેરા માટે કેટલાક રિટર્ન ભરવાની મૂદત ૩૧ માર્ચના રોજ પૂરી થતી હતી તે વધારવામાં આવી છે. અને હવે ૩૦ જૂન સુધીમાં ભરી શકશે બેનામી કાયદા હેઠળ પણ આ અંગે એક આદેશ જાહેર કરાયો છે. ૩૦ જૂન સુધી વડાપ્રધાન રાહત ફંડ (પીએમકેર્સ)માં અપાતું યોગદાન ૧૦૦ ટકા કરમુકત છે. અને નાણાંકીય વષૅ ૨૦૧૯-૨૦માં આવકવેરાની કલમ ૮૦ જી હેઠલ કરકપાતને પાત્ર છે. તેમ સરકારે જણાવ્યું હતુ.

આવકવેરા કાયદામાં સુધારા પ્રમાણે જે કોઈ વ્યકિતકે ઉદ્યોગો નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વડાપ્રધાન રાહત ફંડમાં યોગદાન આપવા ઈચ્છે તો તા.૩૦ જૂન સુધી આપી કર રાહતનો લાભ મેળવી શકશે.

સરકારે એવી સ્પષ્ટત પણ કરી છે કે રોકાણ એલઆઈસીના પ્રિમીયમ, પીપીએફ અને રાષ્ટ્રીય બચતપત્રો માટે આવકવેરાની કલમ ૮૦ સી, મેડીકલેઈમ માટે ૮૦ ડી અને દાન માટે ૮૦ જી હેઠળ ૩૦ જૂન સુધી આવકવેરા વર્ષ ૨૦૧૯-૨૦માં રાહત મેળવી શકશે.

વર્ષ ૨૦૧૮-૧૯ના આવકવેરા રિટર્ન સુધારેલા રિટર્ન ભરવા માટેની અંતિમ તારીખ તથા આની સાથે આધારકાર્ડ જોડવાની તા. ૩૧ મેથી લંબાવી ૩૦ જૂન કરી છે.

પાક ધિરાણના હપ્તામાં વ્યાજ રાહત વધારાય

રીઝર્વ બેંકે ધિરાણ લેનારાઓને વ્યાજમાં ત્રણ માસ સુધી રાહત આપવાની જાહેરાત કરી છે. ત્યારે હવે ખેડુતો માટે પણ રાહત જાહેર કરી છે. ટુંકી મુદતના ખેત ધિરાણ પર વ્યાજ રાહત ૩૧ માર્ચ સુધીની મળવાની હતી તે મુદત હવે ૩૧ મે સુધી એટલે બે માસ લંબાવાઈ છે.

ખેડુતો રૂા.૩ લાખ સુધીનું ટુંકી મુદતનુું ધિરાણ લે છે. તેમને ૩ ટકા વ્યાજ રાહત આપવામાં આવે છે. આ ધિરાણની મુદત ૩૧ માર્ચ હતી તે હવે વધારીન ૩૧ મે સુધીની કરાઈ છે. સરકારના આ નિર્ણયથી ખેડુતો દંડનીય વ્યાજથી બચી શકશે ટુંકી મુદતના ધિરાણ ૪ ટકા વ્યાજ દરે મળશે. ખેડુતો હાલ લોકડાઉન હોવાથી પોતાનાખેત ધિરાણના નાણા ભરપાઈ કરી શકે તેવી સ્થિતિ ન હોવાથી આ રાહતો ૧ માર્ચથી ૩૧ મે સુધી પૂરી થતી લોન માટે મળી શકશે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતુ.

આર્થિક મંદી અને કોરોનાએ છેલ્લા કવાર્ટરમાં ૩૧ ટકા મૂડી ધોઇ નાખી

આર્થિક મંદી અને કોરોનાના કારણે સેન્સેકસમાં અત્યાર સુધીમાં ૩૧ ટકાનું તોતીંગ ગાબડુ જોવા મળ્યું છે. ગઈકાલે સેન્સેકસમાં ૧૦૨૮ પોઈન્ટ વધ્યા બાદ આજે વર્તમાન સમયે ૭૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. ગત તા.૨૦ જાન્યુઆરીના રોજ સેન્સેકસ ૪૨૨૭૪ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. હવે સેન્સેકસ ૨૯૦૦૦ નજીક પહોંચી ચૂકયો છે. એકંદરે સેન્સેકસમાં ૩૧ ટકા મુડીનું ધોવાણ થઈ ચૂકયું છે. રોકાણકારોના ૪૨.૬ લાખ કરોડ ધોવાઈ ગયા છે. કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક બજારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ગઈકાલે અમેરિકાના વોલ સ્ટ્રીટમાં પણ મંદીનું લખલખુ પ્રસરી ગયું હતું. ૨૦૦૮ બાદ વોલ સ્ટ્રીટ ફરીથી તળીયે છે. એસ એન્ડ પી ૫૦૦માં ગાબડુ જોવા મળ્યું છે. વર્તમાન સમયે માત્ર ભારત અને અમેરિકા જ નહીં પરંતુ યુરોપીયન દેશો, ચીન, જાપાન સહિતના એશિયન દેશોના શેરબજારની હાલત પણ ખરાબ છે. કોરોનાના કારણે અર્થતંત્ર જાણે થંભી ગયું છે અને વિવિધ સેકટરમાં રોકવામાં આવેલા નાણાનું સતત ધોવાણ થતાં રોકાણકારો ત્રાહિમામ પોકારી ગયા છે. કોરોના વાયરસના કારણે અર્થતંત્રને થયેલ અસર લાંબા સમય સુધી રહેશે. હજુ પણ બજારમાં મંદી જોવાશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

ડયુટી ફ્રી આયાત ચીજવસ્તુઓ અને કેપિટલ ગુડઝનાં નિકાસ સ્કીમ માટે ૧ વર્ષની સમય મર્યાદા વધારાય

વિશ્ર્વમાં કોરોનાની અસરનાં પગલે જે ધંધા-રોજગારો ઠપ્પ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા ફોરેન ટ્રેડ પોલીસી માટે એક વર્ષની સમય મર્યાદામાં વધારો કર્યો છે જેમાં ડયુટી ફ્રી આયાતી ચીજવસ્તુઓ અને કેપીટલ ગુડઝનાં નિકાસ સ્કિમ માટે પણ એક વર્ષનો સમય વધારવામાં આવ્યો છે. હાલની પ્રવર્તીત ફોરેન ટ્રેડ પોલીસી વર્ષ ૨૦૧૫થી ૨૦૨૦ સુધી અમલી બનાવવામાં આવી હતી પરંતુ હવે આ સ્કિમ આગામી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલી રહેશે તેમ ડાયરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા માહિતી મળી છે ત્યારે બીજી તરફ ડયુટી ફ્રી ઈમ્પોર્ટ ઓથોરાઈઝેશન અને એકસપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડઝ માટે એક વર્ષનો સમય વધારવામાં આવ્યો છે. એડવાન્સ ઓથોરાઈઝેશન દ્વારા ઈમ્પોર્ટ આયાતી ચીજ-વસ્તુઓ પર નહિવત ડયુટી લગાવવાનું પણ જણાવવામાં આવ્યું છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર ૧લી એપ્રિલથી સરકાર સર્વિસ એકસપોર્ટ સ્કિમને પણ અમલી બનાવશે તેવું પણ હાલ જાણવામાં આવી રહ્યું છે. ગત ૧૧ માસનાં ગાળામાં ભારતની નિકાસ ૨૧.૬૮ લાખ કરોડની રહેવા પામી છે. જયારે આયાત ૩૨.૨૬ લાખ કરોડ રૂપિયા રહેવાનું સામે આવ્યું છે. આ તકે લોકડાઉન બાદ ઉધોગોને ફરી ધમધમતા કરવા માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ નિકાસ કરતા નિકાસકારો થોડા કેપીટલ ગુડઝની આયાત પણ કરી શકશે કે જેના પર ડયુટી ઝીરો લગાવવામાં આવી હોય અને ટેકનોલોજીને પણ વિકસિત કરવામાં મદદરૂપ સાબિત થશે.

Loading...