Abtak Media Google News

વિમા પ્રિમીયમ ન ભરે તો પણ નાણા મેળવવાની લોભામણી લાલચમાં ફસાયેલા તબીબે ૧૬ શખ્સો સામે નોંધાવી ફરિયાદ

લોભામણી લાલચમાં ફસાયેલા મીલપરા શેરી નં.૩/૧૦માં રહેતા તબીબ અશોક જયંતીલાલ મહેતા (ઉ.વ.૬૪)ને અલગ અલગ ૩૨ વીમા પોલીસીઓના અંદાજે ૨૦ કરોડ જેવી રકમ પ્રિમિયમ ન ભરે તો પણ સેટીંગથી પોલીસી પાકી શકેની લાલચ આપી મહેશ્વરી, રજની બાજપાઈ, સીતારામ પરમાર, પ્રિયા મેડલ, નીત્યા ‚પાણી, મદન, ડી.એસ.રંધાવા, નારાય મહેશ્ર્વરી (પીએનબી મેટ લાઈફ મેનેજર), શિવવાલીક, કેશવ રવાણી, ઉદય શર્મા, સુમિતા આહુજા, બલરાજ ખત્રી, રવિન્દ્રસિંગ, બાલકૃષ્ણ બાલ્યાનન તથા હરીઓમ અને તપાસમાં ખુલે તે ઈસમોએ મળીને ૭૩.૮૦ લાખની રકમ પડાવી લઈને વિશ્વાસઘાત આચર્યાનો બનાવ ભક્તિનગર પોલીસ મથકે નોંધાયો છે.

તપાસનીસ પી.આઈ. વી.કે.ગઢવીના જણાવ્યા મુજબ વ્યવસાયે તબીબ અશોકભાઈનો પુત્ર પણ તબીબનો જ અભ્યાસ કરે છે. અશોકભાઈએ પોતા તથા પરિવારજનોના અલગ અલગ નામે અલગ અલગ ૩૨ વીમા પોલીસીઓ લીધી હતી. જેનું વાર્ષિક પ્રિમીયમ જ ૧૯ લાખ જેવું થતું હતું. પોલીસીઓ અલગ અલગ સમયે પાકતી મુદતે ૧૦ કે ૧૫ વર્ષના લાંબાગાળાની હતી. પોલીસીઓ લીધા બાદ ૧૬ ઈસમોની ગેંગે દિલ્હી, કલકતા કે મુંબઈ હેડ ઓફિસમાંથી બોલીએ છીએ કહીને તબીબ અશોકભાઈનો સંપર્ક સાધતા હતા.

વીમા પોલીસીઓ પ્રિમીયમ ન ભરે તો પણ બે વર્ષ કે ત્રણ વર્ષથી મુદતમાં પાકી શકે પરંતુ તેના માટે ઉપરનો વહીવટ કે એકસ્ટ્રા ચાર્જ ભરવો પડશે સહિતની વાતો કરતા હતા. તબીબ પણ લાલચમાં આવી ગયા હતા જેથી વધુ પોલીસીઓ લીધી હતી. પોલીસીઓ મુદત પહેલા જ પકાવવા અથવા તો એક જ પ્રિમીયમ ભર્યા બાદ પાકી જાય તેવી લાલચોમાં આવી જઈને ચેક, આર.ટી.જી.એસ. કે આવી રીતે આરોપીઓ કહેતા એ મુજબ ચાર વર્ષ દરમિયાન પેમેન્ટ કરતા ગયા હતા. અંતે ખ્યાલ પડયો કે પોતાની સાથે વીમા પોલીસી વહેલી પકાવવાના નામે ઠગાઈ થઈ ગઈછે. પોલીસે ૧૬ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.