Abtak Media Google News

માળીયા હાટીના રજીસ્ટર કચેરી જમીનનો દસ્તાવેજ થયા બાદ ખેડુતને મોતને ઘાટ ઉતારી ભાખરવડ ગામના કૂવામાં લાશ ફેંકી દીધી

જમીન વેચાણના રૂ.૨૭.૪૭ લાખ લૂંટી હત્યા કર્યાની કબુલાત

કેશોદ તાલુકાના શેરગઢના ખેડુતની જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યા બાદ જમીનની આવેલી રકમની લૂંટ ચલાવી તરશિંગડાના પૂર્વ સરપંચે ખેડુતની હત્યા કરી લાશને ભાખરવડ ગામના કૂંવામાં લાશ ફેંકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માળીયા હાટીના પોલીસે તરશિંગડાના પૂર્વ સરપંચ સહિત ત્રણની હત્યા અને લૂંટના ગુનામાં ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલા જાગૃતિનગરમાં રહેતા દેવરાજભાઇ કેશવભાઇ મકવાણાએ કેશોદ તાલુકાના શેરગઢ ગામે રહેતા પોતાના નાનાભાઇ મહેન્દ્રભાઇ કેશવભાઇ મકવાણાની તરશિંગડાના પૂર્વ સરપંચ અને ભાજપના કાર્યકર જતીન મનસુખ કાસુન્દ્ર સહિતના શખ્સોએ હત્યા કરી તેની પાસે રહેલા રૂા.૨૭.૪૭ લાખની રોકડની લૂંટ ચલાવી લાશને કૂંવામાં ફેંકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહેન્દ્રભાઇ મકવાણાની શેરગઢ ખાતે આવેલી ખેતીની જમીન કેરાળા ગામના ભગવાનજીભાઇ સગરને વેચાણ કરી હોવાથી ગત તા.૧૨મીએ મહેન્દ્રભાઇ મકવાણા તરશિંગડાના પૂર્વ સરપંચ જતિન કાસુન્દ્ર સાથે માળીયા હાટીના ગામે રજીસ્ટર કચેરીએ દસ્તાવેજ કરવા માટે ગયા બાદ લાપતા બન્યાનું પોલીસમાં નોંધાયું હતું.

માળીયા હાટીના પી.એસ.આઇ. રાઠોડ સહિતના સ્ટાફે મહેન્દ્રભાઇ મકવાણા અંગે ઉંડી તપાસ કરતા તેઓએ ભગવાનજીભાઇ સગરને દસ્તાવેજ કરી દીધા બાદ તેઓએ મહેન્દ્રભાઇ મકવાણાને રૂા.૨૭.૪૭ લાખ રોકડા આપ્યા હોવાનું અને તેઓ તરશિંગડાના પૂર્વ સરપંચ જતિન કાસુન્દ્ર સાથે બાઇક પર જવા નીકળ્યા બાદ લાપતા બન્યાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે જતિન કાસુન્દ્રની પૂછપરછ કરતા મહેન્દ્રભાઇ મકવાણાની હત્યા કરી રૂા.૨૭.૪૭ લાખની રોકડની લૂંટ ચલાવ્યાની કબુલાત આપતા જતિન કાસુન્દ્ર અને તેના બે મિત્રોની પોલીસે ધરપકડ કરી રોકડ રકમ કબ્જે કરવા રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.