રાજકોટમાં રૂ.૮૦ લાખનું સોનુ લઈને ત્રણ બંગાળી કારીગરો પલાયન

ચાર વેપારીનું ૨.૪૨૧ કિ.ગ્રા. સોનુ ઓળવી ગયાની ફરિયાદ નોંધાતા વેપારીમાં ફફડાટ

રાજકોટના ચાર સોની વેપારીઓનું ત્રણ બંગાળી કારીગરો અંદાજીત  રૂ. ૮૦ લાખની કિંમતનું  ૨.૪૨૧ ગ્રામ સોનું ઓળવી ગયાની અરજી થયા બાદ તેના આધારે એ-ડિવિઝન પોલીસે આજે છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો હતો. પ્રથમ અરજીની તપાસ દરમિયાન પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ ગઈ હતી, પરંતુ આરોપીઓ મળ્યા ન હતા. હવે બીજીવાર ત્યાં જશે.

છેતરપીંડીના બનાવ અંગે દિગ્વિજય રોડ પર પ્રહલાદ પ્લોટમાં રહેતા જીગ્નેશ ફિચડિયા ( ઉ.વ ૪૩ ) એ  એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  ત્રણ બંગાળી કારીગરો સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં મહમદ હનીફ હારૂન (રહે. રામનાથપરા શેરી નં.૫), સુજાન કાળીદાસ સંતરા (રહે. બેડીનાકા ટાવર), ભગીરથદાસ શીતલદાસ બંગાળી (રહે. રામનાથપરા શેરી નં. ૧૨) મૂળ પશ્ચિમ બંગાળનાનો સમાવેશ થાય છે.

ફરિયાદી જીજ્ઞોશભાઈ કિશોરભાઈ ફીચડિયા (ઉ.વ.૪૩, રહે. ૩૧/૩૬ પ્રહલાદ પ્લોટ)ની સોનીબજારમાં ગોલ્ડન માર્કેટમાં ડી. જે. એન્ડ સન્સ નામે પેઢી છે. તેણે પોલીસને જણાવ્યું કે, સોની બજારના બીજા વેપારીઓ બંગાળી કારીગર મહમદને ઘરેણાં બનાવવા આપતા હોવાથી તેને પણ તેની સાથે બે વર્ષથી કામ શરૂ કર્યું હતું. દર વખતે તે શુદ્ધ સોનું લઈ જઈ ઘરેણાં બનાવી નિયમિત આપી જતો હતો.

ગઈ તા.૧૯ ડિસેમ્બરે સાંજે તેની પેઢીએ આવી બાલી અને કાનના લટકણ બનાવવા માટે ૮૯૫ ગ્રામ શુદ્ધ સોનું લઈ ગયો હતો. સાતેક દિવસ બાદ દાગીના બનાવી પરત આપવાનું કહ્યું હતું. તેને ડીઝાઈનમાં ફેરફાર કરવો હોવાથી બીજા દિવસે તેનો સંપર્ક કરતા થયો ન હતો. દુકાન અને મકાને તાળાં લટકતા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, સામાન ભરી ભાગી ગયો છે.

આ જ રીતે સોની બજારમાં પેઢી ધરાવતા નીતિનભાઈ નવિનભાઈ બારભાયા (ઉ.વ.૫૪, રહે. ૧/૧૦ જનતા સોસાયટી, એલઆઈસી ઓફિસ સામે)એ સુઈ-દોરા બનાવવા માટે બંગાળી કારીગર સુજાન કે જે વ્રજ મેન્શન (સવજીભાઈની શેરી)માં બે દુકાનો રાખી દાગીના બનાવવાનું કામ કરતો હતો, તેને ૧૬૫ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું.

બીજા વેપારી રાજકુમાર રીવીન્દ્રનાથ બેરા (ઉ.વ.૩૬, રહે. કેવડાવાડી શેરી નં.૫)એ પણ સુઈ-દોરો બનાવવા માટે ૩૮૦ ગ્રામ સોનું આપ્યું હતું. આ બંને વેપારીઓનું સોનું લઈ તા.૨૨/૫/૨૦૨૦ના રોજ ખાનગી બસમાં ભાગી ગયો હતો.

ત્રીજો બંગાળી કારીગર ભગીરથદાસ જે સદ્ગુરૂ ચેમ્બરના પ્રથમ માળે ઓફિસ રાખી દાગીના બનાવવાનું કામ કરતો હતો તેને વેપારી આલમગીરી રમજાનઅલી શેખ  (ઉ.વ.૩૪, રહે. હાથીખાના શેરી નં.૬, આશીફા મંજીલ)એ પેન્ડન્ટ સેટ બનાવવા માટે ગઈ તા.૮/૧૦/૨૦૧૯ના રોજ ૯૮૦ ગ્રામ સોનું આપ્યું હતું. જેના દાગીના નહીં બનાવી આપી તા.૨૩/૧૦/૨૦૧૯ના રોજ ભાગી ગયો હતો. આ રીતે ત્રણેય આરોપી બંગાળી કારીગરો કુલ ચાર વેપારીઓનું ૨૪૨૧.૨ ગ્રામ સોનું ઓળવી જતાં અગાઉ અરજી કર્યા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી. પી.આઈ ચેતનકુમાર જોશીએ છેતરપિંડીનો ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ માટે એક ટીમને પોલીસ સ્ટેશન મોકલી છે.

Loading...