આંદોલકારીઓ ચકકાજામ કરશે તો આવી બનશે !!

જાહેર સ્થળો પર કબ્જો જમાવી અન્ય નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરવું તે અયોગ્ય; શાહિનબાગ મુદે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

વિરોધ પ્રદર્શન મુદે ભેગા થઈ લોકોને બાનમાં લેતા આંદોલનકારીઓને સુપ્રીમની ટકોર

રોડ-રસ્તાઓ પર ચકકાજામ કરનારા આંદોલનકારીઓનું હવે આવી બનશે. શાહિનબાગ પ્રદર્શન મુદે સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. અને વિરોધ કરનારાઓ પર કાયદાકીય અંકુશ લાદયા છે. સુપ્રીમે સુનાવણી દરમિયાન જણાવ્યું છે કે, કોઈપણ વ્યકિત કે સમુહ જાહેર સ્થળો પર ચકકાજામ કરી રોડ રસ્તાઓને બ્લોક કરી શકે નહિ બંધારણ નાગરિકોને વિરોધ કરવાનો હકક જરૂર આપે છે પણ આ વિરોધ અન્ય લોકોના મૌલિક અધિકારનું હનન કરે તે અયોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે નાગરિક સંશોધન કાનુનના વિરોધમાં દિલ્હીના શાહિનબાગથી લઈ દેશના વિવિધ જાહેર સ્થળો પર મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા ઠેર ઠેર લોકો રસ્તા પર ઉતરી આવતા અવર જવર સહિત સમગ્ર સેવા બંધ થઈ ગ્હતી જેને લઈ સુપ્રીમમાં અરજી થઈ હતી. આ મુદે સુપ્રીમમાં ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આજના સમયે નાના-નાના પ્રશ્ર્નોને આંદોલનના માધ્યમથી વિશાળ રૂપ આપી દેવાય છે. લોકોના પાયાના પ્રશ્ર્નો હોય કે, જ્ઞાતિ-જાતિને લઈ ભેદભાવ કે પછી કોઈ રાજકીય પ્રશ્ર્નો હોય, તેનું સમાધાન જાણે હિંસા અને ઉગ્ર આંદોલનથી જ આપવાનું હોય, તેમ દરેક મુદે લોકો રસ્તાઓ પર ઉતરી આવે છે. અને જાહેર સંપતિને નુકશાન પહોચાડે છે. જાહેર સ્થળોને નુકશાન પહોચાડવું એ રાષ્ટ્રહિતના સંદર્ભમાં સૌથી મોટો ગુનો ગણાય છે. પરંતુ તેની ગંભીરતા કોઈ લેતું નથી. આવા આંદોલન અને વિરોધ પ્રદર્શનનો ભોગ અન્ય નિદોર્ષ લોકો બનતા હોય છે. રોડ રસ્તા બંધ થતા બીજા નાગરિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે વિરોધ મુદે ભેગા થઈ લોકોને બાનમાં લેતા આવા આંદોલનકારીઓ પર સુપ્રીમ ત્રાટકી છે. અને આદેશ કર્યો છે કે, દેખાવકારો હવે, જાહેર સ્થળો પર કબ્જો જમાવી શકશે નહિ.

ન્યાયધીશ સંજય કીશન કૌલ, અની‚ધ્ધ બોઝ અને ક્રિશ્ર્ના મુરારીની ખંડપીઠે કહ્યું છે કે, આંદોલનકારીઓ વિરોધ કરે તેની સામે કોઈ વાંધશે નથી ભારતીય સંવિધાન પણ તેમને પોતાનો મત અને હક માટે વિરોધ રજૂ કરવાની તક આપે છે. પણ તેમનો વિરોધ અન્ય નાગરિકો માટે બાધારૂપ બને તેની કાનુન અનુમતિ આપતો નથી. શાહિનબાગમાં ગત ડિસેમ્બરથી લઈ માર્ચ માસ દરમિયાન ૧૦૦ દિવસ સુધી ધરણા કરવામાં આવ્યા હતા. આ વિરોધની હોડમાં રોડ રસ્તા બંધ થતા અન્ય નાગરિકોનો આવાગમનનો અધિકાર છીનવાયો હતો જે કાનુનની દ્રષ્ટિએ ગુનાપાત્ર છે.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગત વર્ષે નાગરિક સંશોધન કાનુન બીલ પસાર કર્યું હતુ જેના વિરોધમાં સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા હતા તેમાનો એક વિસ્તાર છે. દિલ્હીનો શાહિનબાગ અહી બહોળી સંખ્યામાં દેખાવકારોએ એકઠા થઈ આશરે સો દિવસ સુધી રોડ બ્લોક કરી દીધો હતો. જેની સુપ્રીમે આકરી ટીકા કરી છે. અને સુનાવણી દરમિયાન પોલીસ કર્મચારીઓનાં સંદર્ભમાં પણ જણાવ્યું હ્તુ કે જાહેર સ્થળોને નુકશાન પહોચાડતા આંદોલનકારીઓને તાત્કાલીન પણે સ્થળ પરથી હટાવવા જોઈએ આવ માટે કોર્ટના આદેશની રાહ ન જોવી જોઈએ.

વિરોધ મુદે ન્યાયધીશોની ખંડ પીઠે જણાવ્યું કે, વિરોધ કરનારાઓને બંધારણમાં હક પ્રાપ્ત છે જેને છીનવી ન શકાય પણ આ વિરોધ કોઈ નિશ્ચિત સ્થળ પર થવો જોઈએ કે જેથી કરીને અન્યોને કોઈ મુશ્કેલી સહન ન કરવી પડે.

Loading...