Abtak Media Google News

“ટોળાશાહી અને ફાયર આર્મ્સના ફાયરીંગના કિસ્સામાં અને તે પણ રાજકીય ડખ્ખામાં પોલીસ કોઈ જોખમ લેતી જ નથી”

ગુજરાતમાં આવેલ અભુત પુર્વ ધરતીકંપથી સમગ્ર દેશ સહિત વિશ્વ આખામાં અરેરાટી અને હાહાકાર મચ્યો હતો. પણ કચ્છમાં આ રાહત કાર્યોમાં વહિવટી ગોટાળા ગરબડો થતા અને તે જાહેર થતા રાજય સરકારની અણ આવડત ખુલ્લી પડી ગયેલ. ભલે રાષ્ટ્રવાદી રાજય સરકારનો ઈરાદો નેક હતો પણ રાહત કાર્યો કરનાર અમુક એજન્સીઓ, અમુક દેખરેખ રાખનારા કર્મચારીઓ, અમુક ફટક દલાલીયા અને વચેટીયાઓ રૂપી ગીધડાઓએ ધરતીકંપમાં ઢળેલી લાશો ઉપર પણ તોડ પાણીની મહેફીલો ઉજવેલી. આ કૌભાંડો જાહેર થતા રાજય સરકારમાં ખળભળાટ મચી ગયો અને તેના પડઘા છેક દિલ્હી સુધી પડેલા. વિરોધ પક્ષે રહેલ રાષ્ટ્રિય પાર્ટીને તો આ કાટમાળ કૌભાંડ રૂપી વિરોધ કરવાનું બ્રહ્માસ્ત્ર હાથમાં આવી જતા જબરદસ્ત દેકારો મચાવી દીધેલો. આથી રાજયના મુખ્યમંત્રીને બદલવામાં આવેલા. તે પછીતો કચ્છનો આધુનીક ગ્લોબલ વિકાસ થયો તે તો પછીની વાત છે.

પરંતુ આ મુખ્યમંત્રીની હેરાફેરી પછી તુર્તજ રાજયની સહકારી સંસ્થાઓની ચુંટણીઓ જાહેર થયેલી. જેમાં મહેસાણા જિલ્લામાં લગભગ દરેક શહેરો તાલુકાઓમાં સહકારી બેંકો સંસ્થાઓની ચુંટણીઓ થવાની હતી.

ધરતીકંપના કાટમાળ કૌભાંડનું બ્રહ્માસ્ત્ર વિરોધપક્ષના હાથમાં આવ્યા પછીની આ પ્રથમ ચુંટણીઓ હતી તેથી બંને રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવીને પોતાની બહુમતિ માટે પ્રયત્નશીલ હતા.

સમગ્ર ગુજરાત રાજયમાં સહકારી પ્રવૃતિઓમાં આઝાદી પછી મહેસાણા જિલ્લો અગ્રેસર અને જાગૃત રહ્યો છે. આ જિલ્લામાં અનેક પ્રકારની સહકારી પ્રવૃતિઓ, દુધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ વિવિધ સહકારી બેંકો વિગેરે અનેક ક્ષેત્રોમાં સહકારી પ્રવૃતિ ખુબ વિકસેલ છે. હવે આવા રાજકીય માહોલમાં આ ચુંટણી યોજાય તો ચુંટણી પણ અતિશય આક્રમક ઢબે લડાતી હોય તે સહજ વાત હતી. બંને પક્ષો તમામ પ્રકારની રિતી-નિતી અખત્યાર કરી બહુમતિ મેળવવા મરણીયો પ્રયાસ કરી રહ્યા હતા.

એ વાત સર્વવિદિત છે કે માર્કેટ યાર્ડે કે અન્ય સહકારી સંસ્થાઓની ચુંટણીઓ યોજાતી હોય છે. ત્યારે મામલો કેવો ગરમા ગરમ હોય છે. અખબારોમાં અગાઉથી જ અનેક પ્રકારના કાવાદાવા કે દાવપેચ જાહેર થતા હોય છે. આવા માહોલમાં બીજા તંત્રો ને તો ખાસ કોઈ ચિંતા ઉપાધી નથી હોતી. હાથ રાજકીય પક્ષોને બહુમતીની ઉપાધી હોય પણ સૌથી વધારે ઉપાધી અને ઉત્પાત પોલીસદળને હોય છે. બંને પક્ષો ચુંટણી પ્રચાર દરમ્યાન અનેક પ્રકારના આક્ષેપો પ્રતિ આપેક્ષો, મતદારોના અપહરણો (જુઓ પ્રકરણ ૧૪૩ રાજકીય અપહરણ) સાચી ખોટી ફરીયાદો, સાચા ખોટા ફોન કરી પોલીસની દોડાદોડી વધારી દેવાની, આમેય પોલીસ તેના રાબેતા મુજબના કાર્યોમાંથી નવરી પડતી ન હોય તેમાં લટકામાં આ કામગીરી. જો તંત્ર દ્વારા રાજકીય તાલમેલથી અને સમતા ભરી રીતે કામ ન થાય તો પોલીસ ઉપર ગમે તે એક પક્ષ માછલા ધોવે જ ! તેમાં પણ સત્તાધારી પક્ષની સાથે જો કોઈ સાચુ ખોટુ કાર્ય થયુ તો ચુંટણી પછી જેતે અધિકારીની બદલી અવશ્ય આવી જવાની, આ તો વર્ષોની પરંપરા હતી.

વળી મહેસાણા જિલ્લામાં બોલાતી ગુજરાતી ભાષાનો ટોન એવો આક્રમક છે કે સામાન્ય વ્યવહારમાં બોલતા હોય તો પણ એવુ લાગે કે ઉગ્રતા અને સુપિરીયાલીટી કોમ્પલેક્ષ હોય તેવુ અન્ય ગુજરાતીઓને લાગે. પરંતુ ખરેખર તો તે પ્રમાણે વાત કરવાની ત્યાં રૂઢી જ છે. આવામાં હવે જયારે વાદ વિવાદ કે મામલો બીચ કે ત્યારે એ બોલવાનો ટોન કયાંય પહોંચે જાણે કે હમણા લોસોના ઢગલા થશે. પરંતુ વ્યવહારીક  રીતે તો ઉગ્રતા બોલવા સુધી ની જ મર્યાદિત હોય છે. એ રીતે તેઓ પ્રમાણમાં સહિષ્ણુ ગણી શકાય. અને બને ત્યાં સુધી ફોજદારી ફરીયાદ પણ ટાળવા પ્રયત્ન કરતા હોય છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો પ્રમાણે આવી બાબત લોહિયાળ બની જતી નથી.

મહેસાણા જિલ્લામાં પણ ઉંઝા તાલુકા ઉપર આ ચુંટણી સબંધે તમામની નજર હતી કે ઉંઝા વિસ્તારમાં નકકી આ વખતે કાંઈક નવા જુની થશે. કેમ કે ઉંઝા તાલુકો તમામ ક્ષેત્રે અગ્ર્રેસર હતો, પંકાયેલો હતો અને ચુંટણીમાં પણ કાંટાની ટકકર હતી અને બંને પક્ષો બળીયા હોવાનો દેખાવ કરી રહ્યા હતા.

ખાસ તો ઉનાવા નાગરીક સહકારી બેંકની ચુંટણીમાં વધુ ખેંચાખેંચ અને આક્રમકતા હતી જો કે જે રીતે દેકારા અને પડકારા થતા હતા અને જિલ્લા મથકે અધિકારીઓને ચિંતા હતી તેવુ પીઆઈ જયદેવને જણાતુ ન હતુ કેમ કે આ સહકારી સંસ્થાઓની ચુંટણીઓ સામાન્ય રીતે બિનપક્ષીય લડાતી હોય છે. જો કે રાજકીય પક્ષોની જુથબંધી તો ચાલતી જ હોય છે અને બીજુ રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા પ્રકાશભાઈ અને રાષ્ટ્રીય પાર્ટીના બબલદાસ કાકા બંને પીઢ સમજુ અને લોકશાહી પ્રણાલીના ગાંધીવાદી ચુસ્ત સમર્થકો હતા.  છતા ચુંટણીએ ચુંટણી અને તે પણ અગાઉ જણાવેલ માહોલમાં અને આ ચુંટણીમાં જીતનાર ઉમેદવારોને રાજય કક્ષા અને જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓમાં મતદાન કરવાના અધિકાર મળવાના હતા અને છેક રાજય કક્ષાએ તેની અસર થવાની હતી.

જો કે અનુભવી જિલ્લા પોલીસ વડાએ દિર્ધદૃષ્ટિ વાપરી વધુમાં વધુ પોલીસ બંદોબસ્ત ઉંઝા પોલીસ સ્ટેશનને ફાળવ્યો અને તે પ્રમાણે જયદેવે પણ જ‚રીયાત મુજબ જે તે જગ્યાએ બંદોબસ્ત ગોઠવ્યો.

ચુંટણીમાં પોલીસદળની અમુક મર્યાદા હોય છે. જેમ કે મતદાન કેન્દ્રમાં પ્રવેશ કરવાનો હોતો નથી સિવાય કે ચુંટણી પ્રિસાઈડીંગ અધિકારી જણાવે તો, પણ ત્યાં સુધીમાં લગભગ બનવાનું હોય તે બની ચુકયુ હોય છે. જેમ કે લાઠી કલાપી હાઈસ્કુલમાં મતગણતરી કેન્દ્રમાં જ જીતેલા ઉમેદવારનું હારેલા ઉમેદવારના હાથે ખુન, તેમજ જામખંભાળીયા તાલુકા પંચાયતમાં બે પક્ષો વચ્ચે ફાયર આર્મ્સથી ખેલાયેલો લોહિયાળ જંગ વિગેરે. પોલીસ માટે ચુંટણી પ્રક્રિયા દરમ્યાનનો બીજો મોટો પ્રશ્ર્ન હોય છે મતદાન મથકમાં રાજકીય પક્ષોના એજન્ટોના પ્રવેશનો. સામાન્ય રીતે રાજકીય પક્ષો તે સમયે ચુંટણી એજન્ટો તરીકે બાહુબળીયા વ્યકિતઓને જ નિમણુંક આપતા જેથી કોઈ વિવાદ થાય તો તેની રજુઆતમાં તેમના પક્ષનું પલ્લુ ભારે રહે વળી મથકની અંદર પોલીસ પણ હોતી નથી તેથી એવુ પણ બનતુ ખરૂ કે અમુક નબળા મનના, ગભરૂ મતદારો આવા ઈસમોની હાજરીથી જ માનસીક અસરમાં આવી જતા અને વિચારતા કે આપણે શું ? અને વળી ચુંટણી તો આજ છે ને કાલ નથી આવા સાથે કોણે વેર બાંધે ? તેમ તેની અસરમાં પણ આવતા હતા. ટુંકમાં એજન્ટો બાહુબળીયા તો રહેતા જ અને પોલીસ પણ જેટલા આવા મતદાન એજન્ટો પક્ષના માન્ય ઓળખપત્રો લઈને આવે તેને રોકી  શકતી પણ નહિ.

ઉનાવા નાગરીક બેંકની ચુંટણી માટેનું મતદાન મથક ઉનાવા માર્કેટ યાર્ડ કંપાઉન્ડમાં આવેલ બેંકની કચેરીમાં જ હતુ. સામાન્ય રીતે અનુભવે એવુ જણાવ્યુ છે કે સહકારી અગ્રણીઓને મતદાન પહેલા જ પરિસ્થિતી અને પરિવર્તનનો ખ્યાલ આવી જતો હોય છે.  આવા સંજોગોમાં સામાન્ય રીતે દરેક ચુંટણીમાં એક ખાસ પ્રકારનો માહોલ તૈયાર કરવા કાંઈક ને કાંઈક નાટક કે ખેલ પાડવા માટે સંભવીત હારવાની સ્થિતીવાળો પક્ષ તલપાપડ હોય છે. શરૂઆત જીભા જોડીથી થઈ બોલાચાલી ખેંચાખેંચીથી લઈ મામલો આગળ વધતો હોય છે. મતદાન મથકમાં તંત્રના લગભગ માનસીક રીતે સુંવાળા એવા શૈક્ષણીક કર્મચારીઓ જ હોય છે જે સાક્ષિકે દ્રષ્ટા પણ નથી બની શકતા જેની અસર જો મતદારો ઉપર થાય તો અસર પાડવાની કોશીષ હાર ભાળી ગયેલ પક્ષ શરૂઆત કરીને કરતો હોય છે.

અગાઉ જણાવ્યુ તે પ્રમાણે ચુંટણી એજન્ટોની દખલગીરી તેમના ઉંચા અવાજનો ભાષા પ્રયોગ અને જણાવ્યો પ્રમાણેનો ચુંટણી સ્ટાફ, છતા અમુક જાણકાર ચુંટણી કર્મચારી આવી બબાલ વખતે પોતાની રીતે મામલાની પતાવટ માટે કોશીષ કરતા હોય છે. પરંતુ આ પ્રસંગે બાહુબળીયાને તો બબાલ, ડખા કરીને પોતાની તાકાત બતાવી દઈને પક્ષ અને સમાજમાં પોતાનો રોલો પાડવાનો પરવાનો અને તક મળી હોય પછી શું બાકી રાખે ?

આવુ જ નાટક ઉનાવા નાગરીક બેંકની ચુંટણીમાં માર્કેટ યાર્ડમાં આવેલ બેંકની કચેરીના મતદાન મથકમાં શરૂ થયુ. આ ચુંટણી ચુંટણી જ હતી પરંતુ નાટક એટલા માટે કહ્યુ કે આ ચુંટણીનો જે ખેલ કે પ્લોટ જે અહિં ભજવાતો હતો તે જયદેવના અનુભવ મુજબ એક ખેલ જ હતો તે બંને પક્ષના આગેવાનોથી ખુબ પરીચીત હતો બંને પક્ષો એક જ જ્ઞાતિના ભલે થોડા નજીક દુરના પણ કુંટુબીજનો તો હતા પરંતુ વ્યવહારમાં સામાજીક રીતે તથા વાતચિતનો ધનિષ્ઠ સંબંધ હતો. ફકત રાજકીય રીતે જ જુદા હતા. આ ચુંટણી પુરી થયે અને પરીણામ જે આવે તે પણ પછી કોઈને ખબર પણ ન પડે કે ચુંટણી વખતે જે ગરમા ગરમી અને ખેંચાખેંચી કરતા હતા તે આજ લોકો હતા ! તમામ નો વ્યવહાર સામાન્ય, કાઠીયાવાડની માફક ચુંટણીના વેરઝેર વંશ પરંપરાગત અને વર્ષોવર્ષ વારસાગત ચાલે તેવુ નહિ. વળી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો વૈમનસ્યનો એવો શિલશિલો જોયો કે જો બે હરિફ પક્ષ પૈકી કોઈ એક પક્ષ પક્ષાંતર કરે તો બીજો પક્ષ ફકત વૈમનસ્યના કારણે જ પક્ષાંતર કરે ભલે પછી બીજો પક્ષ વિરોધ પક્ષે હોય પણ બસ લડી જ લેવુ ! આમ પછી રાજકારણ ગૌણ બની જાય છે અને વેરઝેર અને વૈમનસ્ય મુખ્ય બની જતા હોય છે.

આ નાગરીક બેંક મતદાન મથકમાં કોઈ મતદારની ઓળખ બાબતનો ઝઘડો જીભા જોડીથી આગળ વધી તું તા અને હંસાતુસી સુધી પહોંચી ગયો. બેંકના એક મતદાન કર્મચારી ઝઘડાની પતાવટ માટે કોશીષ કરતા હતા. પરંતુ ચુંટણી મથકના પ્રિ-સાઈડીંગ અધિકારીને મામલો હાથ બહાર જતો લાગતા મતદાન મથક બહાર ઉભેલી પોલીસને બદલે નાગરીક બેંકનો ચોકીદાર જે પણ બારબોર બંદુક લઈને જ ઉભો હતો તેને મથકમાં અંદર બોલાવી મામલો થાળે પાડવા જણાવ્યુ.

હવે આ નાગરીક બેંકનો ચોકીદાર નિવૃત મીલ્ટ્રીમેન અને મગજનો ફાટેલો વળી આ મીલ્ટ્રીવાળાને સામેવાળા એટલે સરહદપારના જ હોય તેવુ મનમાં ઠસાયેલુ હતુ. આ ચોકીદારે મતદાન મથકમાં આવી પડકારો કર્યો, પરંતુ હંમેશના હુંસાતુસિ અને ખેંચાખેંચી કરવાની ટેવવાળા પક્ષકારોને એમ કે આ પણ મહેસાણા પોલીસની માફક સમજાવટ કરશે, પરંતુ ચોકીદારે બીજા અને ત્રિજા પડકારા પછી બંને ને ડરાવવા માટે ખોટો ખોટો હવામાં ભડાકો કર્યો. સદ્નસીબે કોઈને ઈજા થઈ નહિ. મતદાન મથક સહિત સમગ્ર માર્કેટ યાર્ડ કંમ્પાઉન્ડમાં સન્નાટો ઈ ગયો, બન્ને પક્ષના ધૂરંધરો જે માર્કેટ યાર્ડની કચેરી અને ગેસ્ટ હાઉસમાં બેઠા હતા તે ઓ પણ દોડી આવ્યા.

ઉનાવા ખાતે ચુંટણી બંદોબસ્તમાં ખાસ મુકેલ ઉંઝાના ફોજદાર ગોસ્વામી તો નાગરીક બેંકની બહાર તેની ફોજ લઈને હાજર જ હતા. જયદેવ પણ ઉંઝા ખાતે આવા જ એક સમરાંગણમાં હતો. મોબાઈલ ફોનથી ગોસ્વામીએ જયદેવને બનેલ ઘટનાની વાત કરી, આથી જયદેવે કહ્યુ હું હમણા જ પહોંચુ છે. ઉંઝાથી ઉનાવા ફક્ત છ કિલોમીટર જ દુર હોય જયદેવ જીપ લઈને દસ મીનીટમાં ત્યાં પહોંચી ગયો.

જયદેવે વિગતવારની હકીકત મેળવી લીધી. સામાન્ય રીતે આવા ટોળા શાહિ અને ફાયર આર્મ્સના ફાયરંીગના કિસ્સામાં અને તે પણ આવા રાજકીય ડખામાં પોલીસ કોઈ જોખમ લેતી જ નથી બસ ફાયરીંગ થયુ ? તૈયાર કરો રાયોરંીગની ક્રોસ ફરીયાદો, ખુનની કોશીષ અને બનાવી દેવાનું જાડુ રાંઢવા જેવુ અને આરોપીઓની ધરપકડો, સારી ચાલના જામીન પછી મહિનાઓ સુધી પોલીસ બંદોબસ્ત !

Admin

જયદેવે સૌ પ્રથમ મતદાન પ્રક્રિયા અટકે નહિ તે અંગે નિરીક્ષણ કર્યુ અને મતદાન ચાલુ જ હોય જયદેવે બહાર ઉભેલા આગેવાનો સામે દૃષ્ટિપાત કર્યો તમામ જાણીતા અને સજ્જન હતા જયદેેવે પાસે જઈને કહ્યુ હવે કાયદેસરની કાર્યવાહી તો થશે જ ને ? આથી પ્રકાશભાઈ અને બબલદાસ કાકાએ વિનંતી કરી કે પ્રથમ અમને વિગતે સાંભળશો ? જયદેવે કહ્યુ ચોકકસ, આથી તેમણે કહ્યું ચાલો માર્કેટ યાર્ડ મીટીંગ હોલમાં, જયદેવે પેલા એકસ સર્વિસ મેન ચોકીદાર અને તેની લાયસન્સ વાળી ગનનો કબ્જો લઈ લેવા ફોજદાર ગોસ્વામીને જણાવ્યુ.

બંને પક્ષોના કહેવાનો સુર એક જ હતો કે સાહેબ આ તો ચુંટણીનો ” સોની કજીયો હતો, બનેલુ એવુ કે આ મતદાન પ્રક્રિયા દરમ્યાન અહિંની પધ્ધતિ મુજબ ઉંચા અવાજે દેકારા અને પડકારા થતા હુંસાતુસી, ખેંચાખેંચી થતા આ એકસ સર્વિસ મેન ચોકીદારે ભડાકો કરી દીધેલ છે. બાકી વાતમાં કોઈ માલ નથી. જયદેવનું વિચારવાનું ચાલુ જ હતુ. તે પણ ઉચ્ચ  અદાલતોના નિર્ણય મુજબ લોક અદાલતમાં માનવાવાળો હતો.  આગેવાનો એ વધુમાં જણાવ્યુ કે અમે પ્રતિસ્પર્ધીઓ તો અહિં યાર્ડની કચેરીમાં બેસીને ચાથાણી કરી વાતો કરતા હતા દરમ્યાન મતદાન મથકમાં ચુંટણી એજન્ટોની છોકર મત અને આ આક્રમક અને ઉતાવળીયા ચોકીદારની ખરેખર ભુલ થઈ ગઈ છે. હવે તમે તમારી રીતે લાંબીલચ કાયદાકીય કાર્યવાહી કરી ધરપકડો ફોજદારી કેસો કરશો તો વળી જેલ, જામીન અરજીઓ, રીવીઝન અરજીઓની શુંખલા શરૂ થશે અને છેલ્લે તો કોર્ટમાં આ કેસોના સમાધાન જ થવાનો છે તો તમે કાંઈક એવો રસ્તો કાઢો કે જેથી “ઘી ના ઠામમાં ઘી પડ્યુ રહે.

જયદેવે ચોકીદારને બોલાવી ઠપકો આપ્યો કે “એલા પોલીસ બહાર ઉભી જ છે અને તારે આ દોઢ ડહાપણ કરવાની શું જરૂર હતી ? ચોકીદારે કહ્યુ “સાહેબ એ વાત તો સાચી જ પણ મને એમ કે બંદુક ખાલી છે કાર્ટીસ ચડાવેલો નથી તેથી ખોટુ ખોટુ પક્ષકારો ને ડરાવવા હવામાં નાળચુ રાખી પડકારો કરીને ટ્રીગર દબાવ્યો અને ખરેખર ભડાકો થઈ ગયો, આમ વાત છે મારી તો ભડાકો કરવાની ઈચ્છા જ ન હતી.

જયદેવે ટેલીફોનથી ઉંઝા પોલીસ સ્ટેશનમાં બનેલ બનાવ સંંબંધે સ્ટેશન ડાયરીમાં પ્રથમ જાણવા જોગ નોંધ કરાવી. ત્યાર બાદ તમામ સાહેદોના સહિઓ વાળા નિવેદનો લીધા કે ફક્ત બોલા ચાલી અને હુંસા તુસી જ ચાલતી હતી કોઈ મારામારી કે ઝઘડો ન હતો પરંતુ અકસ્માતે ચોકીદાર થી લાયસન્સ વાળી બંદુકનો ટ્રીગર દબાઈ જતા ભડાકો થઈ ગયેલ. કૃત્ય કોઈ બદઈરાદા વાળુ ન હતુ. ખાસ તો રાજકીય આગેવાનોના નિવેદનો પહેલા લેવડાવ્યા કે જેથી પાછળથી પક્ષીયકે રાજકીય રીતે ખોટા આક્ષેપો ઉભા કરવાનો પ્રશ્ર્ન જ ના રહે.

ઉનાવા નાગરીક બેંક ચુંટણી મતદાન પ્રક્રિયા દરમ્યાન ખાનગી બંદુકથી ફાયરીંગ થયા ના સમાચાર સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગયા. પોલીસવડાએ જયદેવને આ બાબતે પુછરપછ કરતા જયદેવે જે સત્ય હકીકત હતી કે જણાવી દીધી અને કહ્યુ કે ચોકીદાર વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૩૬ ગુન્હાઈત બેદરકારી વાળુ એવુ કૃત્ય કે ઈજા થવાનો સંભવ છે છતા પણ મનુષ્યની જીંદગી કે અન્યની જીદંગી જોખમમાં મુકે તેવુ કૃત્ય કે જેનાથી સામાન્ય ઈજા પહોંચવા સંભવ છે તે અન્વયે ગુન્હો નોંધવાની તજવીજ ચાલુ છે. મતદાન તો ચાલુ જ છે બંને પક્ષકારો વચ્ચે સમજુતી જ છે અને કોઈ વૈમનસ્ય નથી આ તો ક્ષણીક આવેશમાં બોલાચાલી ઝઘડો થતા ચોકીદારથી અકસ્માતે ભડાકો થઈ ગયેલ છે.આઈપીસી ૩૩૬ ગુન્હાના કામે બેંક ચોકીદારની ધરપકડ કરી પોલીસ સ્ટેશન માં જ જામીન ઉપર મુકત કર્યો. બંદુક એફ.એસ.એલ તપાસણી માટે કબ્જે  કરી પરંતુ જામીન પર ત્યાંજ છુટતા તમામ ખુશ થયા.આ બનાવ પછી બંને પક્ષો વચ્ચે વધુ સમજુતી અને સહમતી થઈ જે આજદીન સુધી જળવાઈ રહેલ છે. પરંતુ જો પોલીસે પરંપરાગત કાર્યવાહી કરી હોત તો વળી કાંઈક જુદી સ્થિતી સંભવ હતી. ત્યારબાદ આ બંને રાજકીય પક્ષો રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રીય પાર્ટીએ પણ પોલીસની તટસ્થ અને ન્યાયીક કાર્યવાહી કરવા અંગે પોલીસ નો આભાર માન્યો. આમ જનતામાં પણ પોલીસની પ્રતિષ્ઠા વધી અને વિશ્વાસ પાકો થયો કે પોલીસ સર્વજન હિતાય ન્યાયીક કાર્યવાહી જ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.