Abtak Media Google News

આકાશવાણી રાજકોટ સ્ટેશન દ્વારા મીડીયમ વેવ થી ૮૦૦ રેડીયલ માઈલ સુધીના પ્રસારણ વડે ૪ કરોડથી વધુ વસતીને કવર કરે છે

૪ જાન્યુઆરી ૧૯૫૫માં પદ્મશ્રી દુલા ભાયા કાગ, શ્રી જયમલ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં ૪ જાન્યુઆરી ૧૯૫૫માં પદ્મશ્રી દુલા ભાયા કાગ,  જયમલ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. આજે ૬૪ વર્ષના લાંબા સમયગાળા બાદ પણ લાખો શ્રોતાઓના પ્રેમથી મનભાવન રાજકોટ આકાશવાણી કેન્દ્ર અનેક ઉતાર-ચડાવ પછી પણ અડીખમ છે.

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા ૧૯૩૯માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું જે આઝાદી બાદ સરકારશ્રીને સોપી દિધેલ ૧૯૪૯માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જયારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની ૧૯૫૫માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.આજે રાજકોટ આકાશવાણી કેન્દ્રનો ૬૫મો સ્થાપના દિવસ છે અને તેના ભાગરૂપે જે વિવિધ કાર્યક્રમો દ્વારા રાજકોટ આકાશવાણી કેન્દ્ર ઉત્સાહભેર ઉજવણી કરવા જઇ રહ્યું છે. રાજકોટના રેડિયો સ્ટેશનની સ્થાપનાનો એક રોચક ઇતિહાસ છે. રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપનાએ સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. રાજકોટ ખાતે ૧ કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું. ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઇને ૧૩ જુલાઇ ૧૯૮૭માં ૩૦૦ કિલો વોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઇ, જેના દ્વારા ખેતીવિષયક, શૈક્ષણિક અને મનોરંજક પ્રોગામનું પ્રસારણ કરવામાં આવે છે. હાલ રાજકોટથી મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ પ્રસારણ કરવામાં આવે છે. જ્યારે રાજકોટ સ્ટેશનથી સૌપ્રથમ પ્રસારિત થનાર કાર્યક્રમ ગામનો ચોરો’ હતો.

પ્રવર્તમાન સમયમાં પણ આકાશવાણી રાજકોટ કેન્દ્ર ૬૪ વર્ષ બાદ પહેલા જેવી જ લોકપ્રિયતા ધરાવે છે, ઉપરાંત સૌનિકો, ખેડૂતો, મહિલાઓ અને હવે યુવાનોમાં પણ આકાશવાણી જાણીતું બન્યું છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર ટેક્નોલોજી અને સોશીયલ મિડીયામાં કદમથી કદમ મેળવીને અગ્રેસર છે, આકાશવાણી રાજકોટનું ફેઇસબુક પેઇજ ૨૨૦૦થી વધુ લાઇક્સ ધરાવે છે, આ ઉપરાંત ડિજીટલ પ્લેટફોર્મ પર NewsOnAir નામી એપ પર આંગળીના ટેરવે હવે રાજકોટ આકાશવાણી કેન્દ્ર તેમજ વિવિધભારતી અને દેશભરના અન્ય સ્ટેશનો પર પ્રસારીત થતા કાર્યક્રમો માણી શકે છે. તો બીજી બાજુ All INDIA RADIO RAJKOT નામની આકાશવાણી રાજકોટની યુ-ટ્યુબ ચેનલ પણ કાર્યરત છે જેના ૧૫૦૦થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. જ્યાં દરરોજ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા તમામ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવી રહ્યા છે, સાથે શ્રોતાઓને આકાશવાણી રાજકોટના જૂના અને લોકપ્રિય કાર્યક્રમો ત્યાં સાંભળવા મળી રહ્યા છે. આ તમામ કાર્યક્રમો ડિજીટલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આકાશવાણી રાજકોટના કાર્યક્રમ અધ્યક્ષ વસંતભાઇ જોષી અને તેમની ટીમનો સિંહફાળો છે.

ડિજીટલ પ્લેટફોર્મ પર આકાશવાણી રાજકોટ વધુ મજબુત બની કામગીરી કરશે તેવા હેતું સાથે તમામ શ્રોતાઓને આકાશવાણી રાજકોટના ૬૫માં સ્થાપના દિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી છે. આજે આકાશવાણી રાજકોટના ૬૫માં સ્થાપના દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ કેન્દ્રમાં રંગોળી અને રોશની દ્વારા શણગાર કરવામાં આવેલ સાથે હેમંત ચૌહાણના ભજનનું સુંદર આયોજન કરેલ હતું.

Dsc 2611

આજના ડિઝીટલ યુગમાં યુવા વર્ગ પોતાના મોબાઈલમાં NewsOn Air એપ ઉપર ગમે તે આકાશવાણી રાજકોટને માણી શકે છે. ફેસબુક-યુટયુબ-ટવીટર ઉપર રેડીયો સાંભળતા શ્રોતામિત્રો આજે પણ આકાશવાણી સાથે જોડાયા છે. રાજકોટમાં રેડિયો લીસનર કલબ પણ ચાલે છે, જેમાં મધુસુદન ભટ્ટ, દિનેશ બાલાસરા, ભુપેન્દ્ર સોની, પ્રવિણભાઈ સોની, ચોરવાડનાં અરૂણ ચાંદેગરા, તાલાલા ગીરના કુમનજી તન્ના, થડોદરનાં ભાનુભાઈ જોશી, ગારીયાધારના ધીરૂભાઈ વાઢારા, વિરમગામનાં અજીત ભાવસાર, પાટડીના દિનેશ સોલંકી જેવા વિવિધ શ્રોતાઓ આકાશવાણી સાથે નિયમિત શ્રોતા મિત્ર હતા.

આ પૈકી દિનેશ બાલાસરા આજે સારા ઉદઘોષક છે તેઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ કે હું આજે જે કાઈ છું તે આકાશવાણી રાજકોટને આભારી છું.

આકાશવાણીના અણમોલ રત્ન

રાજકોટ આકાશવાણીના અણમોલ રત્ન લોક ગાયક હેમુગઢવી, પદ્મશ્રી દુલાભયાકાગ, મેરૂભા ગઢવી, પદ્મશ્રી દિવાળીબેન ભીલ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ઈન્દુલાલ ગાંધી, ભાસ્કર વોરા, હસન ઈસ્માઈલ સોલંકી-ઉસ્તાદ સુલતાનખાન, અરવિંદ ધોળકિયા, ભરત યાજ્ઞિક, રેણુ યાજ્ઞિક, કવિશ્રી તૃષાર શુકલ, પદ્મશ્રી હેમંત ચૌહાણ જેવા અનેક નામાંકિત કલાકારોનો સિંહ ફાળો રહ્યો છે.

૩૦થી વધુ રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂકયું છે આકાશવાણી રાજકોટ કેન્દ્ર

આકાશવાણી રાજકોટ કેન્દ્રને અત્યાર સુધી ૩૦થી વધુ રાષ્ટ્રિય એવોર્ડ મળેલ છે બે વર્ષ પહેલાતો એક જ વર્ષમાં પાંચ રાષ્ટ્રીય એવોર્ડ મળતા રાજકોટનું નામ સમગ્ર દેશમાં રોશન કરેલ છે. ગયા વર્ષે સંત શ્રી મોરારીબાપુના વરદ્ હસ્તે કવિ દુલા ભયા કાગ એવોર્ડ પણ મળેલ હતો.

આ કાર્યક્રમો આજે પણ શ્રોતાઓ યાદ કરે છે…

આકાશવાણી રાજકોટ કેન્દ્રનાં કેટલાક મહત્વનાં કાર્યક્રમો જૂની પેઢી-નવી પેઢીને સાંકળે છે ત્યારે અર્ચના-રત્નકણીકા, કભી-કભી, સંતવાણી, સોનાવાટકડી, ગામનો ચોરો, જયભારતી, યુવવાણી, સહિયર જેવા વિવિધ કાર્યક્રમો શ્રોતાઓને આજેય યાદ આવી રહ્યા છે

‘કભી કભી’ રેડિયો કાર્યક્રમમાં રવિવારે શું આવશે તેની શ્રોતાને ઉત્સુકતા હતી: ભરત યાજ્ઞિક જાણીતા ઉદઘોષક

Dsc 2603

જાણીતા ઉદઘોષક તથા સુંદર રેડિયો કાર્યક્રમનાં નિર્માણકર્તા ભરત યાજ્ઞિકે મુલાકાતમાં જણાવેલ કે રેડિયોમાં અવતો ‘કભી કભી’ કાર્યક્રમ ખૂબજ સંભળાતો લોકોને ઈન્તિજાર રહેતો કે આ રવિવારે શું આવશે? અને મને પણ પ્રશ્ર્ન રહે તો કે આ રવિવારે મારે શું આપવું.આકાશવાણી-રાજકોટ કેન્દ્ર સાથેનો મારો નાતો મારા જીવનની અવિસ્મરણીય ક્ષણો છે.

રાજકોટ કેન્દ્રએ બાળકથી મોટેરા અને મહિલાઓ સાથે સિનિયર સિટીઝન માટે કાર્યક્રમો આપ્યા છે: યજ્ઞેશ દવે ભૂતપૂર્વ સ્ટેશન ડાયરેકટર

Dsc 2604

આકાશવાણી રાજકોટ કેન્દ્રનાં ભૂતપૂર્વ ડાયરેકટર યજ્ઞેશ દવેએ જણાવેલ કે બાળકો માટેની બાલસભાને મહિલાઓ માટે સહિયર સાથે યુવાનો માટે યુવવાણી કાર્યક્રમો રેડિયો માધ્યમથી લાખો લોકો સાંભળતા બાળથી મોટેરાને રેડિયો મનોરંજન છે તો આજે સીનીયર સીટીઝન માટે પણ સ્પેશિયલ રેડિયો કાર્યક્રમ આવે છે.

‘સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિ રાસ-ગરબા-ભજનો આજે પણ આકાશવાણી-રાજકોટ કેન્દ્રએ જીવંત રાખ્યા છે’: વસંત જોષી સ્ટેશન ડાયરેકટર

Dsc 2609

આકાશવાણી રાજકોટ કેન્દ્રનાં સ્ટેશન ડાયરેકટર વસંત જોશીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવેલ સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિ રાસ-ગરબા-ભજનો- ચારણી સાહિત્યને આકાશવાણીએ આજેય જીવંત રાખ્યું છે.

ડીજીટલ યુગમાં પણ શ્રોતાઓ પોતાના મોબાઈલ એપ દ્વારા વિવિધ જૂના અવિસ્મરણીય રેડીયો કાર્યક્રમો પોતાના અનુકુળ સમયે માણે છે. ૬૪ વર્ષની સફળ યાત્રામાં નામાંકિત કલાકારો, સાથે રાજકોટના કર્મનિષ્ઠક સ્ટાફના સુંદર પ્રયાસોથી આકાશવાણી રાજકોટ કેન્દ્ર સમગ્ર દેશમાં સુવિખ્યાત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.