Abtak Media Google News

આજથી રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરતમાં એપ્લીકેશન મારફતે લોકો પર રખાશે નજર

વિશ્ર્વભરમાં જે રીતે કોરોના વાયરસે તેનો કહેર મચાવ્યો છે તેનાથી વિશ્ર્વ આખુ કોરોનાનાં ભરડામાં આવી ગયું હોય તેવું લાગે છે. આ તકે ભારતભરમાં ૨૧ દિવસનો લોકડાઉન પીરીયડ રહેવાથી અનેકવિધ પારાવાર મુશ્કેલીઓનો સામનો લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે જેમાં આજથી રાજયનાં તમામ મોટા મહાનગરો જેવા કે રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરતમાં કોરોન્ટાઈન થયેલા ૨૦ હજાર લોકો ઉપર એપ્લીકેશન મારફતે ‘તિસરી આંખ’ રાખવામાં આવશે. રાજય સરકાર દ્વારા કોરોન્ટાઈન દર્દી ઉપર નજર રાખવા માટેની જે એપ્લીકેશન બનાવવામાં આવી છે તેની પહેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી જે હવે સમગ્ર રાજયમાં અમલી બનાવાશે.

હેલ્થ અને ફેમિલી વેલફેરના મુખ્ય સચિવ જયંતિ રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જીયોગ્રાફી ઈન્ફોર્મેશન સિસ્ટમ કોરોન્ટાઈન વ્યકિતનો રીયલ ટાઈમ ડેટા આપવામાં અત્યંત મદદરૂપ થશે. એપ્લીકેશન મારફતે તંત્રને જે-તે કોરોન્ટાઈન થયેલ વ્યકિત કયાં ફરે છે અને શું હિલચાલ કરે છે તે અંગેની પણ માહિતી મળતી રહેશે. ગુજરાત રાજયમાં શુક્રવારનાં રોજ ૫૭૦ લોકોએ કોરોન્ટાઈનનાં નિયમનો ભંગ કર્યો હતો જેથી તે ભંગ કરનાર તમામ લોકોને સરકાર દ્વારા ચલાવવામાં આવતા કોરોન્ટાઈન વોર્ડ ખાતે ખસેડવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એપ્લીકેશન જે-તે કોરોન્ટાઈન દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી તેમનાં ઘરનું સરનામું સહિત તમામ માહિતીઓ પુરી પાડશે. સાથોસાથ કોરોન્ટાઈન દર્દીઓને તાવ, શરદી થાય અને તેના લક્ષણો અંગેની માહિતીઓ પણ એપ્લીકેશન મારફતે તંત્ર જાણી શકશે.

ગુજરાતમાં કુલ ૨૦,૧૦૩ લોકો કોરોન્ટાઈન હેઠળ છે જેમાંથી ૧૯,૩૭૦ હોમ કોરોન્ટાઈન, ૫૭૫ લોકો સરકાર દ્વારા ચાલતા કોરોન્ટાઈન વોર્ડમાં રાખવામાં આવેલા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલમાં રાજયનાં કુલ ૧૫૦ ડોકટરો જોડાયા છે જે ત્વરીત જ આ અંગેનો સમગ્ર રીપોર્ટ તૈયાર કરી તેનું મુલ્યાંકન કરશે. હેલ્થ અને ફેમિલી વેલફેરનાં મુખ્ય સચિવ જયંતિ રવિએ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ સંસ્થાઓને સ્વયંમ સેવકો તરીકે લોકોની સારસંભાળ અને અન્ય લોકોને પ્રેરિત કરવા માટેની અપીલ પણ કરી છે. સરકાર દ્વારા હાલ ૧૦૦૦ વેન્ટીલેટરો બનાવવામાં આવ્યા છે જેના માટે ૩૦૦૦ એકસપર્ટની જરૂરીયાત ઉભી થઈ છે. આ તકે રાજય સરકાર દ્વારા અપીલ કરવામાં આવેલી છે કે ડોકટરો અને ટ્રેઈન્ડ ટેકનીશયનોને આ કાર્યમાં જોડાવવા માટેની અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.