Abtak Media Google News
  • ઉ. કોરિયાએ હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરતાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ
  • કોરિયાઇ ઉપખંડમાં ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનાં એંધાણ
  • માત્ર ૫૦થી ૬૦ કિલોટનના હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છતાં કોરિયાઇ ઉપખંડની ધરતી ધુ્રજી ઊઠી  
  • દ. કોરિયા, જાપાન અને અમેરિકા ભયભીત
  • હાઈડ્રોજન બોમ્બને હજારો કિલોટનથી ૧૦૦-૫૦૦ કિલોટનમાં ફેરવીને અમેરિકા સુધી હુમલો કરવા ઉત્તર કોરિયા સક્ષમ (પીટીઆઈ)     

ઉત્તર કોરિયાએ આજે છઠ્ઠા પરમાણુ પરીક્ષણ અંતર્ગત હાઈડ્રોજન બોમ્બ ફોડીને દુનિયાને હચમચાવી દીધી છે. દક્ષિણ કોરિયાની હવામાન એજન્સીના જણાવ્યાનુસાર, દક્ષિણ કોરિયાના પાંચમા પરમાણુ પરીક્ષણ  કરતા આ પરમાણુ બોમ્બની ક્ષમતા સાત ગણી વધારે છે. ઉત્તર કોરિયા કોઈ પણ સમયે પરમાણુ મિસાઈલ થકી અમેરિકા પર હુમલો કરી શકે છે. આ પરીક્ષણ દરમિયાન સ્થાનિક સમય પ્રમાણે સવારે સાડા બાર વાગ્યે ૫.૭ મેગ્નિટયુડના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બાદમાં અમેરિકન હવામાન એજન્સીઓએ જણાવ્યું હતું કે, આ પરીક્ષણ વખતે આશરે ૬.૩ મેગ્નિટયુડનો ભૂકંપ અનુભવાયો હતો.

દક્ષિણ કોરિયાના મતે, કિમ જોંગ ઉને ન્યુક્લિયર વેપન્સ ઈન્સ્ટિટયુટની મુલાકાત લઈને સુપર એક્સપ્લોસિવ  પાવર ધરાવતા ‘હોમ મેડ’ હાઈડ્રોજન બોમ્બનું નિરીક્ષણ કર્યું હતું. આ બોમ્બ હજારો કિલોગ્રામથી લઈને ૧૦૦થી ૫૦૦ કિલોટનમાં પરિવર્તિત કરી શકાય છે. જોકે, ઉત્તર કોરિયાએ આશરે ૫૦થી ૬૦ કિલોટનના હાઈડ્રોજન બોમ્બનું નિરીક્ષણ કર્યું હતું.

આ પરીક્ષણ પછી અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન અને યુએનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકોનો દોર શરૃ થઈ ગયો છે. અમેરિકા અને તેના મિત્ર દેશો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણો માટે કયા મટિરિયલનો ઉપયોગ કરી રહ્યું છે, પરંતુ ઉત્તર કોરિયા મોટા ભાગની માહિતી ગુપ્ત રાખવામાં સફળ રહ્યું છે.

ઉત્તર કોરિયાએ માથાફરેલ શાસક કિમ જોંગ ઉનની હાજરીમાં હામગ્યોંગ પ્રાંતમાં કિલિજુમાં હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. આ પહેલાં પણ ઉત્તર કોરિયાએ આ જ સ્થળે પરમાણુ પરીક્ષણો કર્યા હતા. આ પરીક્ષણ પછી દક્ષિણ કોરિયાએ પ્રમુખ મૂન જે-ઈનની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની તાત્કાલિક બેઠક બોલાવી હતી. દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે, અમે પણ અમારી સુરક્ષા વધારે મજબૂત કરી રહ્યા છીએ.

જાપાને પણ તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હવે અમે ઉત્તર કોરિયાનો સખત વિરોધ કરીએ છીએ. આ પ્રકારના પરમાણુ પરીક્ષણો બિલકુલ અસ્વીકાર્ય છે.

ઉત્તર કોરિયાએ ગયા વર્ષે જ બે પરમાણુ પરીક્ષણ કર્યા હતા, જેમાંનું એક પરીક્ષણ એક વર્ષ પહેલાં ઉત્તર કોરિયાના સ્થાપના દિવસે નવમી સપ્ટેમ્બરે કરાયું હતું.

ઉત્તર કોરિયા જુલાઈમાં બે બેલિસ્ટિક મિસાઈલનું પણ પરીક્ષણ કરી ચૂક્યું છે. એટલું જ નહીં, ગયા મહિને પણ ઉત્તર કોરિયા મધ્યમ કક્ષાની મિસાઇલનું પરીક્ષણ કરી ચૂક્યું છે. આ મિસાઈલ જાપાન પરથી પસાર થતાં હોબાળો મચી ગયો હતો. જોકે, આ મિસાઈલની ક્ષમતા વિશે વિશ્વને પૂરેપૂરી જાણકારી મળી શકી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.