Abtak Media Google News

મુંદ્રા, કંડલા, પીપાવાવ, અલંગ અને દહેજને એમ્પ્લોઈમેન્ટ ઝોન જાહેર કરાયા

કેમીકલ્સ, પેટ્રોકેમીક્લ્સ, સીમેન્ટ અને શીપ બિલ્ડીંગ જેવા ક્ષેત્રમાં ઉદ્યોગો બે લાખ કરોડનું મુડી રોકાણ કરે તેવી અપેક્ષા

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં રોજગારીની તકો ઉભી કરવા કેન્દ્ર સરકાર પગલા લઈ રહી છે જેના ભાગ‚પે કેન્દ્રીય શીપીંગ મંત્રાલયે ગુજરાતના હજીરાથી લઈ કચ્છ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં બે લાખ ડાયરેકટ અને ૧૦ લાખ ઈનડાયરેકટ રોજગારી ઉભી કરવાના હેતુથી પાંચ એમ્પલોઈમેન્ટ ઝોનની દરખાસ્ત કરી છે.

આ મામલે કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગુજરાતમાં પાંચ નવા નેશનલ એમ્પલોઈમેન્ટ ઝોનની મંજૂરી આપી છે. કચ્છના મુંદ્રા અને કંડલામાં, અમરેલીના પીપાવાવમાં, ભાવનગરના અલંગમાં, સુરતના હજીરામાં અને ભરૂચના દહેજમાં એમ્પલોઈમેન્ટ ઝોન બનાવવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની હાલની યોજનાઓ હેઠળ ગુજરાતમાં પાંચેય એમ્પલોઈમેન્ટ ઝોનને આંતરરાષ્ટ્રીયસ્તરનું ઈન્ફાસ્ટ્રકચર મળશે. જેનાથી રોજગારી ઉભી થાય તેવા ઉદ્યોગો ગુજરાત તરફ આકષાશે. આગામી ૫ થી ૮ વર્ષના સમયગાળામાં આ દરિયાઈ પટ્ટીમાં રૂ.૨ લાખ કરોડના મુડી રોકાણ આવશે અને કુલ ૧૨ લાખ રોજગારીની તકો ઉભી થશે. કેમીકલ્સ, પેટ્રોકેમીકલ્સ, ફર્નીચર, સીમેન્ટ અને શીપ બિલ્ડીંગ સહિતના ઉદ્યોગો આવશે. આ પાંચેય એમ્પલોઈમેન્ટ ઝોનમાં કલસ્ટર ઉભુ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ધ્યેય રાજયમાં વધુને વધુ તકો ઉભી કરવાનો છે.

સરકાર ઘણા સમયથી યુવાનોને રોજગારીની તકો પુરી પાડવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. સ્કીલ ડેવલોપમેન્ટ સહિતના પ્રોગ્રામ હેઠળ યુવાનોને રોજગારી આપવાનો પ્રયાસ થયો છે. આ ઉપરાંત ભારતના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં ઉદ્યોગોના વિકાસની તકો ઉજળી છે.

પરિણામે ઉદ્યોગોની સાથો-સાથ રોજગારીનું પ્રમાણ પણ વધે તેવા હેતુથી સરકાર એમ્પલોઈમેન્ટ ઝોન સ્થાપી રહી છે. ટૂંક સમયમાં ગુજરાતમાં હજીરાથી લઈ કચ્છ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં કેમીકલ્સ, પેટ્રોકેમીકલ્સ, ફર્નીચર, સીમેન્ટ અને શીપ બિલ્ડીંગ જેવા ક્ષેત્રમાં ઉદ્યોગો રૂ.૨ લાખ કરોડ સુધીનું મુડી રોકાણ કરશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.