Abtak Media Google News

મતદારોની યાદી વર્ડ ફોર્મેટમાં આપવાની કોંગ્રેસની અરજી ફગાવી દેવાઈ

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે વડી અદાલતે કોંગ્રેસના નેતા કમલનાથ, સચિન પાયલોટ અને ભૂપેશ બાઘેલ દ્વારા મતદારોની યાદી વર્ડ ફોર્મેટમાં આપવાની ચૂંટણીપંચ સમક્ષ માંગ કરતી અરજી ફગાવી છે. વડી અદાલતે ટકોર કરી છે કે, ચૂંટણીપક્ષની નિષ્પક્ષતા ઉપર સવાલ ઉઠાવી શકાય નહીં.

ન્યાયધીશ એ.કે.શીકરી અને અશોક ભૂષણની ખંડપીઠે કોંગ્રેસના ત્રણ પ્રમુખો દ્વારા થયેલી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં દલીલ થઈ હતી કે, ચૂંટણી કમીશને મતદારોની યાદી વર્ડ ફોર્મેટમાં આપવી જોઈએ. અગાઉ આ મામલે ચૂંટણીપંચ કહી ચૂકયું છે કે, કોંગ્રેસ ઈચ્છે તે રીતે ચૂંટણી થાય નહીં. ચૂંટણીપંચ સંવિધાનીક બોડી છે. જેને કોઈપણ આદેશ કરી શકે નહીં તેવી દલીલ પણ આ સુનાવણી દરમિયાન થઈ હતી.

વડી અદાલતે ચૂંટણીપંચે કરેલી અરજીને સ્વીકારી હતી અને કહ્યું હતું કે, છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષોમાં ચૂંટણીપંચે ખૂબ સારી વિશ્વસનીયતા હાસલ કરી છે. ચૂંટણીપંચની કામગીરી સંતોષજનક છે. જેથી તેની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠી શકે નહીં. વડી અદાલતે આપેલા ચૂકાદા બાદ હવે લગભગ કોંગ્રેસે કરેલી અરજી મામલે પૂર્ણ વિરામ મુકાઈ ચૂકયો છે.

અગાઉ પણ કોંગ્રેસ ચૂંટણીપંચની કાર્યવાહી ઉપર શંકા વ્યકત કરી ચૂકી છે. ઈવીએમના મામલે પણ પ્રશ્નો ઉઠાવી ચૂકી છે. હવે મતદારોની યાદી અને સંખ્યામાં જાણી જોઈને ભૂલ થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. અલબત મતદારોની યાદી વર્ડ ફોર્મેટમાં નહીં આપવા અંગેના ચૂકાદા બાદ ગઈકાલે વડી અદાલતે ચૂંટણીપંચ ઉપર ઉઠી રહેલા સવાલો અટકાવ્યા છે.

વડી અદાલતે કહ્યું છે કે, ચૂંટણીપંચની નિષ્પક્ષતા ઉપર સવાલ ઉઠાવી શકાય નહીં. બોગસ મતદારોના આક્ષેપ સાથે કોંગ્રેસે માંગેલી મતદારોની વર્ડ ફોર્મેટની યાદી મામલે પણ દરખાસ્ત ફગાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.