Abtak Media Google News

કામદારોને કાયમી કરવાથી લઈને વારસાના પડતર પ્રશ્ર્નોનો અંત આવતા આનંદની લહેર

રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના જુદા-જુદા પ્રશ્ર્નો અંગે વાલ્મીકી સેના દ્વારા મહારેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા હતા. સફાઈ કામદારોના આગેવાનો અને બરો સ્વીપર્સ યુનિયનના આગેવાનો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર, મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રને ગંભીરતાથી લઈને અધિકારીઓ અને આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને સફાઈ કામદારોના પ્રશ્ર્નોનો નિકાલ કર્યો હતો. તમામ કામદારોના પ્રશ્ર્નનો હલ થતા વાલ્મીકી સેના દ્વારા અધિકારીઓ અને આગેવાનોનો આભાર માનવામાં આવ્યો છે.

આ રજુઆતમાં ચાલુ ફરજ દરમ્યાન અસાધ્ય રોગના ભોગ બનેલા અને ૨૦ વર્ષથી નોકરી ન થઈ હોય તેમજ પેન્શનનો લાભ જતો કરીને સ્વૈચ્છિક રાજીનામું આપે તેવા સફાઈ કામદારના વારસદારને ખાસ કિસ્સામાં નોકરીએ રાખવા, પુત્ર કે પરિણત પુત્રીને વારસદાર તરીકે માન્ય રાખવા, દતક પુત્ર-પુત્રીને નોકરીમાં લેવા, મહર્ષિ વાલ્મિકી શરાફી સહકારી મંડળીને મહાનગરપાલિકાની કચેરીમાં જગ્યામાં ફાળવવી, જુના પડતર કેસો મંજુર કરવા વગેરે પ્રશ્ર્નોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત કંડલા નવલખી બંદર તથા જામનગરમાં ઘણા વર્ષ પહેલા હોનારતમાં ગયેલા અને તેના કોર્પોરેશન દ્વારા જે સફાઈ કામદારોને કામ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા તેમાં ૭૦ જેટલા કામદારોને પાર્ટ ટાઈમ સફાઈ કામદાર તરીકે માનવતાની દ્રષ્ટીએ કામદારોની માંગણીને ધ્યાનમાં લઈને હાજરીના ૨૪૦૦ દિવસ ગણાય છે તેના બદલે ૧૮૦૦ દિવસ ગણીને ફુલ ટાઈમ કર્મચારી તરીકે લેવાનો અભિગમ અપનાવ્યો છે. તે બદલ પણ અધિકારીઓ અને ભાજપના આગેવાનોનો આભાર માન્યો હતો. આ નિર્ણયથી સફાઈ કામદારોમાં આનંદની લહેર છવાઈ હોવાનું ‘અબતક’ની મુલાકાતે આવેલા વાલ્મીકી સેનાના આગેવાનો અને કાર્યકરો દ્વારા કહેવામાં આવ્યું હતું.

આ મુલાકાતમાં પૂર્વ કોર્પોરેટર કરશનભાઈ વાઘેલા, બટુકભાઈ વાઘેલા, કિરીટભાઈ વાઘેલા, નિતીનભાઈ પરમાર, મગનભાઈ ચુડાસમા, ખીમજીભાઈ જેઠવા, રામભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.