Abtak Media Google News

પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, અમેરિકા, ઈરાન પર કડક કાર્યવાહી કરી શકે છે: વ્હાઈટહાઉસ મધ્ય પૂર્વમાં ૧.૨૦ લાખ સૈનિક મોકલી શકે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સાઉદી અરબની ૨ ક્રૂડ ટેન્કર અને ક્રૂડ પાઈપલાઈન પર હુમલા પછી પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. જોકે, ઈરાને તેમાં પોતાની ભૂમિકા હોવાનો ઈનકાર કરતા તેને વિદેશી શક્તિઓનું કાવતરું ગણાવ્યું છે. બીજી બાજુ, અમેરિકાએ પશ્ચિમી એશિયામાં તેની સ્થિતિ મજબૂત કરવા અને કોઈ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકાએ ઈરાક યુદ્ધ દરમિયાનથી બગદાદ અને ઈરબિલમાં આવેલા તેના ઈમર્જન્સી સિવાયના અધિકારીઓને પાછા બોલાવી લીધા છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેમની એડવાઈઝરીમાં કહ્યું છે કે આતંકી અને વિદ્રોહી જૂથ ઘણા સક્રિય હોવાના કારણે દૂતાવાસને આંશિક રીતે બંધ કરાઈ રહ્યું છે. તે ગમે ત્યારે કોઈ હુમલો કરી શકે છે. અમેરિકાએ ગયા વર્ષે ઇરાકી શહેર બસરામાં ઉચ્ચાયોગ બંધ કરી દીધું હતું. બીજી બાજુ ઈરાક અને સીરિયામાં હયાત તેનું સૈન્ય હાઈ એલર્ટ પર છે. અમેરિકન સમાચારનો રિપોર્ટ : ન્યુયોર્ક ટાઈમ્સએ રિપોર્ટમાં અમેરિકન સંરક્ષણ અધિકારીઓને ટાંકીને દાવો કર્યો કે વ્હાઈટહાઉસ મધ્ય-પૂર્વમાં તેના ૧.૨૦ લાખ સૈનિકો મોકલવાનો વિચાર કરી રહ્યું છે. જેથી તે ઈરાનની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપી શકે. અધિકારીઓ રણનીતિ બનાવી રહ્યા છે.

ઈરાને જાહેરાત કરી છે કે તેણે સત્તાવાર રીતે ૨૦૧૫ ન્યુક્લિયર ડીલમાં દર્શાવેલાં બધાં જ વચનો, શરતો અને સંમતિને રદ કરી દીધાં છે.અમેરિકન સૈન્ય ઈરાક, સીરિયામાં હાઈ લેવલ એલર્ટ પર છે. સૈન્યએ કહ્યું કે ઈરાન સમર્થિત સૈન્યો તેના સૈન્ય સ્થળો પર ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવી શંકાને પગલે આમ કરાયું છે. તેના કારણે યુએસ સેન્ટ્રલ કમાન્ડે પણ ક્ષેત્રમાં તેની હિલચાલ વધારી દીધી છે. પેન્ટાગોન કહી ચૂક્યું છે કે તે ત્યાં પરમાણુ ક્ષમતાવાળા યુદ્ધ વિમાન મોકલી રહ્યું છે.

રશિયા પહોંચેલા અમેરિકન વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ કહ્યું છે કે અમે ઈરાન સાથે યુદ્ધ નથી ઈચ્છતા. શરત માત્ર એટલી કે ઈરાન એક સામાન્ય દેશ જેવું વર્તન કરે. પરંતુ જો અમેરિકન હિતો પર હુમલો થશે તો જવાબ અપાશે.પ્રમુખ ટ્રમ્પે મે ૨૦૧૫માં બરાક ઓબામાના સમયે ઈરાન સાથે થયેલી ન્યુક્લિયર ડીલ રદ કરી દીધી હતી. આ સાથે જ ઈરાન પર અનેક આકરા પ્રતિબંધો લાગુ કર્યા હતા.

અમેરિકાએ ચીન અને ભારત જેવા દેશોને ઈરાનમાંથી ક્રૂડ ખરીદીની છૂટ પણ રદ કરી દીધી. અમેરિકાના દબાણના કારણે અનેક દેશોએ પણ ઈરાન સાથે તેના સંબંધ તોડી નાંખ્યા છે. આ બધાના કારણે ઈરાનનું અર્થતંત્ર ખૂબ જ નબળું થઈ રહ્યું છે.

રણનીતિ : અમેરિકાએ મિસાઈલ-જહાજ મોકલ્યાં

અમેરિકાએ તાજેતરના સપ્તાહમાં યુદ્ધજહાજ યુએસએસ આરલિંગ્ટન અને યુએસએસ અબ્રાહમ લિંકનને મધ્ય-પૂર્વમાં નિયુક્ત કર્યા છે. અમેરિકન સંરક્ષણ સલાહકાર કહી ચૂક્યા છે કે ઈરાન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. ઈરાનના આક્રમણની આશંકાને ટાંકીને અમેરિકાએ પેટ્રિયટ મિસાઈલો નિયુક્ત કરી છે. માઈક પોમ્પિયોએ અમેરિકન સૈનિકોની સલામતીનો કયાસ કાઢવા માટે ઈરાકનો પ્રવાસ પણ કર્યો છે.

અસર : ઈરાન હોર્મૂઝ જળમાર્ગ બંધ કરી શકે છે

ઈરાન ચેતવણી આપતું રહ્યું છે કે સૈન્ય તણાવ વધશે તો તે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ક્રૂડ માર્ગ હોર્મૂઝ જળડમરૂ મધ્યને બંધ કરી દેશે. સાઉદી અરબ, ઈરાક, યુએઈ, કુવૈત, કતાર અને ઈરાનની મોટા ભાગની ક્રૂડ નિકાસ હોર્મૂઝ જળડમરુ મધ્ય મારફત થાય છે. અહીંથી દૈનિક અંદાજે ૧૫ મિલિયન બેરલ ક્રૂડ સપ્લાય થાય છે. તેના બંધ થવાથી યુએસ, યુકે, ભારત સહિત અનેક દેશોમાં ક્રૂડની અછત સર્જાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.