Abtak Media Google News

વિશ્વકપ ૨૦૧૯માં સૌપ્રથમ એવું માનવામાં આવતું હતું કે, સેમી ફાઈનલ અથવા ફાઈનલમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાશે પરંતુ પાકિસ્તાન માટે આ વિશ્વકપ ખુબ જ ખરાબ સાબિત થયો છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, ૧૯૯૨ વાળી વાત ફરીથી સામે આવશે અને પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચશે પરંતુ આ વિશ્વકપ માં પાકિસ્તાન દ્વારા અન્ય ટીમોનાં પરિણામ ઉપર જ આધાર રાખી મેચ રમવા પડતા જોવા મળ્યું છે. છેલ્લે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડનાં મેચમાં પણ પાકિસ્તાન ઈચ્છી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડનો પરાજય થાય પરંતુ તે આશા પર પણ પાણી ફરી વળ્યું હતું.

ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની મેચ ૧૧૯ રને જીતી લેતા સેમી ફાઈનલમાં પ્રવેશ કરવાની પાકિસ્તાનની આશા ધૂંધળી બની ગયી છે. આ જીત સાથે ઈંગ્લેન્ડનું સ્થાન તો સેમી ફાઈનલમાં નિશ્ચિત બની ગયું છે. ૧૧ પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા સ્થાન ઉપર આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડની તમામ લીગ મેચ પૂરી થઈ ગઈ છે. જ્યારે પાકિસ્તાનની ટીમના ૯ પોઈન્ટ છે અને તેની બાંગ્લાદેશ સામેની મેચ બાકી છે. હવે પાકિસ્તાન આ મેચ જીતી જશે તો પણ રનરેટ ઉપર નજર કરીએ તો ન્યૂઝીલેન્ટની રન રેટ ૦.૧૭૫ છે જ્યારે પાકિસ્તાનની રન રેટ -૦.૭૯૨ છે. દેખીતી રીતે તો સેમી ફાઈનલમાં પહોંચવું પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ દેખાય છે. કઈ રીતે પાકિસ્તાનની ટીમ સેમી ફાઈનલમાં પહોંચે ? મુશ્કેલ છે પણ ક્રિકેટમાં કંઈ પણ કહેવું અશક્ય છે. કારણ કે ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવાય છે. સૌથી પહેલાં બાંગ્લાદેશની મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતવો ખૂબ જરૂરી છે.

જો પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાન ૪૦૦ રન બનાવે અને બાંગ્લાદેશની ટીમને ૮૪ રનમાં ઓલઆઉટ કરી દે તો શક્ય છે અથવા પાકિસ્તાન ૩૫૦ રનનો સ્કોર કરે અને બાંગ્લાદેશની ટીમને ૩૮ રને ઓલઆઉટ કરી દે તો પાકિસ્તાનની ટીમ સેમી ફાઈલનમાં પ્રવેશ કરી શકે તેમ છે.  એક કન્ડિશન જોઈને તો હસવું આવે તેવું છે કે જો પાકિસ્તાનની ટીમ ૩૦૮ રન કરે અને બાંગ્લાદેશ શૂન્ય રન કરે તો પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચી શકે તેમ છે. આમ જોઈએ તો ૩૧૫થી વધારે માર્જિનથી પાકિસ્તાને બાંગ્લાદેશની ટીમને આઉટ કરવી પડે તો આ શક્ય છે. બીજી તરફ આ વર્ડ કપમાં બાંગ્લેદશનું ફોર્મ જોતા આ શક્ય નથી. કારણે કે આ ટીમે જીતવા માટે ઘણી ટીમના શ્વાસ અધર કરી દીધા હતા. વન ડેમાં મોટા માર્જિનથી જીતવાના આંકડાની વાત કરીએ તો વન ડેમાં પાકિસ્તાન ૨૫૫ રનના માર્જિનથી આયર્લેન્ડ સામે ૧૮ ઓગષ્ટ ૨૦૧૬માં જીત્યું હતું. ૨૪૪ રનના માર્જિનથી જુલાઈ ૨૦૧૮માં ઝીમ્બાબ્વે સામે જીત્યું હતું. સૌથી વધુ માર્જિનથી જીતવાનો રેકોર્ડ ન્યૂઝિલેન્ડની ટીમના નામે છે. તેણે જુલાઈ ૨૦૦૮માં આયર્લેન્ડને ૨૯૦ રનના માર્જિનથી હરાવ્યું હતું. આમ પાકિસ્તાને ક્રિકેટના ઈતિહાસમાં રેકોર્ડ સ્થાપીને આ જીત મેળવવી પડે તેમ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.