Abtak Media Google News

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે પ્રતિ કલાક ડેમની સપાટીમાં ૨ થી ૩ સેન્ટીમીટરનો વધારો

કાલે સપાટી ૧૨૧.૯૨ મીટરે પહોંચે તેવી સંભાવના

૫૮,૧૪૩ કયુસેક પાણીની આવક: વીજ મથકો શરૂ કરાશે

ડેમમાં હાલ ૧૩૭૦.૫૪ એમસીએમ લાઈવ સ્ટોરેજ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદના કારણે છેલ્લા ૧૦ દિવસથી ડેમની સપાટી વધી રહી છે. આજે સવારે સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૦.૯૦ મીટરે પહોંચી જવા પામી છે.

પાણીની ધોધમાર આવક હજી ચાલુ હોય ડેમની સપાટીનો પ્રતિ કલાક ૨ થી ૩ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. આવતીકાલ સુધીમાં ડેમ ૧૨૧.૯૨ મીટર સુધી ભરાઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે. વીજ મથકો પણ શરૂ કરવાની તૈયારી આરંભી દેવામાં આવી છે.

ઓગસ્ટ માસના આરંભે ડેમની સપાટી માત્ર ૧૧૦ મીટર જ રહેતા ગુજરાત પર જળસંકટ ધોળાઈ રહ્યું હતું જોકે છેલ્લા ૧૫ દિવસથી મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. આજે સવારે ડેમની સપાટી ૧૨૦.૯૦ ફુટે પહોંચી જવા પામી હતી અને ડેમમાં ૧૩૭૦.૫૪ એમસીએમ લાઈવ સ્ટોરેજ છે. રાજયને એક વર્ષ ચાલે તેટલું પાણી નર્મદા ડેમમાં સંગ્રહિત થઈ ગયું છે.

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં હાલ પ્રતિ કલાક ૫૮૧૪૩ કયુસેક પાણીની આવક ચાલુ છે. જેની સામે જાવક ખુબ જ ઓછી હોવાના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં ડેમ જુની સપાટી એટલે કે ૧૨૧.૯૨ મીટરે પહોંચી જાય તેવી પ્રબળ સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની જુની સપાટી ૧૨૧.૯૨ મીટર હતી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ડેમ પર દરવાજા મુકવાની છુટ આપવામાં આવતા નર્મદાની સપાટી ૧૩૮.૬૮ મીટર થવા પામી છે.

ગત વર્ષે દરવાજા મુકવાની કામગીરી પૂર્ણ થયા બાદ આ વર્ષે ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવાની મંજુરી પણ આપી દેવામાં આવી છે.

જો નર્મદા ડેમ પોતાની પૂર્ણ ક્ષમતા એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઈ જાય તો ગુજરાતમાં ૩ વર્ષ સુધી પાણી, સિંચાઈ કે વિજળીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય.

વલસાડ, નવસારી, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી2 111દક્ષિણ ગુજરાતમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે રાજયમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય નથી.

આજે વલસાડ, નવસારી, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લામાં જયારે આવતીકાલે વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૪૫ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મામાં ૫૯ મીમી અને દાતામાં ૫૫ મીમી પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.