Abtak Media Google News

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતાં વિદ્યાર્થીઓની આવક મર્યાદા ૬ લાખ કરવાનો સરકારે લીધો નિર્ણય

અનામતને લઈ ઘણા સમાજો અનામતની માંગણી કરી રહ્યાં હતા જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો પાટીદાર સમુદાયે પણ અનામતની માંગણી કરી હતી. જયારે મહારાષ્ટ્રમાં પણ મરાઠા સમુદાયના લોકોએ અનામતની માંગ કરી હતી જે માંગ મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી મરાઠા લોકોને અનામતનો લાભ આપ્યો હતો. સાથો સાથ મરાઠા સમુદાયના યુવાનોને બેરોજગારી હટાવી અને રોજગારી ઉભી કરવામાં પણ આ અનામતનો લાભ આપવામાં આવ્યો હતો જેનો ફાયદો મરાઠા સમુદાયના લોકોને સીધો મળી રહેશે. પરંતુ વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાટીદારોની સાથે સવર્ણ લોકોએ પણ અનામતની માંગણી કરી છે પરંતુ હાલ કોઈ નકકર નિર્ણય અનામતને લઈ આવ્યો નથી કારણ કે, ગુજરાતમાં પાટીદાર સમાજને પણ અનામતનો લાભ આપવામાં આવ્યો નથી જેનું મુખ્ય કારણ ગણવામાં આવે તો એક જૂટતા છે.

ગુજરાતમાં વિવિધ સંપ્રદાય અને વિવિધ જ્ઞાતિઓ અનામતની માંગણી કરી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં એક સ્વરે અને એક જ સમુદાય એટલે કે મરાઠા સમુદાયને અનામતનો લાભ આપવામાં આવ્યો હતો જે ગુજરાતમાં કરવું ખુબજ મુશ્કેલ છે. કારણ કે, ગુજરાતમાં અનેકવિધ સમાજના લોકો રહેતા હોય છે અને તે વ્યક્તિગત રીતે અને વ્યક્તિગત જ્ઞાતિ આધારીત અનામતની માંગણી કરી રહ્યાં છે. જેને અનુલક્ષી ગુજરાતમાં અનામતની જે માંગ ઉભી થઈ છે તે પૂરી થઈ શકે તેમ નથી.

ગુજરાતમાં બિન અનામત વિદ્યાર્થીઓ માટે સરકારે આવક મર્યાદા ૩ લાખથી વધારી ૪.૫ લાખ કરવામાં આવી છે. જેમાં તબીબી ક્ષેત્રે અને અન્ય શિક્ષણ માટે રાજયોમાં પ્રવેશ મેળવનારાઓને પણ આ સરકારના નિર્ણયનો લાભ મળશે. ગુજરાતમાં બિન અનામત કક્ષામાં આવતા જે શિક્ષીત યુવાનો છે તેને સહાય મેળવવાની વાર્ષિક આવકની મર્યાદા પહેલા જે ૩ લાખ હતી તેને વધારી સરકારે ૪.૫ લાખ કરી દીધી છે તથા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે અપાતી લોનની આવક મર્યાદામાં જે પહેલા ૪.૫ લાખ હતા તેને વધારી ૬ લાખ કરવામાં આવી છે.

આમ ૬ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા કોઈપણ યુવક અથવા કોઈપણ યુવતી વિદેશમાં અભ્યાસ માટે નિમ્ન વ્યાજની એટલે કે રૂ.૧૫ લાખની લોન મેળવી શકશે જે સરકારનો ઐતિહાસિક અને આવકારદાયક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે શિક્ષીત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. જેના હેઠળ સહાય મેળવવા વાર્ષિક આવક રૂ.૪.૫ લાખ કરવામાં આવી છે. આ જ રીતે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની નિમ્ન વ્યાજવાળી ૧૫ લાખની લોન આપવાનો પણ નિર્ણય સરકારે લીધો છે.

આ અંગે જાહેરાત કરતા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અંતર્ગત આ યોજનાને અમલમાં મુકવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, રોજગારી, વિદેશ અભ્યાસ માટે લાભો પુરા પાડવામાં આવશે. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે હોંશિયાર વિદ્યાર્થીઓને ટયુશન, કોચીંગ તથા સ્પર્ધાત્મક પરીક્ષા સહાય સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે જેમાં તબીબી તથા ટેકનીકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હોય છે તેમાં ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ તેનો લાભ મળે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હવે રાજય બહાર કોઈપણ રાજયમાં પ્રવેશ મેળવશે તો પણ તે વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે. સાથો સાથ વિદેશ અભ્યાસ માટેની લોન હવે તબીબી અભ્યાસ સહિતના કોઈપણ અનુસ્નાતક અભ્યાસમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.