Abtak Media Google News

સંકલન સમિતિના સભ્યો, શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને પૂર્વ કોર્પોરેટરો સાથે બેઠક યોજશે: કમુહૂર્તા ઉતરતા ઉમેદવારોની પસંદગી માટે લેવાશે સેન્સ

દોઢ દાયકાના લાંબા અંતરાલ બાદ મહાપાલિકામાં સત્તાસુખ હાંસલ કરવા માટે કોંગ્રેસ દ્વારા આ વખતે ખુબજ ગંભીરતાથી અને એકજુટ બની ચૂંટણીલક્ષી તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ત્રણ નિરીક્ષકો આગામી સોમવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, સંકલન સમીતીના સભ્યો અને પૂર્વ કોર્પોરેટરો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજશે. કમુરતા ઉતર્યા બાદ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, મહાપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ અમિબેન યાજ્ઞીક, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર અને પૂર્વ મંત્રી નરેશભાઈ રાવલની નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ત્રણેય નિરીક્ષકો આજે રાજકોટની મુલાકાતે આવવાના હતા પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું અવસાન થતાં પક્ષ દ્વારા આજે તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. દરમિયાન આ ત્રણેય પ્રદેશ નિરીક્ષકો સોમવારે રાજકોટની મુલાકાતે આવશે અને બપોરે ૧ કલાકે નાગર બોર્ડીંગ ખાતે સંકલન સમીતીની બેઠકમાં ભાગ લેશે. તેઓ શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને પૂર્વ કોર્પોરેટરો સાથે પણ ચૂંટણી સંદર્ભે ચર્ચા-વિચારણા કરશે. ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ દ્વારા આવતા સપ્તાહથી સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે મહાપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ ખુબ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ગત વખતે માત્ર ચાર બેઠકો માટે કોંગ્રેસ સત્તાથી વંચિત રહ્યું હતું. ત્યારે આ વખતે તેઓ સત્તા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.