Abtak Media Google News

રાજ્યભરમાં હવાઈ સેવા અને એરપોર્ટને વધુ સુવિધાસભર બનાવવા સરકાર તૈયાર: વિજયભાઈ રૂપાણી

પેરા ગ્લાઇડીંગ, પેરા સેઇલીંગ, પેરેશુટ, રીમોટ ઓપરેટેડ એર ક્રાફટસ, હેલીકોપ્ટર્સ સહિત અનેક ઉપકરણોથી રાજકોટવાસીઓને કરાયા મંત્રમુગ્ધ

૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ૨૦૨૦નો પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવા જઈ રહી છે. તે પૂર્વે એક સપ્તાહથી અનેકવિધ કાર્યક્રમોની રૂપરેખા તંત્ર દ્વારા આપવામાં આવી છે. જેને અનુલક્ષી એર-શોનું એક વિશેષ આયોજન રાજકોટની રંગીલી જનતા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એરો સ્પોર્ટસને પ્રમોટ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજસેલ સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા ન્યુ રેસકોર્સ અટલ સરોવર પાસે એર સ્પોર્ટસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેરા ગ્લાઇડીંગ, પેરા સેઇલીંગ, પેરેશુટ, રીમોટ ઓપરેટેડ એર ક્રાફટસ, હેલીકોપ્ટર્સ અનેકવિધ ઉપકરણો થકી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતું. અને ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ થકી રાજ્યને પ્રગતિશીલ બનાવવાની નેમ લીધી હતી. આ કાર્યક્રમમાં જીનીયસ ગ્રુપ પણ સહભાગી થયું હતું. રાજકોટવાસીઓને હિલોળે ચડાવતાં એરો સ્પોર્ટસ કાર્યક્રમનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ન્યુ રેસકોર્સ ખાતે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગને માણવા આવેલા ઉત્સાહી નગરજનોને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે આયોજીત કરવા પાછળનો સરકારનો આશય એ છે કેરાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં રાજ્યનો સામાન્ય નાગરિક પણ સામેલ થાય. રાજ્યના નાગરિકોમાં દેશભક્તિની ભાવનાનું સંવર્ધન થાય તે માટે રાજય સરકારે આદરેલા પ્રયાસોને મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વના ગણાવ્યા હતા.

20200118161410 Img 7507

મુખ્યમંત્રીએ રાજ્યભરમાં હવાઈ સેવા અને એરપોર્ટને વધુ સુવિધા સભર બનાવવાની પ્રતિબધ્ધતા ઉચ્ચારી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે યાત્રાધામો સહિત રાજ્યભરના મહત્વના શહેરોને હવાઈ સેવાથી સાંકળવામાં આવ્યા છે, જેથી વિકાસશીલ રાજ્ય તરીકે ગુજરાતનો વિકાસ વધુ સુદ્રઢ બને. મુખ્યમંત્રીએ ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ થકી રાજ્યને પ્રગતિશીલ બનાવવાની મહેચ્છા પણ વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્રમાં રહેલી વિકાસની તકો પર પ્રકાશ પાડી રાજ્યના યુવાનોને આ ક્ષેત્રમાં પગરણ માંડવા અનુરોધ કર્યો હતો.

20200118161241 Img 7505

સભાસ્થળે આગમન સમયે મુખ્યમંત્રીને એન.એસ.સીના કેડેડસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ એર શોના આયોજક કેપ્ટન અજય ચૌહાણ, કેપ્ટન ચાંદની, ડી.વી.મહેતાનું સન્માન કર્યું હતું. ગુજસેલના ડાયરેકટર કેપ્ટન અજય ચૌહાણે શાબ્દિક પ્રવચનમાં આજના એરો સ્પોર્ટસ શોની રૂપરેખા આપી હતી.

20200118170814 Mg 7586

ગુજ સેઇલ, સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર રાજકોટ દ્વારા રાજકોટના ન્યુ રેસકોર્ષ-અટલ સરોવરની બાજુમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં એરો સ્પોર્ટસ શો યોજાયો હતો, જેમાં આકાશમાં નાના અને મધ્યમ કદના વિમાનો, રીમોટ ઓપરેટેડ એર ક્રાફટ, ચાર પેરેશુટસ, હેલીકોપ્ટર્સ વગેરેના  વિવિધ અવકાશી કરતબોનું પ્રદર્શન કેપ્ટન ચાંદની મહેતાના કુશળ નેતૃત્વમાં તાલીમબધ્ધ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

20200118173039 Mg 7627

પ્રેક્ષકોનાં રૂંવાડા ઉભા કરી દે તેવા પેરામોટરીંગ, પેરા સેઇલીંગ, ફલેયેબલ એરો મોડલીંગ, હેલીકોપ્ટર, ફલાય પાસ, સ્કાય ડ્રાઇવીંગ, હોટ એર બલુન વગેરે જેવી સાહસિક અવકાશી કરામતોનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.

20200118174525 Mg 7646

આ હેલીકોપ્ટરમાંથી મુખ્યમંત્રી તથા દર્શકો ઉપર પુષ્પવર્ષા થતાં લોકોએ ચીચીયારીથી આ પુષ્પ વર્ષા વધાવી લીધી હતી. ૮૦૦ કિલોના લાઇટ વેઇટ એરક્રાફટે સાહસિક પ્રદર્શન કરી લોકોને રસતરબોળ કરી મુકયા હતા. પાઇલોટ નિતિને  બી-૪૭ હેલીકોપ્ટર ઉડાડી દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.

20200118164326 Mg 7549

આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, અને લાખાભાઈ સાગઠીયા, અગ્રણી કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, અંજલીબેન રૂપાણી, કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, તથા સાહસપ્રેમી શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એરોસ્પોર્ટસ શોની મજા માણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.