Abtak Media Google News

ભાજપના ઉમેદવાર અને વિદેશ મંત્રી એસ.જયશંકર તા જુગલ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રીકાબેન ચુડાસમા તા ગૌરવ પંડયા વચ્ચે ટક્કર:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મંત્રી મંડળના સભ્યોએ કર્યું મતદાન: કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાની સંભાવના: બીટીપીના છોટુ વસાવા અને એનસીપીના કાંધલ જાડેજાએ આપ્યો ભાજપને મત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ તા કેન્દ્રીય કેબીનેટ મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનતા તેઓએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામુ આપતા ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. આ બંને બેઠકો માટે આજે પેટાચુંટણીમાં બપોરે ૪ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત મંત્રીમંડળના તમામ સભ્યો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. બંને બેઠકો માટે સાંજે પરિણામ જાહેર કરી દેવામાં આવશે. બંને બેઠકો માટે અલગ અલગ મતદાન હાથ ધરવામાં આવ્યું હોય ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલ ઠાકોરની જીત નિશ્ચિત મનાઈ રહી છે. કોંગ્રેસના બે ધારાસભ્યએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની સંભાવના જણાઈ રહી છે ત્યારે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારને મત આપ્યા હતા.

મોદી સરકારની બીજી ટર્મમાં વિદેશમંત્રી બનેલા એસ. જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપે બીજા ઉમેદવાર તરીકે જુગલજી ઠાકોરને ટિકિટ આપી છે તો સામાપક્ષે કોંગ્રેસે પણ હાર નિશ્ચિત હોવા છતાં ભાજપને બરોબરની ફાઈટ આપવા માટે બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમાં ચંદ્રીકાબેન ચુડાસમા અને ગૌરવભાઈ પંડયાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પોતાના તમામ ૭૧ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરવા વ્હીપ મોકલ્યું હતું અને ક્રોસ વોટીંગ ન થાય તે માટે પોતાના ધારાસભ્યોને આબુ પ્રવાસે લઈ ગયા હતા. જો કે, આ પ્રવાસમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ગયા ન  હોય, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આ બંને ધારાસભ્યએ ક્રોસ વોટીંગ કર્યું હોવાનું મનાઈ રહ્યું છે.

રાજ્યસભામાં જીતવા માટે એક ઉમેદવારને ૮૮.૫ મતની જરૂર છે જેની સામે ભાજપ પાસે હાલ ૧૦૧ મત છે. આ ઉપરાંત કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ ગઈકાલે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજર રહ્યાં હતા અને તેઓએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો.રાજ્યસભાની બન્ને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાવાનું હોય ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલ ઠાકોરની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આજે બપોરે ૪ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ સાંજે ૬ વાગ્યા સુધીમાં બન્ને બેઠકો માટેનું પરિણામ આવી જશે.

આજે સવારે મતદાન શરૂ થાય તે પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાજ્યસભાના ભાજપના બંને ઉમેદવાર એસ. જયશકંર અને જુગલજી ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.