Abtak Media Google News

ત્રણ વિષયની પરીક્ષા માટે પ્રશ્નપત્રો અને જરૂરી સાહિત્ય બોર્ડ પૂરું પાડશે પરીક્ષકોની નિમણૂક પણ બોર્ડ દ્વારા જ કરાશે

ધોરણ૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા હવે સ્કૂલોને બદલે બોર્ડ દ્વારા લેવામાં આવશે. સરકાર દ્વારા ધોરણ૯થી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ રદ કરતા ધોરણ૧૨ સાયન્સમાં પણ સેમેસ્ટર સિસ્ટમ રદ થઈ હતી. જેથી સાયન્સની પ્રાયોગિક પરીક્ષા જે અગાઉ સ્કૂલો દ્વારા લેવાતી હતી તેના બદલે હવે બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જેથી પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્રો અને સાહિત્ય બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. પરીક્ષા સમયે પરીક્ષકોની નિમણુંકો પણ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે. બોર્ડની પ્રાયોગિક પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન કરેલા પ્રાયોગિક કાર્યની જર્નલ કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ધોરણ૯થી ૧૨માં સરકાર દ્વારા સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવી ત્યારે ધોરણ૧૧ અને ધોરણ૧૨ સાયન્સમાં ચાર સેમેસ્ટરના આધારે વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાતું હતું. આ ચારેય સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવતી હતી.

પરંતુ બોર્ડ પાસે પરીક્ષાનું ભારણ વધારે હોવાથી સાયન્સના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા લેવાની જવબદારી જે તે સ્કૂલોને સોંપવામાં આવી હતી. જેથી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ તેના ગુણ બોર્ડને મોકલી આપતી હતી.

દરમિયાન સરકારે સેમેસ્ટર સિસ્ટમ રદ કરતા સાયન્સમાં પણ સેમેસ્ટર સિસ્ટમ રદ થઈ છે. જેથી હવે ધોરણ૧૨ સાયન્સની વાર્ષિક પરીક્ષા જ બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે. આ સ્થિતિમાં બોર્ડે ધોરણ૧૨ સાયન્સના પ્રાયોગિક વિષયોની પરીક્ષા પણ લેવાનો નિર્ણય લીધો છે. જેથી આગામી માર્ચ૨૦૧૮ની ધોરણ૧૨ સાયન્સની પ્રાયોગિક વિષયની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. બોર્ડ દ્વારા કેમેસ્ટ્રી, ફિઝીક્સ અને બાયોલોજી વિષયની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. જેના પ્રશ્નપત્રો અને જરૂરી સાહિત્ય બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષાના ત્રણ વિષયના પરીક્ષકોની નિમણુંક પણ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે.

બોર્ડ દ્વારા લેવામાં આવનારી સાયન્સની પ્રાયોગિક પરીક્ષા જિલ્લાના નિયત થયેલા કેન્દ્રોના પરીક્ષા સ્થળે જ લેવામાં આવશે. ધોરણ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ પોતે વર્ષ દરમિયાન કરેલા પ્રાયોગિક કાર્યની જર્નલ બોર્ડ દ્વારા લેવામાં આવનારી પરીક્ષા સમયે જે તે કેન્દ્ર ખાતે રજૂ કરવાની રહેશે. બોર્ડ દ્વારા સાયન્સની પ્રાયોગિક પરીક્ષા નક્કી કરવામાં આવેલી તારીખ, સમય અને જે તે બેચમાં જ લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ થયા બાદ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.