Abtak Media Google News

નોટબંધીએ રંગ લાવ્યો

દર કલાકે બે લાખ આવકવેરા રિટર્ન ભરાતા હોવાના આંકડા

ઈન્કમ ટેકસ કલેકશનમાં પણ તોતિંગ ઉછાળો

નોટબંધી બાદ અર્થતંત્રમાં તરલતા વધી

નોટબંધીના કારણે રિટર્ન ભરવાના પ્રમાણમાં ૬૦ ટકાનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો છે. રિટર્ન ભરનારાઓની સંખ્યા ૫ કરોડને પારે થઈ ચુકી છે તેવું આરબીઆઈના ડેટાથી ફલિત થઈ રહ્યું છે. આગામી વર્ષોમાં આ આંકડો બે ગણો થઈ જાય તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

મોદી સરકારે રાતોરાત કરેલી નોટબંધી ઉપર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠયા હતા. નોટબંધીથી કોઈપણ ફાયદો થયો ન હોવાનો આક્ષેપ પણ થયો હતો.

વિરોધ પક્ષોએ મોદી સરકાર પર તડાપડી બોલાવી હતી ત્યારે આરબીઆઈએ જાહેર કર્યું છે કે ગત વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં ઈન્કમ ટેકસ રિટર્ન ભરનારાઓની સંખ્યામાં ૬૦ ટકાનો તોતીંગ વધારો થયો છે. આંકડા અનુસાર વર્ષ ૨૦૧૭ના ૨૯ ઓગસ્ટ સુધીમાં આવકવેરા રિટર્ન ભરનારાઓની સંખ્યા ૩.૧ કરોડ હતી જે વર્ષ ૨૦૧૮ની ૩૦ ઓગસ્ટ સુધીમાં ૫ કરોડે પહોંચી ગઈ છે. આજે પણ વધુ ૨૦ લાખ રિટર્ન ભરાય તેવી આશા વ્યકત કરવામાં આવી છે.

બીજી તરફ નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે નોટબંધીના કારણે ટેકસ કલેકશનની આવકમાં પણ ઐતિહાસિક વધારો નોંધાયો છે. તેમણે કાળુનાણુ ફરીથી અર્થતંત્રમાં પ્રવેશી ચુકયુ હોવાના આક્ષેપનું ખંડન કર્યું છે. નોટબંધી બાદ અર્થતંત્રમાં તરલતા વધી હોવાનું તેમણે કહ્યું છે. નોટબંધીના પ્રથમ બે કવાર્ટર બાદ અર્થતંત્રની ગાડીએ તેજ ગતિ પકડી હોવાનું પણ તેમણે ઉમેર્યું છે.

નોટબંધી પહેલા ઈન્કમટેકસ કલેકશનનું પ્રમાણ ૬.૬ થી ૯ ટકા વચ્ચે હતું જોકે નોટબંધી બાદ આ પ્રમાણ વધીને ૧૫ થી ૧૮ ટકા પહોંચી હોવાનું પણ જેટલીનું કહેવું છે.

વર્ષ ૨૦૧૪માં ૩.૮ કરોડ આઈટી રિટર્ન ભરાયા હતા જયારે વર્ષ ૨૦૧૭-૧૮માં આ આંકડો વધીને ૬.૮૬ ટકાએ પહોંચી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે આ સંખ્યા ૬૦ ટકાના ઉછાળા સાથે ૫ કરોડને પાર થઈ જશે. દર કલાકે ૨ લાખ આઈટી રિટર્ન ભરાતા હોવાનું પણ સરકારનું કહેવું છે.

ગત વર્ષે ઈન્કમ ટેકસ રિટર્ન ભરવાનું પ્રમાણ વધી ગયું હતું. જયારે ચાલુ વર્ષે તો સરકારે રિટર્ન ભરવાની ડેડલાઈનમાં એક મહિનાનો વધારો કરતા આ પ્રમાણ ઐતિહાસિક સ્થળે પહોંચી ગયું છે. નોટબંધીના કારણે આ પ્રમાણ વઘ્યું હોવાનું માનવામાં આવે છે. આગામી વર્ષોમાં નોટબંધીના કારણે આવકવેરાની સંખ્યા હજુ વધે તેવી ધારણા છે. બીજી તરફ આવક વેરા રિટર્ન ભરનારાઓની સંખ્યાની સાથોસાથ આવક વેરાના કલેકશનમાં પણ વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.