Abtak Media Google News

વિવાદિત ૪.૮ લાખ કેસોની સામે ૯.૩૨ લાખ કરોડ રૂપિયા એકત્રિત થવાની આશા

દેશના અર્થતંત્રની હાલત જે રીતે જોવા મળી રહી છે તેને બેઠી કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્ન હાથ ધરવામાં આવે છે ત્યારે સરકારનું એ પણ માનવું છે કે, દેશને મુખ્યત્વે જે આવક થનારી હોય તે કર મારફતે જ મળી શકશે જેથી જીએસટી અને આવકવેરા વિભાગના જે પડતર કેસો છે તેનો નિકાલ કરી જે આવક મળવાપાત્ર છે તેને મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે જેથી દેશની જે આર્થિક સ્થિતિ છે તેમાં ઘણાખરા અંશે સુધારો થઈ શકે અને બજારમાં જે તરલતાનો અભાવ જોવા મળે છે તે પણ ન રહે અને રૂપિયો બજારમાં ફરતો થઈ શકે. આ તકે યુનિયન મિનિસ્ટર અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિવાદ સે વિશ્ર્વાસ યોજના થકી ૯૦ ટકા ઈન્કમટેકસનાં વિવાદિત કેસો છે તેનો નિકાલ કરવામાં આવશે અને તેમાંથી ઉદભવિત થયેલી રકમ સરકાર વિકાસ કામો માટે વાપરી શકશે.

વર્ષ ૨૦૨૦-૨૧ માટે જે બજેટ રજુ કરવામાં આવ્યું હતું તેમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આવકવેરા વિભાગ અને જીએસટીને પ્રાધાન્ય આપી બંને ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેકસીસમાં પડતર પડેલા કેસોનો નિકાલ કરવા માટે યોજના બનાવવામાં આવી છે જેમાં ડાયરેકટ ટેકસ એટલે કે ઈન્કમટેકસમાં ફસાયેલા ૯૦ ટકા જેટલા વિવાદિત કેસોનો ત્વરીત નિકાલ કરી અંદાજે ૯.૩૨ લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જે અંગે સીબીડીટીને તાકિદ પણ કરવામાં આવી છે અને ટાર્ગેટને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. વિવાદ સે વિશ્ર્વાસ યોજનામાં હાલ દેશમાં ૪.૮ લાખ પડતર કેસો પડેલા છે જેમાંથી ૯.૩૨ લાખ કરોડ રૂપિયા આવક મળવાપાત્ર છે.

Admin

આ તકે અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આ યોજના થકી અંદાજે ૯૦ ટકા ઈન્કમ ટેકસના પડતર કેસોનો નિકાલ યથાયોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવશે. આ તકે તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, જે કરદાતા તેમનો કર નિયમિત ભરે છે તેમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે અને જે કર ચોરી કરનાર કરદાતાઓ છે તેમના ઉપર આકરી કાર્યવાહી પણ કરાશે. અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ સરકાર હાલ ઉધોગપતિઓ પર ઘણો ખરો વિશ્ર્વાસ કરે છે ત્યારે પહેલાના સમયમાં અંદાજે બે માસ જેટલો સમય કંપની રજીસ્ટ્રેશનમાં લાગી જતો હતો તે હવે માત્ર ૨૪ કલાકમાં જ થઈ શકે છે પરંતુ જુજ એવા લોકો છે કે જે ટેકસ રીફંડ અથવા તો ઈનપુટ ટેકસ ક્રેડીટ મુદ્દે ચોરી પણ કરે છે અને સરકારને આર્થિક નુકસાની પણ પહોંચાડે છે.

૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચવા માટે ઈન્કમટેકસ અને જીએસટી કારગત નિવડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચાડવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેના માટે ઈન્ફ્રાસ્ટ્રકચર સાથો સાથ દેશની આવક કેવી રીતે વધારી શકાય તે દિશામાં અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે દેશના વિકાસમાં અને દેશને આર્થિક સ્થિર કરવા માટે ડાયરેકટ ટેકસ અને ઈનડાયરેકટ ટેકસ મહત્વપૂર્ણ બની રહેશે. યુનિયન મિનિસ્ટર અનુરાગ ઠાકુરે જણાવતા કહ્યું હતું કે, સબ કા વિશ્ર્વાસ યોજના હેઠળ જીએસટીના પડતર પડેલા ૯૫ ટકા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા બે માસમાં સરકારને ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. મધ્યપ્રદેશ અને છતિસગઢમાં ઈન્કમટેકસને લગતા ૪૧,૦૦૦ કેસો અપીલમાં પડતર પડેલા છે જેમાંથી સરકારને ખુબ જ મોટી આવક થશે તે પણ સ્પષ્ટ છે. તેઓએ જણાવ્યું હતું કે, બજેટમાં જે ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ માટેની યોજનાઓ તથા દેશમાં તરલતાનો વ્યાપ વધુને વધુ કેવી રીતે કરી શકાય તે દિશામાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અત્યંત મદદરૂપ નિવડશે ત્યારે દેશમાં જે ૪.૮ લાખ ઈન્કમ ટેકસનાં પડતર કેસો છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.