Abtak Media Google News

સ્થળ પર થયેલી ઉગ્ર બોલાચાલીમાં એક વ્યક્તિની તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાયા

અંજારના માલાશેરીમાં આવેલી પંચરત્ન બિલ્ડીંગને તંત્ર દ્વારા આખરે ભૂકંપના ૧૯ વર્ષ બાદ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાડુઆતોના ઉગ્ર વિરોધ વચ્ચે આજે બિલ્ડીંગ તોડવા માટેના કામનું ગણેશ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો નારાજ થયા હતા તો બીજી તરફ ૧૯ વર્ષથી પોતાનો હક્ક માંગી રહેલી ટ્રસ્ટના લોકો તંત્રની કામગીરીથી ખુશ પણ થયા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૧૯૯૨માં શહેરના માલાશેરી વિસ્તારમાં બનેલ પંચરત્ન બિલ્ડીંગમાં ૩૨ દુકાનો અને ૯ ફ્લેટ છે. જે વર્ષ ૨૦૦૧માં આવેલા ગોઝારા ભૂકંપના કારણે સમગ્ર બિલ્ડીંગ જર્જરિત બની ગઈ હતી અને ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોવાથી આ બિલ્ડીંગનું ડીમોલેશન કરવા માટેની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ બિલ્ડીંગના ભાડુઆતો દ્વારા કોર્ટનો સહારો લેવામાં આવ્યો હોવાથી બિલ્ડીંગનું ડીમોલેશન અટકી ગયું હતું. પરંતુ હાઇકોર્ટ સુધી લડ્યા બાદ તે કેસ કાઢી નાખવામાં આવતા ફરી તંત્ર દ્વારા બિલ્ડીંગ તોડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

આડા-નગરપાલિકા દ્વારા બિલ્ડીંગ ખાલી કરવા અપાઈ હતી અંતિમ નોટિસ તે બિલ્ડીંગ તોડવા અંગે અંજાર નગરપાલિકા અને અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા છેલ્લે જૂન મહિનામાં બિલ્ડીંગ ખાલી કરવા અંતિમ નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત વખતો વખત બિલ્ડીંગ ખાલી કરવા નોટીસો આપવામાં આવી છે, તેમ છતાં સ્થાનિકો તંત્રને સહકાર આપતા ન હોઈ આજે બિલ્ડીંગ તોડવાની તજવીજ કરાઈ છે.

જોખમકારક બિલ્ડીંગ તોડવી અતિ અનિવાર્ય:  રૈયાણી (આડા એન્જીનીયર) પંચરત્ન બિલ્ડીંગ તોડવા મુદ્દે આડાના એન્જીનીયર  રૈયાણી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, આ બિલ્ડીંગ ખુબ જર્જરીત છે. જો વાવાઝોડા કે ભૂકંપની સ્થિતિ ઉત્પન્ન થાય તો અહીંના રહીશો માટે આ ઈમારત મોટું જોખમ સર્જી શકે તેમ છે. તંત્ર લોકોની સલામતી ઈચ્છે છે, જેથી આ બિલ્ડીંગ તોડવા માટે વખતો વખત નોટીસો આપવામાં આવી છે.

છેલ્લા એક વર્ષથી આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે. પ્રાંત અધિકારી દ્વારા મિટીંગો યોજવામાં આવી હતી અને સ્થાનિકોને સમજાવટ પણ કરાઈ છે, તેમ છતા તેઓ લોકોની સલામતી માટે તંત્રને સહકાર આપતા નથી. બિલ્ડીંગ અંદરથી ખુબ જર્જરીત બની ચુકી છે.

લોકોની સલામતી અને સુરક્ષા માટે આ જોખમકારક બિલ્ડીંગ તોડવી અનિવાર્ય હોવાનું ઉમેર્યું હતું. બિલ્ડીંગ તોડવાના વિવાદમાં આજે અંજારમાં મામલો ગરમાયો છે તેવામાં સ્થળ પર ઉગ્ર બોલાચાલી થતા એક વ્યક્તિની તબિયત લથડી હોવાની વાત સામેે આવી છે, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.