Abtak Media Google News

એક ઈનીંગ્સનાં માર્જીનથી સતત ૪ ટેસ્ટ મેચ જીતનાર ભારત પ્રથમ દેશ

કોલકતા ખાતે રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને એક ઈનિંગ્સ અને ૪૬ રને માત આપી સતત ૧૨મી સીરીઝ ઘર આંગણે જીતી છે. ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ તથા પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે ઈશાંત શર્માને ઘોષિત કરવામાં આવ્યો હતો. પીંક બોલ ટેસ્ટ બાંગ્લાદેશ માટે એક બોમ્બ સમાન સાબિત થયું હતું કે જેઓ બોલની સ્વીંગને સહેજ પણ સમજી શકયા ન હતા ત્યારે કોલકતા ખાતેનાં ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતે અનેકવિધ રેકોર્ડો પણ સ્થાપિત કર્યા છે જેમાં એક રેકોર્ડ એ પણ છે કે એક ઈનીંગ્સનાં માર્જીનથી સતત ચાર ટેસ્ટ મેચ જીતનાર ભારત વિશ્ર્વનો પ્રથમ દેશ બન્યો છે. પિંક બોલથી રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ઈનિંગ્સ અને ૪૬ રને હરાવીને ત્રીજા દિવસે આ ઐતિહાસિક મેચ પોતાના નામે કરી લીધી. ભારતે બાંગ્લાદેશને બે ટેસ્ટની સીરિઝ ૨-૦થી પોતાના નામે કરી અને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. ઉમેશ યાદવે આ મેચની બીજી ઈનિંગ્સમાં ૫૩ રન આપીને ૫ વિકેટ લીધી, જ્યારે પહેલી ઈનિંગ્સમાં ૫ વિકેટ લેનાર ઈશાંત શર્માએ આ ઈનિંગ્સમાં ૪ વિકેટ લીધી. આ ટેસ્ટ મેચની ખાસિયત રહી કે ભારતના સ્પિન બોલર્સે મેચની ૨૦માંથી એકપણ વિકેટ નથી લીધી.

7537D2F3 1

ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ૧૦૬ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૯ વિકેટે ૩૪૭ રન બનાવીને પહેલી ઈનિંગ્સ ડિક્લેર કરી. પહેલી ઈનિંગ્સના આધારે ભારતને ૨૪૧ રનની લીડ મળી હતી. બીજી ઈનિંગ્સમાં બાંગ્લાદેશની ટીમ ૧૯૫ રને ઓલઆઉટ થઈ ગઈ. આમે ભારતે પોતાની પહેલી જ ડે-નાઈટ ટેસ્ટ જીતી લીધી છે. ભારતે આ જીત સાથે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ટીમ ઈન્ડિયાની સતત ૪થી ટેસ્ટ જીત છે. જેને તેણે ઈનિંગ્સ અને રનના અંતરથી મેળવી છે. આ પહેલા દુનિયામાં કોઈ ટીમ આવું કરી શકી નથી. ભારતે બાંગ્લાદેશને બંને ટેસ્ટમાં ઈનિંગ્સ અને રનોના અંતરથી હરાવ્યું. આ પહેલા ભારત આવેલી સાઉથ આફ્રિકન ટીમને પણ રાંચી અને પુણે ટેસ્ટમાં ઈનિંગ્સ અને રનોના અંતરથી હરાવી હતી.બાંગ્લાદેશ માટે આ ટેસ્ટ મેચમાં સીનિયર બેટ્સમેન મુશ્ફિકુર રહિમને છોડીને અન્ય કોઈ બેટ્સમેન ૫૦ રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. રહિમે મેચની બીજી ઈનિંગ્સમાં ૭૪ રનની ઈનિંગ્સ રમી હતી. પરંતુ તેને સામેના છેડેથી કોઈ સાથ ન મળ્યો. આ પહેલા મેચના બીજા દિવસે વિરાટ કોહલીએ ટેસ્ટ કરિયરની ૨૭મી સદી ફટકારી હતી. વિરાટે મેચમાં ૧૯૪ બોલમાં ૧૩૬ રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ પણ ૫૫ અને ૫૧ રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય ટીમ ૭૦ તથા ૮૦નાં દાયકામાં પણ વિજેતા થતી હતી: ગાવસ્કર

ઈડન ગાર્ડન ખાતે રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ જીતતાની સાથે જ ભારતે જયારે શ્રેણી વિજય કર્યો છે ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલીએ બીસીસીઆઈનાં પ્રેસીડેન્ટ અને ભૂતપૂર્વ ભારતીય ટીમનાં સુકાની સૌરવ ગાંગુલીનાં વખાણ કરતા જણાવ્યું હતું કે, ભારતીય ટીમ ૨૦૦૦ની સાલ પછી ટીમમાં ઘણો ખરો સુધારો અને વિશ્ર્વાસ જોવા મળી રહ્યો છે. આ તકે સુનિલ ગાવસ્કરે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં જણાવ્યું હતું કે, હાલ ગાંગુલી બીસીસીઆઈનાં પ્રેસીડેન્ડ હોવાનાં કારણે વિરાટ કોહલીએ તેમનાં વખાણ કરવા પડતા હોય છે પરંતુ હકિકત એ પણ છે કે ભારતીય ટીમે ૧૯૭૦ તથા ૧૯૮૦નાં દાયકામાં વિદેશની ધરતી પર જઈ ભારતીય ટીમને જીતાડી હતી ત્યારે લોકોનું માનવું છે કે, ૨૦૦૦ની સાલમાં જ ક્રિકેટ જાણે શરૂ થયું હોય. આ તકે સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, ૧૯૮૬માં પણ ભારતીય ટીમ વિજય થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.