Abtak Media Google News

ઇન્શ્યોરન્સ કંપનીઓને ચૂકવવી પડતી મોટી વળતરની રકમના કારણે થતી ખોટને નિવારવા માર્ગ અકસ્માતમાં મૃત્યુ બદલ પાંચ લાખ રૂપિયાનું, જ્યારે ગંભીર ઇજામાં રૂપિયા અઢી લાખનું વળતર નિશ્ચિત કરતી સરકાર

કેન્દ્રની મોદી સરકારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા નાગરિકોની કિંમત રૂા.પાંચ લાખ રૂા. આંકીને આટલા વળતરની રકમ ફિકસ કરી દીધી છે. આપણા દેશમાં માનવકીડની ૪૦ લાખ રૂા.માં વેચાય છે. જે જગ જાહેર છે. અને એક કીડની આપી દેવા છતા લોકો બીજી કીડનીના આધારે જીવંત રહે છે. ત્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુમાં માત્ર પાંચ લાખ રૂા. જેવું વળતર નિશ્ચિત કરીને મોદી સરકારે માર્ગ અકસ્માતોમાં ઈન્શ્યોરન્સ કંપનીઓને ચૂકવવી પડતી મોટી વળતરની રકમોનાં કારણે થતી નુકશાનીમાંથી તેમને બચાવવા પ્રયાસ કર્યાનો આક્ષેપ થવાની સ્થિતિ ઉભી થઈ છે. ગઈકાલે મોદી સરકારે સંસદમાં રજૂ કરેલ મોટર વ્હીકલ એકટમાં ફેરફાર અંગેના બિલમાં આ જોગવાઈ કરવામાં આવી છે.

ગઈકાલે સંસદમાં કેન્દ્રીય માર્ગ મંત્રી નિતિન ગડકરીએ મોટર વ્હીકલ એકટમાં સુધારા બિલને રજૂ કર્યું હતુ આ એકટમાં કરવામાં આવેલા સુધારા મુજબ મોટર વાહન અકસ્માત કેસમાં મૃત્યુ પામનારાઓને પાંચ લાખ રૂા.નું જયારે, ગંભીર ઈજાઓ પામનરાઓને અઢી લાખ રૂા.નું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. મોટર વાહનોને લગતા વિવિધ કાયદાઓને કડક બનાવીને દંડ અને સજાની જોગવાઈ કરતા આ બિલમાં રોડ અકસ્માતમાં માનવ મૃત્યુના વળતરની મામુલી રકમ નિશ્ચિત કરાતા કેટલાક સભ્યોએ તેની સામે ચિંતા વ્યકત કરી હતી આ અંગે નિતિન ગડકરીએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર રાજયોનાં અધિકારોને દૂર કરવા માંગતી નથી. સંસદને વધુ કડક કાયદો બનાવીને માનવ જીવનને બચાવવા માંગે છે.

આ બિલ અગાઉ લોકસભામાં પસાર થઈ ચૂકયું હતુ પરંતુ રાજયસભામાં બહુમતીના અભાવે પસાર થઈ ન શકતા મોદી સરકારે ગઈકાલે ફરી વખત રજૂ કર્યું હતુ જેમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ બદલ વાહન માલીક અથવા વિમાદાતાને પાંચ લાખ રૂા.નું જયારે ગંભીર નુકશાનના કિસ્સાઓમાં અઢી લાખ રૂાનું વળતર નિશ્ચિત કરાયું છે. ઉપરાંત આ બિલમાં વિવિધ નિયમોના ઉલ્લંઘન માટે દંડ વધારવા ઓનલાઈન લર્નીંગ લાયસન્સ ભોગ બનેલા લોકો અને તેના પરિવારજનોને વિમાના કલેઈમના નિયમો સરળ બનાવવા સહિતનીવિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ માટેના હેવી લાયસન્સોની સમયમર્યાદા ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવાનો નિર્ણય પણ કરાયો છે.

વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ લાયસન્સ આપવાનો તથા એકસપાયર થઈ ગયેલા ડ્રાઈવીંગ લાયસન્સોને રીન્યુ કરવા માટે હાલમાં અપાતા એકમાસના સમયને વધારીને એક વર્ષ કરવાની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે. કેટલાક સભ્યો દ્વારા કરવામાં ચિંતાઓનો જવાબ આપતા ગડકરીએ સંસદમાં જણાવ્યું હતુ કે તેઓ આ તમામ મુદાઓની ચર્ચા કરવા તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ કે અગાઉના પરિવર્તન દરમ્યાન રાજયના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરો સાથે ચર્ચાઓ અને ભલામણો પછી જ આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાયદાઓમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓનો અમલ કરવા રાજય સરકાર બંધકર્તા નથી.

ગડકરીએ વધુમાં જણાવ્યું હતુ કે દેશમાં લગભગ ૩૦ ટકા ડ્રાઈવીંગ લાયસન્સો બોગસ છે. દર વર્ષે રોડ અકસ્માતોમાં ૧.૫ લાખ લોકો માર્યા જાય છે. અને પાંચ લાખ લોકો ઘાયલ થાય છે. આ વિકટ પરિસ્થિતિ છતા મારો વિભાગને આ બિલ સંસદમાં પસાર કરવા માટે પાંચ વર્ષ કરતા વધુનો સમય લાગી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ૩ થી ૪ ટકાનો ઘટાડો થયો છે. જયારે આ સમયગાળામાં તમિલનાડુમાં માર્ગ અકસ્માતમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે. આ બિલનો તૃણમુલના સાસંદ સુગાના રોયે વિરોધ કરતા જણાવ્યું હતુ કે આબિલની જોગવાઈઓ રાજય સરકારોને સતાઓને દૂર કરશે અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરશે જયારે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પણ આ બિલની થોડીક જોગવાઈઓનો વિરોધ દર્શાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.