Abtak Media Google News

પુલવામા આતંકી હુમલાની ઘટનાથી સમગ્ર દેશમાં દુ:ખ,  ઉદાસી,ગમગીની, આક્રોશ,આંસુ અને આક્રંદનો માહોલ હતો. પ્રજા સતત યુદ્ધની, બદલાની માંગણી કરી રહી હતી. જનતાનો સરકાર પર અવિશ્વાસ વધી રહ્યો હતો. યુદ્ધ કરવું કે બદલો લેવો એ  જેટલું વિચારવું સહેલું છે એટલું સહેલું અમલી કરવાનું નથી એ પણ પ્રજા સમજે છે પરંતુ રોષ અને આક્રોશે આટલું વિચારવાની શક્તિ પણ હણી લીધી હતી પરંતુ આજે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.

એક તરફ સરહદ પરનાં જવાનો એ વીરતા બતાવી , તિરંગાની આન, બાન અને શાન જાળવી તો બીજી તરફ મળતા સમાચાર મુજબ વાયુસેનાના વીર જવાનોએ પણ જીવની પરવા કર્યા વગર બહાદુરી અને કુનેહપૂર્વક ગજઅ અજિત ડોભાલની આગેવાનીમાં સર્જીકલ સ્ટ્રાઈક-૨ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાનમાં ભયનો માહોલ સર્જી દીધાના સમાચારે દેશમાં જોમ, જુસ્સો અને આનંદનો માહોલ સર્જાયો છે.

દેશની વાયુસેનાએ POK માં સતત ૨૧ મિનિટ સુધી અંદાજે ૧ હજાર કિલો  બોંબવર્ષા કરી આશરે ૩૦૦ આતંકીઓને ઠાર કર્યા. મળતા સમાચાર મુજબ ભારતીય વાયુસેનાએ વહેલી સવારે ૩.૩૦ કલાકે POK માં ઘુસી જઈ આતંકીઓના ઠેકાણાંને  ભસ્મીભૂત કરવા સાથે બાલાકોટ, ચકોટી,અને મુઝફરાબાદ પર બોંબમારો કરી આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો.

સત્તાધીશોની સૂઝબૂઝ અને કુનેહ તથા વાયુસેનાના જવાનોની વિરતાના લીધે આપણાં એક એક શહીદ જવાન સાટે આતંકીઓના સાત-સાત માથા ઉડાડવાનું  મિશન કામિયાબ થયું છે. સરકાર જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે . સરકાર એ સમાજે એના હિત અને રક્ષા-સુરક્ષા માટે નિમેલા એમના જ પ્રતિનિધિઓ છે પરંતુ જ્યારે પ્રજાની અને ખાસ કરીને  સુરક્ષાકર્મીઓની સુરક્ષા જોખમાય છે ત્યારે જનતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યા વગર નથી રહી શકતી.

આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે. સંયમ અને સહનશીલતા એ સ્વભાવ નથી, સંસ્કાર છે જે ભારતીયોને ભારતીય હોવા સાથે જ મળે છે. ’એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવો’ એ ખરેખર તો સંયમ અને સહનશીલતાનું ઉદાહરણ છે પરંતુ દેશમાં રહીને વિદેશી આતંકીઓને પાળતા અને પંપાળતા દેશદ્રોહીઓ અને વિદેશી આતંકીઓ સામે સંયમ અને સહનશીલતાનો ગુણ કાયરતા સાબિત થાય ત્યારે આપણી શક્તિ બતાવવી અનિવાર્ય છે.

વારંવાર ઘા કરી લેતું નાપાક ઇરાદાઓ ધરાવતું પાકિસ્તાન ભારતીય સુરક્ષકર્મીઓના એક ઘા થી હચમચી જાય એ વાત સર્જીકલ સ્ટ્રાઈક બાદના આ બીજા ઓપરેશન દ્વારા સ્પષ્ટ થાય છે. પાણી જ્યારે માથા પર જાય ત્યારે જીવ બચાવવા માટે કઈ પણ કરી છૂટવું એ જ સમજદારી છે. દેશના ૪૨ જવાનો, એમના પરિવારો અને પ્રજાની હાય થી પાકિસ્તાની આતંકીઓનું ભાવિ નક્કી જ હતું.

ધર્મ એકતા શીખવે છે પછી એ મંદિર હોય કે મસ્જિદ, ભગવતગીતા હોય કે કુરાન. ધર્મના નામે બળવાખોરી, આક્રમકતા  અને આતંકવાદ ને પાળી-પોષીને ઉછેરનાર ધર્મના દલાલોના ગાલ પર આ આતંકીઓનો સફાયો એ જડબાતોડ લપડાક છે.

સમગ્ર દેશે આજે રાહતનો શ્વાસ લીધો છે. દેશના પ્રશ્નો એ જેટલા જનતાના છે એટલા જ સરકારના છે. સત્તા પર રહીને દેશની-પ્રજાની સુરક્ષાની તરફેણમાં  કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બીજા કેટલા પાસાનો વિચાર કરવાનો થાય એ માત્ર સત્તાધીશોને જ સમજાતું હોય છે.  નવા નવા પ્રશ્નો દ્વારા, જ્ઞાતિવાદ કે જાતિવાદ દ્વારા તેમજ આંદોલનો દ્વારા અંદર અંદર કે સરકાર સામે લડત ચલાવવાના બદલે સરકારની સાથે રહી દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપી દેશ પર  બુરી નજર કરનારને કચકચતો તમાચો મારી મ્હાત કરવામાં આવશે તો શક્ય છે કે આગળ જતાં દેશ ફરી એકવાર ’સોનેકી ચીડિયા’ બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.