Abtak Media Google News

અંતરીક્ષમાં માનવી મોકલવાનું ભારતનું પ્રથમ મિશન ગગનયાન ઓગસ્ટ, ૨૦૨૨માં લોન્ચ થવાનું હતું

અવકાશ ક્ષેત્રને કોરોનાની પ્રતિકૂળ અસર

કોરોના મહામારીની તમામ ક્ષેત્રો પર ભારે અસર પડી છે તેમાંથી ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન-ઈસરો પણ બાકાત રહ્યું નથી. તાજેતરમાં ઈસરોના ચેરમેન કે.સિવાને જણાવ્યું છે કે ભારતના માનવ અંતરિક્ષ મિશન ગગનયાનના લોન્ચિંગમાં વિલંબ થશે તેની પાછળનું કારણ કોવિડ-૧૯ની મહામારી છે. ગગનયાન જે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં લોન્ચ કરવાનું લક્ષ્ય હતું પરંતુ કોરોનાના કારણે સમગ્ર પઘ્ધતિ વેરવિખેર થતા તેમાં હવે મોડુ થશે.

ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસ-૨૦૨૦ના પ્લેનરી સેશનમાં પ્રશ્ર્નોના જવાબ આપતા કે.સિવાને કહ્યું કે, ગગનયાન મિશન માટેની રોકેટને લોન્ચ કરવા તરફ ઈસરો નવેમ્બર માસથી પ્રક્રિયા ફરી શરૂ કરી દેશે. ઈસરોની એક બીજી પાંખ તરીકે જાણીતા વિક્રમ સારાભાઈ સ્પેશ સેન્ટરના નિર્દેશક એસ.સોમનાથને જણાવ્યું છે કે, ગગનયાનની માનવ અંતરીક્ષ ઉડાન રોકેટમાં સુરક્ષાને ધ્યાને લઈ મહત્વની પ્રણાલીઓના ચાર બેકઅપ હશે. ગગનયાન માટે જીએસએલવી (જીયોસિન્ક્રોનાઉસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ)નો ઉપયોગ થશે. વિશેષ કાર્યો માટે ઘણા સેન્સરનો ઉપયોગ કરાશે.

ઉલ્લેખનીય છે કે, ઈસરોએ ત્રણ અંતરીક્ષ યાત્રીઓને એક અઠવાડિયા માટે અવકાશમાં મોકલવા પર મોટુ મિશન હાથ ધર્યું છે. અવકાશમાં માનવીઓને  મોકલવાનું ભારતનું આ પ્રથમ મિશન છે જેને ગગનયાન નામ આપવામાં આવ્યું છે. ગત ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં આ મિશનનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં જયારે ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાનો જશ્ન મનાવી રહ્યો હશે ત્યારે ભારતના અવકાશયાત્રીઓ ગગનયાન મિશન અંતર્ગત અંતરિક્ષમાં ઉડાન ભરી રહ્યા હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.