Abtak Media Google News

ધો.૧૨ના વર્ગોની મંજૂરીને લઈ પરીક્ષા સમિતી વિદ્યાર્થીઓના હિત માટે સરકારને મળી ચર્ચા-વિચારણા કરશે

૨૦ હજાર વિદ્યાર્થીઓના ભાવીને લઇ પરિક્ષા સમિતી ચિંતીત: પરિક્ષા સમિતી સરકાર સાથે વ્યવહારિક અને સુવિચારિક રસ્તો કાઢવા કોન્ફીડન્ટ

સરકાર દ્વારા વિવિધ શાળાઓમાં વર્ગ શક્તિનાં વધારાને સરકારે મંજૂરી ન આપી હોવાથી આગામી વર્ષે બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ના ૨૦ હજાર જેટલા વિદ્યાર્થીઓનું ભાવી અધરતાલ શે. આવી શાળાઓમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોની ૧૫૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓનો સમાવેશ થાય છે તેમજ અન્ય ખાનગી શાળાઓનો પણ સમાવેશ થાય છે. આમાની મોટાભાગની શાળાઓ ૧૨માં ધોરણ સુધીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મંજૂરી મેળવી હતી અને હવે સરકાર ૧૨માં ધોરણને મંજૂરી આપે તેની રાહ જોઈ રહી છે. ગત વર્ષે જૂન ૨૦૧૮માં ધો.૧૧ની મંજૂરી મળી હોય તેવી રાજ્યની શાળાઓમાં ધો.૧૨ની મંજૂરી માટે દરખાસ્ત સ્વીકારવામાં આવી નથી એટલે કે આવી શાળાઓ ધો.૧૨ની મંજૂરી વગર જ ચાલે છે. શાળાઓના કમિશનરે આ મુદ્દે તાજેતરમાં જ આ મુદ્દે રાજ્યના શિક્ષણ વિભાગને પત્ર લખી તાત્કાલીક ઠરાવ કરવાની માંગ કરી છે.

આ બાબતે શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે નાણાની વધારે જોગવાઈ ન હોવાથી ગ્રાન્ટેડ શાળાઓ અને અન્ય ખાનગી શાળાઓને ધો.૧૨ના વધારાના વર્ગોને મંજૂરી આપી નથી. ૨૦૧૫ના ૨૪૫ નંબરના ઠરાવ મુજબ સરકારે ધો.૧૨ના વર્ગોમાં સંખ્યા નકકી કરી છે જેમાં એક શાળામાં ૬૦ વિદ્યાર્થીઓ અને બે વર્ગ નિયત કરવામાં આવ્યા છે. જો કે, અમુક નોન ગ્રાન્ટેડ શાળામાં ૧૨૦ વિદ્યાર્થીઓને બદલે ૩૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જો કે આવી શાળાઓ વર્ષના અંતે વિદ્યાર્થી દીઠ રૂ.૨૦૦૦નો દંડ ભરી અન્ય વિદ્યાર્થીઓની માન્યતા મેળવી લે છે. જો કે, બીજી બાજુ અમુક નાના એવા ગ્રામ્ય વિસ્તારમાં સરકારે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરાવી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ વધુ વિદ્યાર્થીઓને ધો.૧૨માં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે જો કે ધો.૧૨ને મંજૂરી સરકાર આપે તેની રાહ જોવાતી હોય છે.

આ મુદ્દો અત્યંત ગંભીર છે અને આ પ્રશ્ર્ને પરીક્ષા સમીતી સરકારને મળીને ચર્ચા વિચારણા કરશે અને વિદ્યાર્થીના હિત માટે આ બન્ને મુદ્દે સરકાર સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શાળાઓ અગાઉની યોજનાને અનુસરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે તેમ છતાં જરૂરી મંજૂરીઓ સમયસર ન આપી હોવાથી ૨૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ તેમનો ઈન્ડેક્ષ નંબર મેળવી શકશે નહીં જે બોર્ડની પરીક્ષામાં આપવા માટે જરૂરી બન્યો છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, જરૂરી મંજૂરીઓની માન્યતા લીધા વીના ગ્રાન્ટેડ શાળાઓ તેમની ફેકલ્ટીની તાકાતમાં વધારો કરી શકતી નથી અને શિક્ષણની ગુણવતાનો ભોગ બની રહી છે.

બે દિવસ પૂર્વે શિક્ષણના બોર્ડના સભ્ય પ્રીયવદન કોરાટ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખીતમાં રજૂઆત કરી ૧૫૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.૧૨ની ક્રમીક વર્ગની તાત્કાલીક મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે.

આવતા દિવસોમાં ૧૫૦ જેટલી ગ્રાન્ટેડ શાળામાં હજુ પણ મંજૂરી આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓનું ભાવી જોખમાય તેવી શકયતા છે. જેથી તાત્કાલીક પણે સરકાર આ ૧૫૦ શાળાને ધો.૧૨ના વર્ગની મંજૂરી આપે તેવી માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.