અબુધાબીમાં આકાર પામી રહેલું પ્રથમ હિન્દુ મંદિર

હિન્દુ મહાકાવ્યો અને ધર્મગ્રંથોના દ્રશ્યો સાથે

મંદિરમાં લગાવાશે ઈટાલીનો આરસ અને રાજસ્થાનનો બલુઆ પથ્થર

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની અબુધાબીમાં નિર્માણ થઇ રહેલા પહેલા હિંદુ મંદિરની ડિઝાઈનના ફોટાઓ જાહેર કરવામાં આવ્યા છે. ફોટાઓમાં જોઇ શકાય છે કે હિંદુ મહાકાવ્યો, ધર્મગ્રંથો, પ્રાચીન કથાઓ અને ખાડી દેશોમાં લોકપ્રિય રૂપાંકનોના દ્રશ્યો મંદિરના અગ્રભાગને સુશોભિત કરશે. આ સંબંધે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ઓફશિયલ ટ્વિટર હેંડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે. દૂતાવાસે ભારતમાં આકાર લઇ રહેલી અબુધાબીના પ્રથમ હિંદુ મંદિરનું જટિલ નકશીકામ કેપ્શનથી ટ્વિટ કરીને એક મીડિયા રિપોર્ટને પણ શેર કર્યો છે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અબુધાબીમાં હિંદુ મંદિર નિર્માણની સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)ના મેનેજમેન્ટે મંદિરની ફાઈનલ ડિઝાઈન અને હાથથી કોતરેલા નકશીદાર પથ્થરના સ્તંભોની પહેલી તસવીરો જાહેર કરી છે. આ ઉપરાંત, ૪ મિનિટ ૧૯ સેકંડ્સનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મંદિરનો પાયો નાખવાથી લઇને અત્યાર સુધીમાં થયેલા નિર્માણની તસવીરો જોઇ શકાય છે.

બીએપીએસના પ્રવક્તા અશોક કોટેચાએ કહ્યું કે, આવું પહેલીવાર થયું છે, જ્યારે ફાઇનલ ડિઝાઇનના દ્રષ્યો વીડિયો દ્વારા જાહેર કરવામાં આવ્યા હોય. આ ઐતિહાસિક મંદિરનું નિર્માણકાર્ય ભારતીય સમુદાયના સમર્થન તેમજ ભારત અને યુએઈના નેતૃત્વ અને માર્ગદર્શન સાથે આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતમાં પથ્થરો પર નકશીકામ સતત ચાલુ છે. મંદિરમાં જે આરસના પથ્થરો લગાવવામાં આવશે તે ઇટાલીના છે, જ્યારે બલુઆ પથ્થરો રાજસ્થાનના છે. કારીગરોએ રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ ૨૫,૦૦૦ ઘનફૂટ પથ્થરો પર નકશીકામ કરવામાં આવ્યું છે.

ભારતીય રાજદૂતે ગયા મહિને નિર્માણકાર્યોની કરી હતી સમીક્ષા ગયા મહિને યુએઈના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી અને ભારતના રાજદૂત પવન કપૂરે મંદિરના નિર્માણકાર્યની પ્રગતિની સમીક્ષા માટે ત્યાંની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંનેએ મંદિરના નિર્માણકાર્ય પર દેખરેખ રાખતી સંસ્થા બીએપીએસના સભ્યોની પણ મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો મંદિરનો શિલાન્યાસ

ભારતીય દૂતાવાસના આંકડાઓ પ્રમાણે, યુએઈમાં આશરે ૨૬ લાખ ભારતીયો રહે છે, જે ત્યાંની વસ્તીનો લગભગ ૩૦% હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, એ સરકારે વર્ષ ૨૦૧૫માં મંદિર બાંધવાનું એલાન તે સમયે કર્યું હતું, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈની બે દિવસીય મુલાકાતે ગયા હતા. આ માટે ત્યાંની સરકારે અબુધાબીમાં અલ વાકબા નામની જગ્યાએ બીએપીએસને ૨૦,૦૦૦ વર્ગ મીટરની જમીન આપી હતી, જે મુખ્ય શહેર અબુધાબીથી ૩૦ મિનિટના અંતરે છે. પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં પોતાના દુબઈના બે દિવસીય પ્રવાસ દરમિયાન ત્યાંના ઓપેરા હાઉસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

Loading...