Abtak Media Google News

રાજકોટ મહાપાલિકાને રૂ.૨૭.૯૩ કરોડ ફાળવાયા: ચુંટણીની આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે જ ચેરમેન ધનસુખ ભંડેરીએ કરી ધનવર્ષા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની તારીખ જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે જ આજે સવારે ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ રાજયની ૮ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પર રિતસર ધનવર્ષા કરી છે અને વિવિધ વિકાસ કામો માટે રૂ.૪૮૭ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.  આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭-૧૮ની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજરોજ અમદાવાદ મહાપાલિકાને રૂ.૧૨૧.૧૧ કરોડ, સુરત મહાપાલિકાને રૂ.૯૬.૯૯ કરોડ, વડોદરા મહાપાલિકાને રૂ.૩૬.૨૭ કરોડ, રાજકોટ મહાપાલિકાને રૂ.૨૭.૯૩ કરોડ, ભાવનગર મહાપાલિકાને રૂ.૧૨.૮૭ કરોડ, જામનગર મહાપાલિકાને રૂ.૧૦.૪૩ કરોડ, જુનાગઢ મહાપાલિકાને રૂ.૬.૯૪ કરોડ અને ગાંધીનગર મહાપાલિકાને રૂ.૪.૫૦ કરોડ સહિત રાજયની તમામ આઠેય મહાપાલિકાને વિકાસ કામો માટે રૂ.૩૧૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ પણ રૂ.૬૩૪.૧૨ કરોડની ફાળવણી કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં આઠેય મહાપાલિકાને રૂ.૯૫૧.૧૮ કરોડની ફાળવણી કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, ૮ મહાપાલિકા અને રાજયની અલગ-અલગ નગરપાલિકાઓને પણ વિકાસ માટે રૂ.૧૭૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજે મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા મહાપાલિકા અને નગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.૪૮૭ કરોડની ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.