Abtak Media Google News

ફાઇનાન્સ કમિશન સમક્ષ સરકારે જમીન અને નશાબંધી મામલે થયેલા નુકશાનના વળતર માટે સ્પેશ્યલ પેકેજની માંગ કરી

ખંભાતના અખાતના બન્ને કિનારાઓને જોડતા ૧ ડેમનું નિર્માણ કરી મોટુ જળાશય બનાવી તેના થકી વીજ ઉત્પાદન તથા ઔદ્યોગીક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ કરતી કલ્પસર યોજના સાકાર કરવાનું સ્વપ્ન પૂર્ણ થાય તેવી શકયતા છે. સરકારે કલ્પસર સહિતની યોજના માટે ૧૫માં નાણાપંચ સમક્ષ રૂ.૩૧૧૯૦ કરોડનું ખાસ પેકેજ માગ્યું છે.

સૌરાષ્ટ્રના પ્રાણ સમા પ્રાણી પ્રશ્નનો ઉકેલ કલ્પસર યોજનાને સાકાર કરી સરળતાથી લાવી શકાય છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના અગત્યના આ બે વિસ્તારોને નજીક લાવી, જળાશયના પાણીને ગુજરાતના ખુણે-ખુણે પહોંચાડવા આ યોજનાને સાકાર કરવી જરૂરી છે. મધ્ય ગુજરાતની નર્મદા, મહિ અને સાબરમતી જેવી નદીઓના સરપ્લસ પાણી દરિયામાં સમાઈ જાય છે. આ પાણીનો ઉપયોગ કરવા માટે કલ્પસર યોજના મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.

આ યોજના થકી ૧૦.૪૫ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ, ૩.૬ કરોડ વસ્તી માટે વાર્ષિક ૯૦ કરોડ ઘન મીટર પીવાનું પાણી તથા ૫૮૮૦ મેગાવોટ ભરતી વિદ્યુત ઉત્પન્ન થઈ શકે છે. સરકારે આ કલ્પસર સહિતની યોજના માટે ૩૧૧૯૦ કરોડ માંગ્યા છે. જેમાં રૂ.૨૩૭૨૦ કરોડ નકામી જમીન મામલે વળતરના છે. આ ઉપરાંત રૂ.૯૬૫૪ કરોડ દારૂબંધીના કારણે ગુમાવેલી એકસાઈઝ ડયુટી પેટે માંગવામાં આવ્યા છે.

આ ઉપરાંત પાણીની વિતરણ, વોટર રિસોર્સીસ, નર્મદા, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, ફલ્ડ કંટ્રોલ સહિતના મુદ્દે પણ ફંડ માંગવામાં આવ્યું છે. તાજેતરમાં જ કલ્પસરને સાકાર કરવા ફાઈનલ રિપોર્ટ માટે ૨૧ અભ્યાસ કરવામાં આવ્યા હતા. ૨ વર્ષમાં કુલ ૩૧ કરોડ અભ્યાસ માટે ફાળવાયા છે. સરકાર ફીઝીબીલીટી રિપોર્ટની રાહ જુવે છે. જો આ યોજના સરકાર થઈ જાય તો સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ન ઝડપી હલ થઈ જશે.

હાલ ગુજરાત ફકત એક જળ સ્ત્રોત નર્મદાના નીર ઉપર આધાર રાખી રહ્યો છે. આ પ્રકારનો આધાર કયારેય જનતાને નિરાધાર પણ કરી શકે છે. તાજેતરમાં જ નર્મદામાં પાણીની ઘટ રહેતા કટોકટી સર્જાઈ હતી. જળ કટોકટી મામલે સરકાર ચિંતીત બની હતી. દર વખતે આવું ન થાય તે જરૂરી છે. માટે માત્ર નર્મદા નીર પર આધાર રાખી શકાય તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.