Abtak Media Google News

પ્રજાસત્તાક-દિન જેવા રાષ્ટ્રીય અવસરને સહુ કોઈ વધાવે-હોંશે હોંશે વધાવે…

દેશની એક અબજ અને ૨૦-૨૫ કરોડ જેટલી ઉત્સવપ્રિય વસ્તીએ આપણો દેશ પ્રજાસત્તાક-દિન તરીકે ઘોષિત થયો તે ૧૯૫૦ના ૨૬મી જાન્યુઆરીના દિવસને દેશભકિતની ત્રિરંગી પતાકાઓ લહેરાવીને હૈયાના હેતથી વધાવ્યો હતો.

કમનશીબે આટલા વર્ષો પછી પણ આપણા દેશની કારમી ગરીબીને દૂર કરવાનું તો ઠીક, પણ એની ‘માત્રા’ને તે ઓછી પણ કરી શકયો નથી.

આપણો દેશ ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ના દિવસે આઝાદ બન્યો તે વખતે પ્રજાસત્તાક દેશનું કસુંબલ ગૌરવ ધરાવતો નહોતો અંગ્રેજી સલ્તનતના કાયદાકાનૂનઆ દેશમાં મોજૂદ રહ્યા હતા.

તે પછી આપણા ૫૪ બંધારણ નિષ્ણાંતોની એક વિસ્તૃત કમિટીએ લાંબા વિચારવિમર્શને અંતે આપણા દેશ માટે બંધ બેસે એવા કાયદા-કાનૂન તેમજ ધારાધોરણને સમાવિષ્ટ કરતું બંધારણ ઘડી કાઢ્યું હતું જેમાં દલિત મહાપુરૂષ શ્રી ભીમરાવ આંબેડકરે સર્વોત્તમ ભૂમિકા ભજવી હતી.

આ બંધારણને લાંબી અને ઝીણવટભરી ચર્ચા બાદ એ વખતની સંસદે સર્વાનુમતે પસાર કર્યું હતુ. અને તે સાથે જ આપણો દેશ ‘પ્રજાસત્તાક દેશ’નું ગૌરવ ભર્યું પદ પામ્યો હતો. તે પછી ૬૯ વર્ષનાં વ્હાણાં વાયા છે. છતા ‘રામ રાજય’ના સ્વપ્નો સાકાર થયાં નથી અને કાળમૂખી ગરીબી લેશમાત્ર હટી નથી. એના બદલે અનેકવિધ પાપાચાર અને રાક્ષસી અનિષ્ટો વચ્ચે આ દેશની સાંસ્કૃતિક ગરવાઈ તેમજ સંસ્કારની તેજસ્વિતા સારી પેઠે ખંડિત થયાં છે. આપણી માતૃભૂમિ પ્રજાસત્તાકદિન ઉજવવાની હોંશ ખોઈ બેઠી છે.

આપણો દેશ પ્રજાસત્તાક હોવા છતાં આ દેશની બુધા પ્રજાને આ દેશના બંધારણ અંગે સાચા અર્થમાં કહીએ તેવી સમજ નથી અને બંધારણની પવિત્રતા તથા એનાં મહાત્મ્યનો ખ્યાલ પણ નથી. આનાં કરતાં વધુ અચરજ અને શરમહીનતા બીજા કઈ હોઈ શકે?

આજે ભ્રષ્ટાચારની ‘બદબૂ’ ચારે બાજુ ફેલાયેલી છે. પરંતુ ભ્રષ્ટાચારનું મૂળ શું? તેની ખેવના કેટલાને? ગરીબી ભ્રષ્ટાચારની જનની છે અને જયાં સુધી ‘ગરીબી હટાવ’ના નારા નહી પરંતુ ખરેખર ગરીબી હટાવાના પગલા લીધા પછી જ ભ્રષ્ટાચાર હટી શકે. પરંતુ આપણા શાસકો, સતાધીશો કે સત્તાના કેન્દ્રમાં રહેલી છે. ભ્રષ્ટાચારની શૈયામાં આળોટી રહ્યા છે. આમાં ગરીબી કયાંથી હટે?

અહીં એક દુર્ભાગ્યપૂર્ણ બાબત એ પણ છે કે, આપણા દેશના બહુધા સત્તાધીશો અને રાજપુરૂષો દેશની આજની અતિ બિહામણી હાલતને વિલંબવિના સુધારવાનાં પગલાં લેવાને બદલે ચૂપચાપ અને નિષ્ઠુરરીતે નિહાળ્યા કરે છે. દેશની વધુને વધુ કથળતી રહેલી પરિસ્થિતિ અને બરબાદી માટે તેઓ ઓછા દોષિત નથી જ… રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો (રાજા) વાંજા વગાડતો હતો એવી હાલત અત્યારે આપણા દેશની છે.

સ્વિટ્ઝર્લેન્ડના પ્રમુખનોકોઈ મહેલ હોતો નથી. બગીચાવાળું ઘર પણ હોતું નથી. તેએક ફલેટમાં રહે છે. અને તેનું ભાડુ ભરે છે. એમને કોઈ નોકરોની સવલત હોતી નથી. કામમાં મદદ માટે પાર્ટટાઈમ બાઈ રાખે છે. તેઓને દેશની બહાર જવાની અનુમતિ અપાતી નથી. અને એમની સુખસગવડો મધ્યમ વર્ગના ઈન્સાન જેટલી જ હોય છે.

આ અહેવાલ અચરજ જગાડે તેવો છે, પરંતુ આપણા ખેતીપ્રધાન અને મહદઅંશે ગામડાઓનાં બનેલા ગરીબ દેશને માટે ઉદાહરણરૂપ છે.

આપણા પ્રજાસત્તાક-દિનની સંમોહક ‘પરેડ’પાછળ કેટલો ખર્ચ થતો હશે એતો કોણ જાણે ! આમ છતાં દેશના સર્વગ્રાહ સામર્થ્ય અંગે આખું વિશ્વ જાણે અને તેની પ્રભાવકતાનો ખ્યાલ પામે તેવી આ પ્રથાને હોંશે હોંશે વધાવવી જ ઘટે! દેશમાં દેશ દાઝનો દૂકાળ પડયો છે ત્યારે આ રાષ્ટ્રીય પર્વને બેશક વધાવીએ, વર્તમાન સ્થિતિ તો અંધકાર ભાવિનો અણસાર આપે છે. સવા અબજ નરનારીઓ સાથે મળીને આપણા દેશને ઉજજવળ ભાવિ પ્રતિ લઈ જઈએ. તોજ આ દેશ મહાન બનશે, દેશ મહાન બનશે તો આપણે સહુ મહાન બનશું. ભાષણખોરીથી જ કશું મહત્વનું મળ્યું નથી, ને મળવાનું પણ નથી માનવ સંશાધનની જબરી સંપદા આપણો દેશ ધરાવે છે. અને અવેળા ઉપકારક બનાવીએ અને ગરીબીને એટલી જ સુવેળા મિટાવીએ

જે દેશ ભીષણ ગરીબીને દેશવટો આપી શકતો નથી, તે મહાનબની શકતો નથી. એટલું આજના પ્રજાસત્તાક દિને યાદ રાખીએ ‘

આપણા રાજનેતાએ હવે વહેલીત રીકે દેશને સર્વોપરિ ગણીને નિજી સ્વાર્થાધતાને છોડવી જ પડશે. નહિતર પ્રજાકીય વિદ્રોહથી નહિ બચી શકાય!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.