Abtak Media Google News

રાજકોટ જિલ્લાના નાગરીકોને માર્ગદર્શિકાને અનુસરવા અનુરોધ

છેલ્લા ઘણા દિવસોની ગરમી અને ઉકળાટ બાદ રાજકોટમાં આજે સવારે વરસાદે એન્ટ્રી કરતાં ચોમાસાની શરૂઆતને રાજકોટવાસીઓએ અનેરા આનંદ સાથે આવકારેલ છે. વરસાદના સમયમાં આકાશીય વિજળી પડવાનું જોખમ અનેક ગણુ વધી જાય છે. ત્યારે જિલ્લા કંટ્રોલરૂમ અને રાજ્ય કંટ્રોલરૂમ દ્વારા આ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જ્યારે તમે ઘરની અંદર હોય ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહો, તારથી ચાલતા ફોનનો ઉપયોગ કરશો નહીં, બારી-બારણાંથી દુર રહો, વીજળીના વાહક બને તેવી કોઈ પણ ચીજ વસ્તુઓથી દૂર રહો, ધાતુથી બનેલા પાઈપ, નળ, કુવારો, વોશબેઝીન વગેરેના સંપર્કથી દુર રહો.

જ્યારે તમે ઘરની બહાર હોય ત્યારે ધ્યાન રાખો કે ઊંચા વૃક્ષો હંમેશા વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળો, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળો અને ટોળામાં રહેવાને બદલે છૂટા-છવાયા વિખેરાઇ જાઓ. મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય. મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો અને મજબૂત છતવાળા વાહનમાં રહો. ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઇલેક્ટ્રીક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દુર રહો. તેમજ  પુલ તળાવો જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાઓ.

આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે આપાતકાલીન સંપર્ક જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૭૭ અને રાજ્ય કંટ્રોલરૂમ ૧૦૭૦ પર સંપર્ક કરવા ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન વિભાગની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.