Abtak Media Google News

પાટનગર ગાંધીનગર ખાતે આત્મનિર્ભર ભારત વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગાંધીનગરના સ્થાપના દિન તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અંગે લોકજાગૃતિ માટે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આત્મનિર્ભર ભારત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ  અમિતભાઇ શાહ દ્વારા  ગાંધીનગર લોકસભા વિસ્તાર વધુ હરિયાળો બને તે માટે વૃક્ષરોપણનું જંગી અભિયાન ચલાવી, ગાંધીનગર લોકસભામાં આવતા તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ઘર, સોસાયટી અને આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા વિનામુલ્યે રોપા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે યોગ્ય કાળજી સાથે રોપાના ઉછેર માટે પણ તેમણે આહવાન કર્યું છે, જેને નોધપાત્ર જનપ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના ૫૬માં સ્થાપના દિન નિમિત્તે સૌ નગરવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગાંધીનગરની પ્રથમ ઈંટ જે સ્થાને મુકાઈ તે સ્થાન સહિત ૧૭ સ્થાનોએ આત્મનિર્ભર ભારત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.  રૂપાણીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે, વિકાસશીલ ગુજરાતની સાથે સાથે ’ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત’ બનાવવામાં સહભાગી થઈએ.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ૬૫માં જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમના સમર્પિત, સંવેદનશીલ નેતૃત્વની પ્રશંશા કરી હતી અને મુખ્યમંત્રીના દીર્ઘાયુ અને સુખાકારી માટે ઈશ્વરને પાર્થના કરી હતી.  સી. આર. પાટીલે ગાંધીનગર ના સ્થાપના દિનની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ૧૭ સ્થળે વૃક્ષારોપણના કાર્યક્રમના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.  પાટીલે જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ ખૂબ જ મહત્વનું છે. આવનારી પેઢીના સુરક્ષિત જીવન માટે,તેમને સ્વચ્છ વાતાવરણ આપવા માટે, કુદરતી વ્યવસ્થાઓનું સંતુલન જાળવવા માટે વૃક્ષરોપણ કરવું અનિવાર્ય છે. વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ તે વૃક્ષોના યોગ્ય ઉછેરની ચિંતા કરીને તેનું જતન કરવું અતિઆવશ્યક છે.પશુઓથી વૃક્ષોને બચાવવા ૮ થી ૧૦ ફૂટ ઊંચા વૃક્ષો રોપવાનો પ્રયોગ કરવો જોઈએ. પાટીલે સૌ પાટનગરવાસીઓને એક વૃક્ષને દત્તક લઈને તેના જતનની જવાબદારી લેવા માટે અપીલ કરી હતી.  પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે રેઇન વોટર હારવેસ્ટિંગનો વ્યાપ વધુને વધુ વધારી ભુમિજળના સંગ્રહને વધારવા માટેનું આયોજન ગાંધીનગર સહિત રાજ્યભરમાં કરવા અંગે પણ ભાર મુક્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજા, રાજ્યસભાના સાંસદ  રમીલાબેન બારા, ગાંધીનગરના મેયર મતી રીટાબેન પટેલ, શહેર ભાજપા પ્રમુખ  મહેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, યુવા દિશા કેન્દ્રના પ્રમુખ સંજીવ મહેતા સહિતના આગેવાન ઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.