Abtak Media Google News

ચૂંટણી વર્ષ હોય રાજકોટવાસીઓ પર નવા કરબોજની સંભાવના નહીંવત: સ્માર્ટ સિટી આધારીત અને નવા પ્રોજેકટ મુકાશે

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય બજેટ આગામી ૨૭ થી ૩૦ જાન્યુઆરી વચ્ચે મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ વર્ષે બજેટનું કદ રેકોર્ડબ્રેક ૨૫૦૦ કરોડ આસપાસ રહે તેવી સંભાવના જણાય રહી છે. ચૂંટણી વર્ષ હોય રાજકોટવાસીઓ પર નવા કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના નહીંવત છે. બજેટ સંપૂર્ણપર્ણે ગ્રાન્ટ આધારીત રહેશે. સ્માર્ટ સિટીને લગતા અનેક પ્રોજેકટ બજેટમાં મુકવામાં આવશે.

Advertisement

આ અંગે વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ હાલ મહાપાલિકામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેના વચ્ચે બજેટની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ડીએમસી લેવલે મોટાભાગની શાખાઓ પાસે આવક અને ખર્ચના આંકડાઓ મેળવી લેવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષનું રિવાઈઝડ બજેટ મોટાભાગે તૈયાર થઈ ગયું છે. જેમાં ટેકસ બ્રાન્ચનો ટાર્ગેટ ઘટાડવામાં આવશે તેવું લાગી રહ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સંભવત: ૨૭ થી ૩૦ જાન્યુઆરી દરમિયાન સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે બજેટ રજૂ કરી દેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમીટી એક સપ્તાહ સુધી બજેટનો અભ્યાસ કર્યા બાદ તેને મંજૂરીની મહોર મારી આખરી મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરશે. બીપીએમસી એકટના નિયમ મુજબ બજેટ ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકાર સમક્ષ મોકલી દેવાનું રહે છે.

ચાલુ વર્ષના અંતમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની હોય જેના પર વિપરીત અસર ન પડે તે માટે બજેટમાં શહેરીજનો પર નવા કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના પણ નહીંવત છે.

હયાત વેરામાં પણ કોઈપણ પ્રકારનો વધારો ન કરાય તેવું મનાઈ રહ્યું છે. જો કમિશનર દ્વારા બજેટમાં વેરા વધારો સુચવવામાં આવશે તો શાસકો આ વેરાને ફગાવી દેશે. બજેટમાં સ્માર્ટ સિટીની થીમ આધારીત તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.