Abtak Media Google News

મેયર બીનાબેન આચાર્ય તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારનાં ” સ્વચ્છ ભારત મિશન ” હેઠળ વિવિધ કામગીરી અને ઝુંબેશો હાથ ધરવામાં આવતી રહે છે. જેમાં જનજાગૃતિ અભિયાન ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવે છે અને તેમાં ક્રમશ: સારો જનસહયોગ પ્રાપ્ત થઇ રહયો છે. સૌના સાથસહકારનાં માધ્યમથી નાગરિકોને વધુ ને વધુ સારી સેવાઓ પ્રદાન કરવામાં મહાનગરપાલિકાને પણ સાનુકૂળતા રહે છે. આ અંગે વાત કરતા માન. મેયર  બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે “વર્લ્ડ ટોઇલેટ ડે” મનાવવામાં આવી રહયો છે. જે સ્વાભાવિકરીતે જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની બાબતમાં નાગરિકોને જાગૃત થવાનો સંદેશ આપે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પબ્લિક ટોઇલેટ બનાવવામાં આવેલ છે અને તે પૈકી ૧૮ પબ્લિક ટોઇલેટને મોડર્ન સ્વરૂપ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

માન. મેયર  અને મ્યુનિ. કમિશનરએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ૧૮ પબ્લિક ટોઇલેટને મોડર્ન બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે તેમાં રેસકોર્સ રિંગ રોડ પર ઇન્કમ ટેક્સ ઓફિસ સામે તેમજ ગેલેક્સી સિનેમા સામે આવેલ પબ્લિક ટોઇલેટ ઉપરાંત ફ્ન વર્લ્ડ પાસે રેસકોર્સ મેદાનની અન્ડર આવેલ પબ્લિક ટોઇલેટ તેમજ જ્યુબિલી ગાર્ડન સામે, શાસ્ત્રી મેદાન પાસે, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવેલ ટોઇલેટ, તેમજ ૮૦ ફૂટ રોડ પર સોરઠીયાવાડી સર્કલ, કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે તથા પ્રેમ મંદિર પાસે, નાનામવા રોડ પર લક્ષ્મીનગર હોકર્સ ઝોન પાસે, મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મંદિર નજીક, કુવાડવા રોડ પર ગ્રીન લેન્ડ ચોક, આશ્રમ રોડ પર ડ્રેનેજ ઓફિસ પાસે, કુવાડવા રોડ પર વોર્ડ ઓફિસ પાસે, રેલ્વે સ્ટેશન રોડ, યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ખાતે અને રેસકોર્સની અંદર આર્ટ ગેલેરી પાસે આવેલ પબ્લિક ટોઇલેટને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે.  મેયર  અને મ્યુનિ. કમિશનરએ વિશેષમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ૧૮ મોડર્ન ટોઇલેટમાં ફર્શ અને દિવાલો એકદમ ચોખ્ખા ચણાંક રાખવા ઉપરાંત ટોઇલેટ સંકુલમાં ફૂલછોડનો વ્યવસ્થિત ઉછેર અને તેની જાળવણી, એર ફ્રેશનરનો ઉપયોગ, અને હાથ ધોવા માટે લીક્વીડ ડીસ્પેન્સર અને હાથ સુકવવા માટે હેન્ડ ડ્રાયર અને નેપકીનની સુવિધા, નહાવાની સુવિધા, બાળકો માટે ઓછી ઊંચાઈના ટોઇલેટ, વિમેન્સ ટોઇલેટ કેમ્પસમાં સેનેટરી નેપકીન વેન્ડિંગ મશિન અને તેના યોગ્ય નિકાલ માટે પણ સુવિધા, જળસંચય ફેસિલિટી, નવી રેવન્યુ ઉભી કરવા માટે યોગ્ય સ્પેસનો ઉપયોગ, તેમજ જે તે પબ્લિક ટોઇલેટ પોતાના કેમ્પસમાંથી જ નવી રેવન્યુ ઉભી કરી પોતાનું સંચાલન અને જાળવણી કરી શકે તે રીતે તેને સેલ્ફ સસ્ટેઈન્ડ બનાવવા, અને પાણી બચાવવા તેમજ વોટર રિયુઝ ટેકનોલોજીનો ઉપયોગ, જેવી વધારાની સુવિધાઓ પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.