સાઈકલ ખરીદનાર ૧૧૮૬ લોકોને કોર્પોરેશને આપી સબસિડી

સાઈકલ પ્રમોશન સ્કીમ શરૂ કરાઈ ત્યારથી આજ સુધીમાં ૧૮૬૦ લોકોને રૂ.૧૦૦૦ની સબસીડી મળી: હાલ ૩૦૦ અરજીઓ પેન્ડીંગ

ઈંધણનો વપરાશ ઘટે અને લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે તેવા ઉમદા આશ્રય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે ઓગષ્ટ માસથી સાયકલ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી છે. છેલ્લા સવા વર્ષ દરમિયાન આ સ્કીમ અંતર્ગત ૧૮૬૦ અરજદારોને સાયકલ ખરીદવા સબબ રૂા.૧૦૦૦ની સબસીડી આપવામાં આવી છે. છેલ્લા ચાર માસ દરમિયાન ૧૧૮૬ લોકોએ આ યોજનાનો લાભ લઈ સબસીડી મેળવી છે. છેલ્લા ૨ શુક્રવારથી મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિત કોર્પોરેશનના અધિકારી અને કર્મચારી સાયકલ લઈને આવે છે.

કોર્પોરેશન દ્વારા ગત નાણાકીય વર્ષથી સાયકલ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં પ્રથમ ૧૦,૦૦૦ સાયકલ ખરીદનારાઓને રૂા.૧૦૦૦ની સબસીડી આપવાની જાહેરાત કરાઈ હતી. ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ આ સ્કીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ૩૭૪ લોકોને સાયકલ પ્રમોશન સ્કીમ હેઠળ રૂા.૧૦૦૦ની સબસીડી આપવામાં આવી હતી. આ વર્ષે કોરોનાના કારણે લોકડાઉન અને ત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જુલાઈ માસથી સાયકલ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી. કોરોના કાળમાં લોકો આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૪ મહિનામાં સાયકલ પ્રમોશન સ્કીમ હેઠળ રૂા.૧૦૦૦ની સબસીડી મેળવવા માટે ૧૪૮૬ લોકોએ મહાપાલિકામાં અરજી કરી છે જે પૈકી ૧૧૮૬ લોકોને સબસીડીની રકમ ચૂકવી દેવામાં આવી છે જ્યારે ૩૦૦ અરજી હાલ ઓડિટ સહિતના અલગ અલગ વિભાગોમાં પેન્ડીંગ છે.

આ વર્ષે સાયકલ ખરીદનાર પ્રથમ ૫૦૦૦ લોકોને સબસીડી આપવામાં આવશે. સબસીડી મેળવવા માટે સાયકલ મેઈક ઈન ઈન્ડિયા હોવી જોઈએ. કિંમત ગમે તેટલી હોય તે મહત્વનું નથી. સાયકલ પ્રમોશન સ્કીમની અમલવારી બાદ શહેરમાં સાયકલ ખરીદનારની સંખ્યામાં ખાસો વધારો થયો છે. સબસીડી મેળવવા માટે અરજદારે જીએસટી સાથેનું બીલ, કેન્સલ કરેલ એક ચેક, રેશનકાર્ડ અને આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવી પડે છે. લોકોને ઝડપથી સબસીડીની રકમ મળી રહે તેવા પ્રયાસો મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.

Loading...