Abtak Media Google News

આ આફતને ઓછી ગંભીર કે નગણ્ય લેખવા જેવી નથી.. એને લીધે આપણા અર્થતંત્રની હાલત ઠેસ-ઠેબા ગડથોલિયાં ખાધાં જેવી કમજોર બની ચૂકી છે અન્ય કોઈ હાથ ન ઝાલે તો એકલ પંડે ફરી બેઠાં થવું અત્યંત આકરૂ અને લગભગ અશકય જેવું જ દેખાઈ આવે છે ડગલેને પગલે સ્થિતિ સંજોગો કથળવાનો સંભવ તોળાઈ રહ્યો છે: આમ આદમીની વેદના હિંસક રોષ-આક્રોશમાં પલ્ટાવાની શકયતા નકારાતી નથી ઘટતુ કરવામાં હવે જરીકે મોડું પોસાય તેમ નથી!…

માનવ માત્ર માટે સહન શકિતની મર્યાદા હોય છે. એમાંય દેશના કે સમાજના ગરીબાઈમાં રીબાતા અને સતત હીનમાં હીન દશામાં કચડાતા રહેતા આમ આદમી માટે તો ધીરજ ખૂટી જવાના આરે પહોચી ચૂકી હોય એ સ્તર પહોચી શકે છે !

કોરોના-લોકડાઉન ‘જાન હૈ તો જહાન હૈ’એ સૂત્ર અનુસાર ભલે અત્યારને તબકકે અનિવાર્ય ગણાય, પરંતુ એણે આપણી પ્રજાના વેપાર ઉદ્યોગોને અને જીવન વ્યવહારને લગતા ધંધા રોજગારને અધમૂઆ કરી નાખ્યા છે. એ નિર્વિવાદ છે. એને લીધે પડતા ઉપર પાટુની જેમ નવી આફત સર્જાઈ છે. આપણા અર્થતંત્રની હાલતા ઠેસ ઠેબાં ગડથોલિયાં ખાવાં જેટલી કમજોર અને શિથિલ બની ગઈ છે. અને હવે તો એવો મત પ્રવર્તે છે કે, જો અન્ય કોઈ હાથ ન ઝાલે તો એકલપંડે ફરી બેઠાં થવું અતિ આકરૂ તેમજ અશકય બની જાય તેમ છે. ડગલે ને પગલે હાલત વધુને વધુ કથળવાનો સંભવ પ્રવર્તે છે. સત્તાવાળાઓ કે સરકારમાં બેઠેલાઓ પ્રતિ પ્રજાનો આમ આદમીનો હિંસક રોષ આક્રોશ ભભૂકવાની સ્થિતિ આવી પડે તેમ છે!

આ ભયને કોઈ નગણ્ય લેખે તો તે તેમની જબરી ભૂલ ગણાશે અને દેશી કમનશીબી લેખાશે !

આને લગતા અખબારી અહેવાલને ગંભીર પક્ષે ધ્યાનમાં લીધા વિના ચાલે તેમ નથી.

એક બાજુ કોરોના-વાયરસે સર્જેલી અનેકવિધ હાલાકીઓથી અને અભૂતપૂર્વ કાળા કહેરથી આખુંવિશ્ર્વ અને આપણો દેશ હવે ગળે આવી ગયા છે. અને હજુ કલ્પનાતીત મુશિબતોનો બોજ કયાં જઈને અટકશે તે ભાગ્યે જ કોઈ કહી શકે તેમ છે !

સરકારે લોકડાઉનની મુદતને વધુ એકવાર વધારવાનો નિર્ણય લેવો પડયો છે, તે એમ માનવા પ્રેરે છે કે, હજુ કોરોના વાયરસની વિઘાતક અસરમાંથી આપણો દેશ સંતોષજનક કહેવાય એટલો મુકત નથી. વિદેશી રાષ્ટ્રોમાં તો હજુ એ વકતરે એવી ભીતિ પ્રવર્તે છે.

કોરોના વાયરસને કુદરતી કોપ માનીને એને શાંત કરવાનાં, એટલે કે માનવજાતે કરેલા પાપ-પૂણ્યોનાં ગણિત માંડીએ તો પણ એનાં ફૂત્કારો, ફૂંફાળા, ઝેર અને વિઘાતકતાનાં સ્વરૂપ તો જેમના તેમ જ રહેવાના… એ કારણે ભય અને ફફડાટ પણ જેમના તેમ રહેવાનાં મોતની સંભાવના પણ જેમની તેમ રહેવાની… અને મરવું કોઈનેય ગમતું નથી એ સનાતન સત્ય પણ જેમનું તેમ રહેવાનું !

બીજી બાજુ, કોરોના મ્હાત થાય કે એના ઉપર કોઈક અગમ્ય શકિતનો વિજય થાય તો પણ એણે વેરેલા અનેકવિધ વિનાશની અને આપણા દેશે એને કારણે કરવી પડેલી ઓછામા ઓછી દશ વર્ષની પીછેહઠની સ્થતિગતિને થાળે પાડવામાં આપણા વેપાર, ઉદ્યોગ, ધંધા રોજગાર, અર્થતંત્રીય ખાનાખરાબી, માનસિક્આઘાત-પ્રત્યાઘાતો, સામાજીક ગતિવિધિઓ, શિક્ષણ કેળવણી તેમજ આર્થિક-વ્યાપારિક તેમજ પ્રણાલિકાગત આદાનપ્રદાન વગેરેને ચૂંથાયેલી હાલતમાંથી અને તરેહતરેહની ખાના ખરાબીઓમાંથી બહાર કાઢવામાં વર્ષો વિતી જશે અને નાકે દમ આવી જશે એવો નિષ્ણાંતોનો અને અનુભવીઓનો મત છે.

આ વિરાટ કામગીરી માટે પરગજુ, પરમાર્થી અને માનવસેવાને જ પ્રભુની સેવા માનતી સજજન જનમેદનીએ સ્વયંભૂ મેદાને પડવું પડશે! આપણા દેશની સંસ્કૃતિને આ તકે આપણે પૂન: સજીવ કરવી પડશે… આપણા સાતસો વર્ષ જૂના અશોકના શિલાલેખમાં આ સંસ્કૃતિનું દર્શન થયા વિના રહેતું નથી.

એ અક્ષરશ: અહીંયા પ્રસ્તુત છે.

પરદુ:ખભંજન મહાન અશોકે કલિંગ ઉપર ચઢાઈ કરી. પછી લાખોની સંખ્યામાં થયેલી જાનહાનીથી તેનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું અને તેમનું હૃદયપરિવર્તન થયું પછી એમને અનેક લોકકલ્યાણના કાર્યો કર્યા હતા. તેમને બૌધ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. આ મહાન અશોકનો શિલાલેખ જુનાગઢથી ગિરનાર જતા રસ્તા પર આવે છે. અશોકના શિલાલેખ વિશે કંઈક આ પ્રકારની વિગતો છે.

અશોકનો આ શિલાલેખ ૧૨મા સૈકામાં લખાયેલો છે. આ શિલાલેખની પરિધ ૭૫ ફૂટ છે. તેનો વિસ્તાર ૧૦૦ ફૂટનો છે. તે ૧૪ વિભાગમાં વહેચાયેલો છે. તેમા નીચે પ્રમાણેનો સંદેશો લખેલો જાણવા મળે છે.

કોઈએ હિંસા આચરવી નહિ.

ઔષધિજન્ય વનસ્પતિ વાવવી અને જાળવવી.

બ્રાહ્મણ અને શ્રવણને સમાન ગણવા.

સંયમ પાળવો.

ભિક્ષુકોને દાનપૂણ્ય કરવું.

સર્વ સંપ્રદાયમાં સંપ અને એકતા જાળવવી.

આ શિલાલેખ સાતસો વર્ષ જૂનો મનાય છે.

‘અબતક’નો અંતરાત્મા એને પુરસ્કૃત કરે છે

ભૂખ્યાજનોને અન્ન દાન દો.

તરસ્યાને કરો જલનું દાન…

વસ્ત્રહીનોને વસ્ત્રદાન કરો..

માન હીનને અપો માન…

ભયભીતોને અભયદાન દો.

શરણહિનને આશ્રયદાન.

શોક વિકલને શાંતિદાન દો.

રોગીજનને ઔષધદાન.

પથભૂલ્યાને માર્ગ બતાવો.

નિરાશાને દો આશા દાન

જ્ઞાનહીનને જ્ઞાન દાન દો.

સંશયાળુને શ્રધ્ધા દાન.ધર્મહીનને ધર્મદાન દો.

નાસ્તિકને ઈશ્ર્વરનું દાન.

દાન કરનારા દાનવીરો આપણા સમાજનાં ઘરેણાં છે. આવાં ધરેણાં આપણા દેશની અને આપણા બધાની શોભા છે.. કોરોના સામે એજ આપણા દેશને જીતાડશે અને આપણા દેશનો જયજયકાર કરાવશે !…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.