Abtak Media Google News

ભય વિના પ્રિત નહીં!

કોંગ્રેસ અને શિવસેનાનાં વરિષ્ઠ નેતાઓ વચ્ચે ઈતિહાસમાં પ્રથમ વખત સીધી વાતચીત!

ભાજપનાં ડરનાં કારણે શિવસેનાનાં પ્રમુખ ઉઘ્ધવ ઠાકરે સૌપ્રથમ વખત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સાથે સીધી વાતચીત માટે તૈયાર થયા છે. આગામી સમયમાં શિવસેના અને કોંગ્રેસમાં ભંગાણ થાય તેવી દહેશત હોવાથી બંને પક્ષોનાં નેતા ‘પ્રિત’ કરવા મજબુર છે. સામાન્ય રીતે બંને પક્ષોની વિચારધારા એકદમ વિરુઘ્ધ દિશામાં હોવા છતાં વર્તમાન પરિસ્થિતિ વરિષ્ઠ નેતાઓ માટે અસમંજસ ઉભી કરી રહી છે. મહારાષ્ટ્રનાં પરિણામોને ૨૧ દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી શિવસેના, એનસીપી કે કોંગ્રેસ સહિતનાં પક્ષો સરકાર રચવામાં સક્ષમ બની શકયા નથી બીજી તરફ આવી પરિસ્થિતિ લાંબો સમય રહેશે તો પક્ષમાં તોડફોડ થશે તેવું માનસિક દબાણ નેતાઓને છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સહિતનાં સાથે ઠાકરેએ મોડીરાત્રે વન ટુ વન મીટીંગ કરી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, કોંગ્રેસનાં પ્રમુખ બાલાસાહેબ થોરાટ અને ભૂતપૂર્વ સ્ટેટ પાર્ટી ચીફ માણેકરાવ ઠાકરે સાથે પણ બેઠક થઈ હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે વાટાઘાટો બાદ આ વાટાઘાટોને સર્વસંમતી મળશે તો ગર્વનર ભગતસિંહ કોશીયારીને ડોકયુમેન્ટ સબમીટ કરવામાં આવશે. અલબત રાષ્ટ્રપતિ શાસન દરમિયાન ભારતીય જનતા પક્ષ દ્વારા શિવસેના અને કોંગ્રેસમાં તોડફોડ કરવામાં આવે તેવી ધારણા વચ્ચે બંને પક્ષોનાં નેતાઓ એકબીજા સાથે પરાણે પ્રિત કરવા મજબુર બન્યા છે.

આ મુદ્દે અશોક ચૌહાણે કહ્યું હતું કે, ઉઘ્ધવ ઠાકરે સાથે વાતચીત થઈ છે. શિવસેનાનાં પ્રમુખ સાથે અમારી સીધી વાતચીત થઈ હોવાનું પ્રથમ વખત બન્યું હોવાનું મને લાગી રહ્યું છે. સરકાર રચવા અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. બીજી તરફ શરદ પવાર વર્તમાન સમયે શિવસેના, એનસીપી અને કોંગ્રેસને એક જુથ રાખવાનું પરીબળ બન્યા હોવાનું જણાઈ રહ્યું છે. કોમન મીનીમમ પ્રોગ્રામ રચવા માટે ૫ સભ્યોની સંકલન સમિતિનું નિર્માણ થયું છે. અગાઉ શિવસેના અને એનસીપી વચ્ચે પણ મુલાકાત થઈ હતી.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી બાદ જાહેર થયેલા પરીણામોમાં ત્રિશંકુ જેવી જનાદેશની સ્થિતિ વચ્ચે શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદ મુદ્દે ઉભી થયેલી ગાંઠ ઉકેલાય તેમ નથી અને રાજયમાં રાષ્ટ્રપતિ શાસનની ઉભી થયેલી સ્થિતિ વચ્ચે સૌપ્રથમવાર સેનાએ તેના અભિગમ અને દષ્ટિકોણ બદલાવીને કોંગ્રેસ તરફ નજર દોડાવી છે. શિવસેનાનાં પ્રમુખ ઉઘ્ધવ ઠાકરેએ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચાઓ અને સંપર્ક શરૂ કરીને સરકાર રચવાની દિશામાં નવા પ્રયાસો શરૂ કર્યા છે.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

શિવસેના અને કોંગ્રેસ વચ્ચેની વાતચીતમાં એનસીપી મધ્યસ્થી સંકલનકારની ભૂમિકામાં દેખાઈ રહ્યું છે. ચુંટણીનાં પરીણામો બાદ એક પખવાડિયાથી વધુ સમય વિતી ચુકયો છે ત્યારે હજુ સરકારની રચના માટે કોઈ સ્થિતિ દેખાતી નથી ત્યારે સેના અને કોંગ્રેસ વચ્ચેની વાતચીત નવા સમીકરણો અને આશાવાદ ઉભી કરનારી છે. રાજયમાં રાષ્ટ્રપતિ શાસનનો દોર અટકાવવા માટે ઉઘ્ધવ ઠાકરેએ કોંગ્રેસનાં નેતા અહેમદભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી અશોકભાઈ ચૌહાણ, કોંગ્રેસ પ્રમુખ બાલાસાહેબ થોરાટ, માણેકરાવ ઠાકરે સહિતનાં નેતાઓ સાથે સરકાર રચવા માટેનાં ગઠબંધનની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હોવાનું ભગતસિંહ કોશીયારીએ જણાવ્યું હતું.

શિવસેના પ્રમુખ પોતાની જવાબદારીમાં યોગ્ય દિશાએ આગળ વધી રહ્યા છે તેમ જણાવાઈ રહ્યું છે. શરદ પવાર અત્યારે સેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મહત્વની મધ્યસ્થીની જવાબદારી નિભાવી રહ્યા છે. બુધવારે પાંચ સભ્યોની સમિતિએ નવા સમીકરણો માટે મુસદો તૈયાર કર્યો હોવાનો એનસીપીનાં પ્રવકતા નવાબ મલિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસ, એનસીપી અને સેના પ્રથમ ચરણમાં એકબીજાને અલગ-અલગ રીતે મળી હતી. ત્યારબાદ સંયુકત ચર્ચા અને નિર્ણયોનો મુસદો સોનિયા ગાંધીની મંજુરી માટે મોકલી દેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.