Abtak Media Google News

રેસકોર્સ પાર્કનાં આધેડ અને સત્યનારાયણ પાર્કમાં વૃદ્ધાનું મોત કાલાવડ રોડ, દ્વારકાધીશ સોસાયટી અને સાધુ વાસવાણી રોડ પરથી કોરોનાનાં વધુ ત્રણ પોઝિટિવ કેસો મળી આવ્યા

કાળમુખા કોરોનાએ આજે શહેરમાં વધુ બે વ્યકિતઓનો ભોગ લેતા શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આજસુધીમાં કોરોનાથી રાજકોટમાં ૮ વ્યકિતઓનાં જીવનદિપ બુઝાયા છે. કાલાવડ રોડ, દ્વારકાધીશ સોસાયટી અને સાધુ વાસવાણી રોડ પરથી કોરોનાનાં વધુ ત્રણ કેસો મળી મળી આવતા કુલ કેસનો આંક ૧૭૭એ પહોંચી જવા પામ્યો છે.

છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ રોજ નવા-નવા વિસ્તારોમાંથી કોરોનાનાં કેસો મળી રહ્યા છે. મોટાભાગનાં દર્દીઓ કોઈ કોરોના પોઝીટીવનાં સંપર્કમાં આવ્યા હોતા નથી કે ટ્રાવેલ હિસ્ટ્રી પણ ધરાવતા હોતા નથી તેના પરથી એક દહેશત એવી પણ ઉભી થવા પામી છે કે, શહેરમાં લોકલ ટ્રાન્સમિશનનો તબકકો શરૂ થઈ ગયો હોય આજે સવારે શહેરમાં કોરોનાનાં બે પોઝીટીવ કેસો મળી આવ્યા બાદ બપોરે વધુ એક કેસ મળી આવ્યો હતો. દરમિયાન શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં સત્યનારાયણ પાર્કમાં રહેતા કૈલાસબેન કુંવરજીભાઈ પટેલ નામના ૬૭ વર્ષીય મહિલાનું આજે સવારે મોત નિપજયું હતું. જયારે ગત ૧૪મી જુલાઈનાં રોજ રેસકોર્સ પાર્કમાં રહેતા અને એસ.એન.કે. સ્કુલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અરૂણભાઈ ભગવાનદાસભાઈ ઠકરારને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. તેઓ બી.પી અને ડાયાબીટીસની બિમારી ધરાવતા હતા. સારવાર કારગત ન નિવડતા આજે બપોરે તેઓ પણ કોરોના સામેની જંગ હારી ગયા હતા. આજે શહેરમાં કોરોનાથી બે વ્યકિતનાં મોત થતા કુલ મૃત્યુઆંક આઠે પહોંચી જવા પામી છે.

આજે વધુ ત્રણ કેસો મળી આવ્યા હતા. આજે શહેરનાં કાલાવડ રોડ પર પાણીનાં ટાંકાની પાછળ આર.કે.નગર શેરી નં.૧માં પ્લોટ નં.૫-એમાં રહેતા દિનેશભાઈ સામતભાઈ ઓડેદરા નામના ૪૫ વર્ષીય પુરુષ અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે દ્વારકાધીશ સોસાયટી શેરી નં.૩માં ચિરાગ અરવિંદભાઈ માણસુરીયા નામના ૨૪ વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે સાધુ વાસવાણી રોડ પર મારૂતી મેનોર એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૪૦૩માં રહેતા શત્રુંજનભાઈ આરદેસણાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ કોરોના પોઝીટીવ ભાવિનભાઈ દફતરીનાં સંપર્કમાં આવ્યા હતા. તેઓનાં સંપર્કમાં આવેલા અન્ય ત્રણ વ્યકિતઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે ૧૩ મકાનોમાં વસવાટ કરતા ૫૮ લોકોને ક્ધટેન્મેન્ટ કરાયા છે. આજસુધીમાં રાજકોટમાં કોરોનાનાં કુલ ૧૭૭ કેસો નોંધાયા છે જે પૈકી ૪૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ૮ વ્યકિતઓનાં મોત નિપજયા છે અને ૧૨૨ લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક-૧ બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વઘ્યું છે. ૭૫ દિવસમાં શહેરમાં કોરોનાનાં ૮૩ કેસો નોંધાયા હતા. પછીનાં ૩૦ દિવસમાં જ ૮૩ કેસો નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અનલોક-૨માં પણ કોરોનાનો કોરોનાનો કહેર જારી છે. ગઈકાલે ૮ કેસ મળી આવ્યા બાદ આજે બપોર સુધીમાં ૩ કેસ મળી આવ્યા છે.

જ્યારે રાજકોટ જિલ્લામાં પણ કોરોના બેકાબુ બન્યો છે. સતત બહારગામથી આવતા લોકોની સંખ્યા સામે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.રાજકોટ જિલ્લામાં ૧૪ કેસ પોઝિટિવ સામે આવ્યા છે તેમાં ધોરાજીના જેન્તીભાઇ અંટાળા, રૂપાબેન અંટાળા, ગોવિંદ પટેલ, કમલેશભાઇ ખીમજીભાઇ, ઉપલેટાના રાજ સામાણી, જામકંડોરણાના સાજરડિયાળી ગામના નંદુબેન સિંધવ, ગુંદાસરીના કુમન સોજીત્રા અને ગોકુલધામમાં રહેતા પિન્ટુબેન ભંડેરી, ધોરાજીમાં ૫ કેસ નોંધાયા છે. એક જ પરિવારના જેન્તી મોહનભાઈ અંટાળા, અનસુયાબેન અંટાળા, રૂપાબેન અંટાળા, ઋષિરાજ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ પટેલ, કમલેશ વાઘમશી, ઉપલેટાના રશિયાથી આવેલા એમબીબીએસના વિદ્યાર્થી રાજ સામાણી તેમજ ગોંડલ પંથકમાં કરિયાણાના વેપારી અતુલ અકબરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા ૩૦૦ને પાર પહોંચી છે.

ગીર સીમનાથ જિલ્લામાં પણ કોરોનાનો ભરડો વધી રહ્યો છે. જેમાં માણાવદર તાલુકાના બાટવા ગામે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમનાથ સોસાયટીમાં અગાઉ પોઝિટિવ આવેલા પુરુષના પત્નિ રમાબેન માંડણ ભાઈ મકવાણા નામના ૬૪ વર્ષના વૃદ્ધ અને ઇલાબેન કિરીટભાઈ રાઠોડને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં પણ ગઈ કાલે કોરોના વાયરસનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ ૮૩ પોઝિટિવ કેસ અને ૪ દર્દીઓના મોત નિપજ્યા છે. જામનગર જિલ્લામાં વધુ કોરોનાના ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ માં વધુ ૮ કોરોનાગ્રસ્ત અને ૧ કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. અને અમરેલીમાં પણ કોરોના વધુ ૩ દર્દી ઝપટે ચડ્યા છે અને એક દર્દીનું મોત નિપજ્યું છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના કોરોનાગ્રસ્ત તબીબનું મોત નિપજ્યું છે. જ્યારે ગઈ કાલે ૯ કોરોનાગ્રસ્ત કેસ બાદ આજ વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગત તા. ૧૫મી જૂનના જોરાવરનગર ખાતે ચાંપાનેરિયા પરિવાર ના ચાર સભ્યો કોરોનામાં સપડાયા હતા. જેમાં ડો. શૈલેષ ચાંપાનેરિયા ૪૧ દિવસની લાંબી સારવાર બાદ પણ મૃત્યુ પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.