Abtak Media Google News

લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પક્ષ આગામી તા.૧૯ થી ૨૯ દરમિયાન ‘એકતાયાત્રા’ યોજશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બારડોલી ખાતેથી ‘એકતાયાત્રા’નો પ્રારંભ કરાવશે

યાત્રા ૫૦૦૦ ગામડાને ધમરોળશે

ભારતીય જનતા પક્ષ આગામી લોકસભા ચૂંટણીનું બ્યુગલ તા.૩૧ ઓકટોમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોન્ચીંગ કરી ફૂંકશે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની જાજરમાન ઉજવણી કરી ભારતીય જનતા પક્ષે કોંગ્રેસના હાથમાંથી મહાત્મા ગાંધીનો મુદ્દો ખુંચવી લીધો છે. ત્યારબાદ હવે સરદાર વલ્લભભાઈ પટેલના ૧૮૨ ફૂટના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરી ભાજપ એક કાંકરે અનેક પક્ષી મારશે.

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધમાસાણ ચૂંટણી પ્રચારની જંગ થવા જઈ રહી છે. જેમાં ભાજપે મહાત્મા ગાંધી બાદ હવે સરદાર વલ્લભભાઈ પટેલ તરફ લાગણી ધરાવતા લોકોના મત અંકે કરવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ મહાત્મા ગાંધીના જન્મજયંતિ તેમજ તેમના નામે અન્ય કલ્યાણકારી યોજનાઓ-કામ કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવી ચૂકયા છે. હવે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરી નરેન્દ્ર મોદી કોંગ્રેસ કરતા એક ડગલુ આગળ ચાલશે.

તા.૩૧ ઓકટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલના ૧૮૨ ફૂટના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થવા જઈ રહ્યું છે. જેની સાથે આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી એકતા યાત્રા નિકળશે. આ સ્ટેચ્યુ લોકોની એકતાનું પ્રતિક માનવામાં આવે છે. જેની પાછળ રૂ.૩ હજાર કરોડનો ખર્ચો થયો હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે નહેરૂ અને ગાંધીને વધુ પ્રાધાન્ય આપી સરદારને હાંસીયામાં રાખ્યા હોવાના આક્ષેપ ભાજપ દ્વારા અનેક વખત થઈ ચૂકયા છે.

ભારતીય જનતા પક્ષ એકતા યાત્રા દરમિયાન લોકો સુધી અનેક મુદ્દા પહોંચાડશે. સરકારની કામગીરી અંગે લોકોને માહિતગાર કરશે. આ વિકાસયાત્રા તા.૧૯ થી ૨૯ દરમિયાન રાજયના વિવિધ સ્થળોએ જશે અને વિકાસયાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરદાર વલ્લભભાઈ પટેલે શરૂ કરેલા બારડોલી સત્યાગ્રહ સ્થળ એટલે કે બારડોલી ખાતેથી કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.