Abtak Media Google News

ગુજરાતમાં ઇમરજન્‍સી લેન્‍ડિંગ માટે ‘એર સ્ટ્રિપ’ની સુવિધા દ્વારકા પાસે નિર્માણ શરૂ કરાયું છે. ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર જવાનપર-દત્રાણા ગામ વચ્ચે 5 કિમીની ઇમરજન્‍સી લેન્‍ડિંગ સ્‍ટ્રિપ તૈયાર કરાઈ રહી હોવાનું કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ભારત સરકારે દેશના વિવિધ નેશનલ હાઇવે અને રાજ્યના માર્ગો પર ઇમરજન્‍સી લેન્‍ડિંગની સુવિધા ઊભી કરવાની કાર્યવાહી આરંભી છે. તેમાં ગુજરાતમાં દ્વારકાને પસંદ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર દ્વારકા જિલ્લામાં ‘જવાનપર-દત્રાણા ગામ’ વચ્‍ચે 5 કિ.મી. લંબાઇની ઇમરજન્‍સી લેન્‍ડિંગ સ્‍ટ્રિપ બનાવવાનું કામ ચાલુ કરેલું છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા 83.66 કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ ઇમરજન્‍સી લેન્‍ડિંગ એર સ્‍ટ્રિપ બનશે. દેશમાં જે 11 જગ્‍યા પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જે ઇમરજન્‍સી લેન્‍ડિંગ સ્‍ટ્રિપ બનાવવાની છે જેમાં ગુજરાત, રાજસ્‍થાન, બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, જમ્‍મુ કાશ્‍મીર, ઓડીસાનો સમાવેશ થાય છે.

 

માલસામાન અને જીવન જરૂરી ચીજવસ્‍તુઓના પરિવહન તેમજ સૈન્‍ય સંચાલન માટે રોડ અને રેલ માર્ગો પર મુખ્‍ય આધાર છે. પરંતુ કુદરતી આફતો અને ઈમરજન્સીમાં રોડ અને રેલ વ્યવહાર ખોરવાઇ જાય છે, ત્‍યારે એક માત્ર હવાઇમાર્ગ આખરી વિકલ્‍પ બની શકે છે. પૂર, ભૂકંપ જેવા પ્રસંગે જ્યારે ઈમરજન્સીમાં સહાય પહોંચાડવી હોય ત્યારે હવાઇસેવા જ વિકલ્‍પ હોઇ છે. પરંતુ ‘ઇમરજન્‍સી લેન્‍ડિંગ’ની સુવિધાના અભાવે આ સેવાની અસરકારકતા ઘટી જાય છે.

આ ઇમરજન્‍સી લેન્‍ડિંગ ડિઝાઇન તથા જરૂરી સુવિધાઓ માટે સ્‍ટાન્‍ડર્ડ ડિઝાઇન બનાવવામાં આવેલા છે. આ ડિઝાઇન અનુસાર તેમાં ચાર હવાઇયાન પાર્કિંગ સ્‍લોટ, એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, એર સ્‍ટ્રિપનાં બંને છેડે ફાટક બનાવાશે. આ ઉપરાંત એર સ્‍ટ્રિપની બંન્ને સાઇડ પર વીજ થાંભલા, મોબાઇલ ટાવર, વૃક્ષો વગેરે દૂર કરવામાં આવશે. 5 થી 6 કિ.મી. લંબાઇની આ એર સ્‍ટ્રિપમાં રોડ વચ્‍ચે ડિવાઇડર રહેશે નહીં. 60 મીટર પહોળા આ રોડમાં બંને બાજુ મળીને 33 મીટર જેટલો સિમેન્‍ટ કોંક્રિટ રોડ રહેશે.

ઇમરજન્‍સી લેન્‍ડિંગ માટે એર સ્ટ્રિપની વ્‍યવસ્‍થા વિકસાવવા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇન્‍ડિયન એરફોર્સનું એક ઇન્‍ટર મિનિસ્‍ટ્રિઅલ કો-ઓર્ડિનેશન ગ્રૂપ બનાવવામાં આવેલું છે. જે સ્‍થળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ઇન્‍ડિયન એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંયુક્ત ઇન્‍સ્‍પેક્શન ગોઠવી સ્‍થળ નક્કી કરવામાં આવેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.