Abtak Media Google News

દાદા ભગવાન પરિવાર દ્વારા આગામી તારીખ ૧ થી ૮ નવેમ્બર સુધી સંખ્યાબંધ આયોજન-કાર્યક્રમો

સૌના પુણ્યોદયે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ-મોરબી રોડ પાસેના ગ્રાઉન્ડ પર લગભગ સાડા ૧૨ લાખ ચોરસ ફુટ વિસ્તારમાં ઉભા કરેલ ‘દાદાનગર’માં પરમ પૂજય દાદા ભગવાનનો ૧૧૦મો જન્મજયંતિ મહોત્સવ ભવ્ય રીતે તા.૧ નવેમ્બર થી ૮ નવેમ્બર ૨૦૧૭ દરમ્યાન ઉજવાશે.

આ દિવ્ય પ્રસંગે પરમ પૂજય દાદા ભગવાનના અદભુત તત્વજ્ઞાન પર આધારિત થીમ પાર્ક અધ્યાત્મના ગૂઢ રહસ્યોની આપણને શોધ કરાવશે. જે લગભગ ૧૫૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પથરાયેલ પ્રદર્શન હશે. જેમાં પરમ પૂજય દાદા ભગવાનના જ્ઞાન-વિજ્ઞાનની ઝાંખી કરાવતા વિવિધ મલ્ટીમીડિયા શો, પરમ પૂજય દાદા ભગવાન તથા પૂજય ડો.નીરુમાના જીવન પર આધારિત ડોકયુમેન્ટરી ફિલ્મો હશે, ડ્રામા, ઈન્ટરએકિટવ વર્કશોપ, શેડો ડ્રામા વગેરે હશે. બાળકોને આજના યુગમાં ખોવાયેલા સંસ્કારની શોધ કરી આપતું ચિલ્ડ્રન પાર્ક પણ હશે. જે લગભગ ૧૭૫,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પથરાયેલ છે. જેમાં પપેટ શો, ડ્રામા, એનિમેશન ફિલ્મ, પ્રદર્શનો, રમતો, લાઈવ બેન્ડ, સ્પર્ધા, ઈનામો અને લકી ડ્રો વગેરે તથા દાદા ભગવાનના જ્ઞાનને પીરસતા વિવિધ મનોરંજનો હશે. થીમપાર્ક તથા ચિલ્ડ્રનપાર્કનો સમય દરરોજ સાંજે ૫ થી ૧૦નો રહેશે.

પરમ પૂજય દાદા ભગવાન દીક્ષિત આત્મજ્ઞાની પૂજય દીપકભાઈ દેસાઈના પ્રત્યક્ષ સત્સંગ કાર્યક્રમો તા.૧ નવેમ્બર સાંજે ૭:૧૫ થી ૮:૧૫, તા.૨ અને ૪ નવેમ્બર દરમ્યાન સવારે ૯:૩૦ થી ૧૨ તથા સાંજે ૭:૩૦ થી ૧૦ રહેશે. તા.૫ નવેમ્બર દરમ્યાન સવારે ૯:૩૦ થી ૧૨ અને ‘આત્મજ્ઞાન પ્રાપ્તિ’નો અદભુત જ્ઞાનવિધિપ્રયોગ પણ તા.૫ નવેમ્બરના સાંજે ૪ થી ૭:૩૦ દરમ્યાન થશે. આ સમગ્ર સત્સંગ કાર્યક્રમો તથા પ્રદર્શનો વિનામૂલ્યે રહેશે. આ અમૂલ્ય અવસરનો લ્હાવો લેવા દાદા ભગવાન પરીવારે રાજકોટ શહેર તથા સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.