Abtak Media Google News

અમેરિકાની તુર્કીને ચેતવણી: બંને દેશોના સુરક્ષા સંબંધો પર અસર, ગંભીર પરિણામો આવી શકે છે !!

વિશ્વની મહાસતા ધરાવતો દેશ અમેરિકા તેની અન્ય દેશો પર હથિયારોને લઈ પ્રતિબંધીત કરતી નીતિને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ સંદર્ભે વધુ એક જુબાની જંગ તુર્કી અને અમેરિકા વચ્ચે છેડાઈ છે. રશિયાની એસ -400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલીએ નાટોના બે સભ્ય દેશો, અમેરિકા અને તુર્કી વચ્ચે ઉગ્ર મૌખિક યુદ્ધ શરૂ થઈ ગયુ છે. આ મુદ્દો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સુપર પાવર અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી કહ્યું છે કે અમેરિકાને ખબર નથી કે તે કોનો સામનો કરી રહ્યું છે. અમે કમજોર રાષ્ટ્ર નહીં પણ તુર્કી છીએ. અમે ફરી એકવાર સ્પષ્ટતા કરીએ છીએ કે તુર્કી રશિયા પાસેથી ખરીદેલી એસ -400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ કરવાનું બંધ કરશે નહીં.

રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું કે, ‘અમેરિકાએ અમને રશિયાને તેની એસ -400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પાછી સોંપી આ કામગીરી બંધ કરી દેવા ચેતવણી આપી હતી. પરંતુ અમે નમીશુ નહી. પડકાર ફેંકતા તેમણે કહ્યું કે અમેરિકાએ તુર્કી વિરુદ્ધ જે પ્રતિબંધ મુકવા ઇચ્છે છે તે મૂકે પણ અમે તેેને માન્ય ગણશુ નહી. અમે અમેરિકા સાથે એફ -35 ફાઇટર જેટ માટે કરાર કર્યા હતા. જેના પૈસા પણ આપી દીધા છે. તેમછતાં અમને હજી સુધી ફાઇટર જેટ મળ્યાં નથી.

અમે નાટોથી પોતાને અલગ કરી રહ્યા નથી- તુર્કી

તાજેતરમાં તુર્કીના સંરક્ષણ પ્રધાન હુલુસી આકરે કહ્યું હતું કે દેશની સેના એસ -400 હવાઈ સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ કરી રહી છે અને તેની તૈનાત માટેની પણ તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે એસ -400 ની ખરીદી અને તેના પરીક્ષણનો અર્થ એ નથી કે તુર્કી નાટોથી અલગ થઈ રહ્યું છે.

S-400 સિસ્ટમના ઉપયોગ બાદ તુર્કીને અમેરિકાની ધમકી

યુ.એસ.ની મનાઈ બાદ પણ તુર્કીએ એસ-400 મિસાઈલ ડિફેન્સ સીસ્ટમનું પરીક્ષણ કરતા અમેરિકાએ તુર્કીને ધમકી આપી છે. યુએસ સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપતા કહ્યું છે કે તેને વોશિંગ્ટન સાથેના સંબંધોમાં ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. યુ.એસ.એ તુર્કીના આ નિર્ણયની સખત નિંદા કરે છે. જે બંને દેશોના સુરક્ષા સંબંધોને માટે મોટા ખતરારૂપ સાબિત થશે.

‘અમારે અમેરિકાને પૂછવાની જરૂર નથી’

તો આ તરફ એર્દોગને યુએસને આકરો જવાબ આપતા કહ્યું કે તુર્કી પાસે તેના સુરક્ષા સાધનોની ચકાસણી કરવાનો અધિકાર છે. અમેરિકાનું વલણ કોઈ પણ પ્રકારે અમારી પર બંધનકર્તા નથી. અમારે અમેરિકાને પૂછવાની કોઈ જરૂર નથી.

જણાવી દઇએ કે તુર્કીએ તાજેતરમાં એ સ્વીકાર્યું હતુ કે તેણે અમેરિકન એફ -16 લડાકુ વિમાનની સામે રશિયાની એસ -400 સંરક્ષણ પ્રણાલીનુ પરીક્ષણ કર્યુ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ એર્દોગને આ પરીક્ષણની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે તેમના દેશે યુએસના વાંધા છતાં રશિયાની બનાવટની એસ -400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનુ પરીક્ષણ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.