Abtak Media Google News

આતંકવાદ જેવી આંતરરાષ્ટ્રીય સમસ્યાની બાબતમાં પણ જો આપણા દેશના રાજકીય પક્ષો અને આપણા રાજનેતાઓ-રાજકર્તાઓ એક જ મંચ પર સાથે ન બેસી શકે અને વિચાર વિમર્શ દ્વારા અસરકારક સર્વસંમત વ્યૂહ ન ઘડી શકે તો એ આપણા દેશ માટે કેટલું હાસ્યાસ્પદ અને ઘાતક લેખાય?

આતંકવાદ એ એક એવું ખોફનાક દૂષણ છે કે તે કોઈ એક રાષ્ટ્રને તથા કોઈ એક રાષ્ટ્રની પ્રજાને જ સ્પર્શતું નથી, પરંતુ સમગ્ર વિશ્ર્વને અને આખી માનવજાતને સ્પર્શે છે.

આતંકવાદ-ત્રાસવાદની સમીક્ષા કરતી વખતે એક વિચાર જરૂર આવે કે, કોઈ માતા પોતાનું સંતાન દુષ્ટ, અપરાધી, આતંકી કે ત્રાસવાદી બને એમ ન જ ઈચ્છે! કોઈ માતા, કોઈ જનની એવું ન જ ઈચ્છે કે પોતે જેને જન્મ આપવાની છે, જેને ઉછેરવાની છે, જેને પોતાની છાતીએ વળગાડીને ધાવણ ધવડાવવાની છે, અને ભરણપોષણ કરવાની છે એ સંતાન આતંકી અને ત્રાસવાદી બનીને પોતાની આબરૂ નો ધજાગરો કરે અને ઈશ્ર્વર કે અલ્લાહનો ગુનેગાર બને..!

આતંકવાદીઓ માનાં ઉદરમાં પેદા થતા નથી…

ત્રાસવાદીઓ જનેતાની ગોદમાં પેદા થતા નથી.

માતાઓ એમના સંતાનોને કયારેય એવું કહેતી નથી કે તું આતંકવાદી થજે અને રકતપાત સર્જજે ! અને બોમ્બના ધડાકા કરજે, ને નિદોર્ષ લોકોની લાશો ઢાળજે!

તો પછી આતંકવાદ કયાંથી સર્જાયો ? આતંકીઓ કયાંથી પેદા થયા અને કોણે પેદા કરાવ્યા? એનો વ્યાપ અને એની કાળમૂખતા વધતી રહી છે એનો ચહેરો વધુને વધુ વિકરાળ બનતો રહ્યો છે.

આપણો દેશ પણ આ બધાથી મુકત નથી.

એનો મજબૂત અને આક્રમક સામનો કરવા માટે અને એને મ્હાત કરવાના ઉપાયો માટે કેન્દ્ર સરકારે આતંકવિરોધી ખરડો લોકસભામાં પસાર કર્યો છે.

એને લગતા નવી દિલ્હીના અહેવાલો મુજબ અનલીકુલ એકિટવીટીઝ પ્રિવેન્સ સુધારા બિલ ૨૦૧૯ યુપીએ એટલે કે ગેરકાયદે ગતિવિધિ અટકાયત બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ હતી. આને ૮ મી જુલાઈના દિવસે ગૃહમાં રજૂ કરવામા આવ્યું હતુ બિલ ઉપર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે, આતંકવાદ સામે વધુ કઠોર કાયદાની જરૂર દેખાઈ રહી છે. બિલમાં આતંકવાદી સંગઠનોની સાથે સાથે આતંકવાદી ગતિવિધિમાં સામેલ વ્યકિતઓને પણ આતંકવાદી ઘોષિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એન્ટીટેરર બિલમાં આતંકવાદીઓ ઉપર સંપૂર્ણ સકંજો જમાવવામાં આવનાર છે. આતંકવાદીઓની સંપતિ પણ જપ્ત કરવામાં આવનાર છે.

કાયદામાં કેટલીક કઠોર જોગવાઈ કરવામાં આવી છે. કાયદામાં આની જોગવાઈ કેમ કરવામાં આવી તેને લઈને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં માહિતી આપી હતી અમિત શાહે આતંકવાદી યાસીન ભટકલનો દાખલો આપતા કહ્યું હતુ કે, એનઆઈએ દ્વારા તેના સંગઠનને ઈન્ડિયન મુઝાહિદીનને આતંકવાદી સંગઠન જાહેર કર્યો હતો પરંતુ ભટકલને આતંકવાદી જાહેર કરવા માટે કાયદામાં કોઈ જોગવાઈ ન હતી ગૃહમંત્રીએ કહ્યું હતુ કે, આનો લાભ ઉઠાવીને ભટકલે ૧૨ આતંકવાદી હૂમલાઓને અંજામ આપ્યા હતા સુધારવામાં આવેલા કાયદા હેઠળ આતંકવાદી સંગઠનો અથવાતો આતંકવાદીઓની સંપતિ જપ્ત કરવામાં આવશે આના માટે તપાસ અધિકારીને સંબંધીત રાજયનાં ડીજીપીનાં પૂર્વ મજૂરીની જરૂર રહેશે. જો મામલાની તપાસ એનઆઈએના કોઈ અધિકારી કરે છે તો સંબંધીત સંપતિને જપ્ત કરવા માટે સંબંધીત રાજયના ડીજીપીની મંજૂરી લેવાની જરૂર પડશે નહી આના માટે એનઆઈએનાં મહાનિર્દેશકની મંજૂરી મેળવવાની રહેશે. મોદી સરકાર વર્ષોથી કહેતી રહી છે કે,આતંકવાદ પર તેની નીતિ ઝીરો ટોલરન્સની રહી છે. યુએપીએ બિલને લોકસભાની મંજૂરી મળી ચૂકી છે. આ પહેલા એનઆઈએ સુધારા બિલને લોકસભાની સાથે સાથે રાજયસભાની મંજૂરી મળી ચૂકી છે. આ બિલ હેઠળ એનઆઈએને દેશની બહાર બીજા દેશોમાં પણ ભારતની સાથે આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં તપાસના અધિકારી મળી ગયા છે. અમિત શાહે આ બિલ ઉપર તીવ્ર પ્રહાર કરવા માટે અતિકઠોર પગલાની જરૂર દેખાઈ રહી છે. ૧૯૬૭માં ઈન્દિરા ગાંધીની સરકાર જ આ કાયદો લઈને આવી હતી શાહે ઉમેર્યું હતુ કે અર્બન નકસલવાદ પર પ્રહાર કરવાની જરૂર દેખાઈ રહી છે. સરકારના આના પ્રત્યે બિલકુલ પણ સહાનૂભૂતિ ધરાવતી નથી. આતંકવાદને પોષણમાં મદદ કરનાર, નાણા ઉપલબ્ધ કરાવનાર, આતંકવાદના સાહિત્ય ઉપલબ્ધ કરાવનારને પણ ત્રાસવાદી જાહેર કરવામાં આવશે.

આ બિલને લઈને લોકસભમાં જોરદાર ચર્ચા રહી હતી જુદા જુદા પક્ષોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી વિપક્ષી સાંસદોએ બિલને ખતરનાક તથા જનવિરોધી તેમજ બંધારણ વિરોધી ગણાવીને તેની ટીકા કરી હતી ઓવૈસીએ બિલને મુસ્લિમ અને દલિત વિરોધી ગણાવીને વિરોધ કર્યો હતો. ટીએમસીનાં સાંસદ મોહિત્રાએ બિલને ખતરનાક તથા જનવિરોધી તરીકે ગણાવીને તેને પરત લેવાની માંગ કરી હતી તેમણે ઉમેર્યું હતુ કે, ગૃહમાં કોઈપણ બિલનો વિરોધ કરવા ઉપર વિપક્ષના સભ્યોને રાષ્ટ્રવિરોધી જાહેર કરવામાં આવે છે અમને વિપક્ષમાં રહેવાના કારણે આ જોખમ રહેલા છે.

અહીં નવાઈજનક બાબતએ છેકે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના દેશમાં આતંકી સંગઠ્ઠનોની હાજરીનો સ્વીકાર કર્યો છે. પરંતુ પોતાના આ દાવાની સાથે તેને એક વિવાદીત નિવેદન પણ આપ્યું છે. પુલવામાં આતંકી હુમલા અંગે ઈમરાને કહ્યું કે એક એવો મામલો હતો જેને સ્થાનિક આતંકીઓએ પાર પાડયો હતો. તેઓએ દાવો કર્યો કે જૈશ એ મોહમ્મદ માત્ર પાકિસ્તાનમાં જ સક્રિય છે તેવું નથી કાશ્મીરમાં પણ છે અને ત્યાંથી કામ કરે છે.

ઈમરાન ખાનનાં નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ તે વાતને સ્વીકારે છે કે પુલવામાં આતંકી હુમલા પાછળ જૈશ એ મોહમ્મદ જ હતો અને જેનો આકા મૌલાના મસૂદ અઝહર છે જો કે આ પહેલા આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન પોતે પોતાની જમીન પર જૈશ-એ-મોહમ્મદની હાજરીને નકારતા રહ્યા છે. તો યુએનએસસીમાં તેમની ભલામણ કરી ચીને પણ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો અનેક વખત વિરોધ કર્યો હતો.

આ બધું એવો ખ્યાલ આપે છે કે, આતંકવાદે સરકારની હમણા સુધીની જહેમત પછી પણ આતંકવાદે આપણા દેશનો અને આપણા દેશના રાજકીય ક્ષેત્રનો પીછો છાડયો નથી.

લોકસભામાં ખરડો પસાર કરવાથી આતંકવાદી પરિબળો ઉશ્કેરાઈને વધુ જોર પકડે અને વધુ ભાંગફોડ કરે એવી શકયતાને નકારાતી નથી.

ભારતના આ પગલાનાં અમેરિકા, પાકિસ્તાન અને અન્ય ઈસ્લામિક રાષ્ટ્રોમાં કેવા પ્રત્યાઘાત પડશે એ તરફ હવે સૌની મીટ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.