જસદણ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખપદ માટે ખેંચતાણ

હવેનું અઢી વર્ષનું શાસન સ્ત્રી અનામત સભ્ય માટે;શાસક જુથમાં બે મહિલા સભ્યના નામ ચર્ચામાં

જસદણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાવાની છે. તે અંગે ભારે તાણખેંચ થઈ રહી છે. ૧૯૯૫માં જસદણ શહેરને નગરપાલિકાનો દરજજો મળ્યો ત્યારબાદ કૌભાંડ, ભ્રષ્ટાચાર ગેરરીતીએ માઝા મુકી છે. કરોડો રૂપિયા જે પ્રજાના ખિસ્સામાંથી આવે છે. તે કોના ખીસ્સા તિજોરીમાં ગયા ? આવો પ્રશ્ર્ન લોકોમાં ઉઠે છે. શોપીંગ સેન્ટરો દુકાનો, મકાનો રોડ પર બનાવી નાખો તો તેનો હેતુફેર કરી પ્લાન પાસ કરી દેવામાં આવે છે. શહેરના તમામ રસ્તાઓ સાંકડા થઈ ગયા છે. વાહન તો ઠીક પગે ચાલીને પણ જઈ શકાતુ નથી. શહેરના વિસ્તારમાં આવેલ નગર પાલિકાની અબજો રૂપિયાની જમીન પણ ભુમાફીયાના કબજામાં છે. નગરપાલિકાનાં ટેબલે-ટેબલે મલાઈ મુકો તો ગમે એવા બાંધકામ પ્લાન અને જમીનો ટાઈટલ કલીયર થઈ જાય એવું સભ્યો જાહેરમાં કહે છે. પાલિકા પ્રમુખ બિલ કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતી સામે ધ્યાન આપે એવું પ્રજા ઈચ્છી રહી છે. નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની મુદત આગામી તા.૨૫ ઓગસ્ટે પૂર્ણ થતી હોય તેથી આગામી તા.૨૦ ઓગસ્ટ સુધીમાં ચુંટણી યોજાય એવી શકયતા છે. અઢી વર્ષના ગાળા માટે આ વર્ષે સ્ત્રી અનામત બેઠક હોવાથી ભારે ખેંચતાણ સર્જાશે. શાસક ભાજપ પક્ષમાં પણ ૧૧ સ્ત્રી સભ્યો હોય અને કેટલાક મહિલા સભ્યો, ભ્રષ્ટાચાર રહિત શાસન ચલાવવાની ત્રેવડ પણ ધરાવે છે. પક્ષમાં હાલ બે જુથ પડી ગયા છે. તેથી ભારે તાણખેંચ છે. પક્ષના મોવડીઓ વર્ષાબેન સખીયા અથવા સોનલબેન વસાણી પર કળશ ઢોળે એવી ચર્ચા થઈ રહી છે.

Loading...