Abtak Media Google News

૧૭મી માર્ચ સુધીમાં રૂા.૧.૪૭ લાખ ચૂકવી દેવા અલ્ટીમેટમ: એરટેલે ૪ દિવસમાં ૧૦ હજાર કરોડ ભરી દેવા તૈયારી બતાવી

ટેલીકોમ કંપનીઓ પાસેથી લાયસન્સ ફી અને પેનલ્ટી પેટે નીકળતા રૂા.૧.૪૭ લાખ કરોડ મુદ્દે ગત ઓકટોમ્બર મહિનામાં વડી અદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ રકમ ભરવાથી બચવા ટેલીકોમ કંપનીઓએ અનેક પેંતરા કર્યા હતા. આવી સ્થિતિમાં નાણા ચૂકવવાની ડેડલાઈન નજીક આવી ગઈ હોય, વડી અદાલત ગઈકાલે લાલ આંખ કરી હતી. જેના અનુસંધાને બાકી નીકળતા રૂપિયા ગત રાત સુધીમાં ભરી દેવાનો આદેશ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ દ્વારા થયો હતો. આ આદેશ બાદ એકાએક ટેલીકોમ કંપનીઓ જાગી છે અને પૈસા ભરવાની તૈયારી દર્શાવી છે.

મળતી વિગતો મુજબ છેલ્લા ચાર મહિનામાં એક પણ પાઈ ન ચૂકવનાર ટેલીકોમ કંપનીઓ નાણા ભરવા આગળ આવી છે. એરટેલને રૂા.૩૫ હજાર કરોડ ચૂકવવાના થાય છે. જે પૈકીના ૧૦ હજાર કરોડ આગામી ચાર દિવસમાં એટલે કે ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ચૂકવી દેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે. બાકી નીકળતી રકમ આગામી તા.૧૭ માર્ચના રોજ વડી અદાલતની સુનાવણી સમયે ચૂકવાશે તેવું કહેવાયું છે. જો કે, વોડાફોન-આઈડીયા દ્વારા હજુ સુધી ચૂકવણા સંદર્ભે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. વોડાફોન-આઈડીયા પાસેથી રૂા.૫૩ હજાર કરોડનું લેણું સરકારનું નીકળે છે. સરકાર આ રકમમાં કેટલી છુટછાટ આપે તેવી ઈચ્છા વોડાફોન-આઈડીયાના સંચાલકોને છે પરંતુ સરકાર તરફથી હજુ સુધી આ સંદર્ભે કોઈ પગલા લેવાયા નથી.

અહીં નોંધનીય છે કે, ટેલીકોમ વિભાગે ૧.૪૭ લાખ કરોડ રૂપિયા ચૂકવવાના નિર્ણય પર અમલ ન થવા બદલ વડી અદાલતે ગઈકાલે સરકાર અને ટેલીકોમ કંપનીઓની આકરી ઝાટકણી કાઢી હતી. ટેલીકોમ વિભાગની વર્તુળાકથી ન્યાયાધીશ નારાજ થયા હતા. ન્યાયાધીશે કહ્યું હતું કે, હું ઘણો પરેશાન છું, અદાલતના આદેશ છતાં એક પણ રૂપિયો ચૂકવાયો નથી. ટેલીકોમ કંપનીઓ એજીઆરના બાકી લેણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેની સામે કોઈ પગલા નહીં લેવાય તેવો આદેશ મંત્રીની મંજૂરી વગર જ લેવાયો હોવાનું સુત્રો પાસેથી જણવા મળે છે. આવી સ્થિતિમાં વડી અદાલતના ન્યાયાધીશ નારાજ થયા હતા. અને આગામી ૧૭ માર્ચ સુધીમાં રૂા.૧.૪૭ લાખ કરોડ ચૂકવવાનો કડક આદેશ આપ્યો હતો.

ટેલીકોમ કંપનીઓ સાથે વિવાદ શું છે ?

કેન્દ્ર સરકાર ટેલીકોમ કંપનીઓ પાસે રૂા.૧.૪૭ લાખ કરોડની ઉઘરાણી કરી રહી છે. આ નાણા લાયસન્સ ફી ઉપરાંત રૂા.૫૫૦૫૪ કરોડ સ્પેકટ્રમના ઉપયોગના ચાર્જીસ તરીકે લેવાના થાય છે તેવો દાવો સરકારનો છે. જો કે, ટેલીકોમ કંપનીઓ આ રકમ ચૂકવવામાં નનૈયો ભણી રહી છે. ટેલીકોમ કંપનીઓની દલીલ છે કે, નોન ટેલીકોમ આવક જેવી કે, ભાડુ, ઈન્ટરનેટ આવક સહિતની વસ્તુઓનો એજીઆરમાં સમાવેશ થવો જોઈએ નહીં. આ ટેકનીકલ મુદ્દાને મધ્યમાં રાખીને વડી અદાલતમાં જંગ ચાલતો હતો. અલબત વડી અદાલતે ટેલીકોમ ઓપરેટરો જેવા કે, ભારતી એરટેલ, વોડાફોન-આઈડીયા અને ટાટા ટેલીસર્વિસીસને નાણા ભરી દહેવા તાકીદ કરી હતી. વડી અદાલતની આ તાકીદને ટેલીકોમ કંપનીઓએ ગંભીરતાથી લીધી ન હોવાનું ફલીત થયું હતું. જેથી વડી અદાલત લાલઘુમ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.