Abtak Media Google News

હયાત ૧૮ મીટરનો ટાગોર રોડ ૨૦ મીટરનો થશે: એવીપીટીને નવી દિવાલ બનાવી દેવા અને ફૂટપાથ સહિતના કામ માટે રૂ.૨૧.૮૧ લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત.

શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરી પહોળા કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ટાગોર રોડને ૨ મીટર પહોળો કરવામાં આવશે. આ માટે એવીપીટી કોલેજની દિવાલ કપાત કરાશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૭માં ટાગોર રોડ ૨ મીટર પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે હોમીદસ્તુર માર્ગથી રામકૃષ્ણ મેઈન રોડ સુધીની એવીપીટી કોલેજની ૩૨૬ મીટર જમીન કપાતમાં લેવામાં આવશે. હયાત ટાગોર રોડની પહોળાઈ ૧૮ મીટર છે જે કપાત બાદ ૨૦ મીટરની થશે. એવીપીટીઆઈ કેમ્પસની જૂની કમ્પાઉન્ડ વોલ દૂર કરી નવી કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ માટે રૂ.૨૪.૯૫ લાખનું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં ૪ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. એક એજન્સીનો અનુભવનો દાખલો અપુરતો હોય જે ટેન્ડરબીડમાં ડિસ્કવોલીફાઈડ થઈ હતી. આ કામ વિજય ચુનીલાલ પરમાર નામના કોન્ટ્રાકટરે ૧૨.૫૮ ટકા ઓછા ભાવે કરી આપવાની તૈયારી દર્શાવી હતી. એસ્ટીમેટ મુજબ ૨૪.૯૫ લાખનું કામ ‚ા.૨૧.૮૧ લાખમાં કરાવવા માટે ખર્ચ મંજૂરી અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.

જે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા ટાગોર રોડ પહોળો કરવા માટે વિરાણી હાઈસ્કુલની દિવાલ કપાતમાં લેવામાં આવી હતી. વધુ એકવાર ટાગોર રોડને બે મીટર સુધી પહોળો કરવા માટે એવીપીટીઆઈ કેમ્પસની દિવાલ કપાત કરવામાં આવશે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.