Abtak Media Google News

અમદાવાદની કેમીકલ ફેકટરીમાં આગની દુર્ઘટના બાદ આજી જીઆઈડીસી અને ભક્તિનગર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ફાયર સેફટીના સાધનો અંગે ચેકિંગ સર્વે હાથ ધરાયો: કેમીકલ ફેકટરીઓ નહીંવત હોવાથી જોખમ ઓછું

તાજેતરમાં અમદાવાદમાં એક કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટની ઘટનામાં ૧૨ લોકોના મૃત્યુ નિપજયાની દુ:ખદ ઘટના બની હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ધમધમતી કેમીકલ ફેકટરીઓમાં ફાયર સેફટીના પર્યાપ્ત સાધનો ઉપલબ્ધ છે કે કેમ, તે અંગે સર્વે કરવા સુચના આપવામાં આવી છે જે સંદર્ભે આજે કોર્પોરેશનની ફાયર બ્રિગેડ એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા આજી જીઆઈડીસી અને ભક્તિનગર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. બન્ને સ્થળે મળી આશરે ૭૫૦ જેટલી ફેકટરી આવેલ છે જેમાં કેમીકલની ફેકટરી માત્ર ત્રણ જ છે જેથી આગ લાગવાનું જોખમ ખુબજ ઓછું હોવાનું માલુમ પડ્યું છે. છતાં તમામ ફેકટરીઓને ફાયર સેફટીના સાધનો વસાવવા માટે નોટિસ ફટકારવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની સુચના બાદ આજે સવારે ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરના આજી જીઆઈડીસી વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અહીં ૫૫૦ જેટલી ફેકટરીઓ આવેલ છે જે પૈકી ૧૧૦ ફેકટરી હાલ બંધ છે. કુલ ૩ કેમીકલ ફેકટરી છે જેમાં ૧ યુનિટમાં માત્ર કેમીકલનું સ્ટોરેજ જ કરવામાં આવે છે. અહીં ઉત્પાદન કરવામાં આવતું નથી. પાર્થ લેબમાં માત્ર કેમીકલમાંથી પાવડર બનાવવામાં આવે છે. જ્યારે પ્રિમીયમ પેઈન્ટમાં ઓઈલ પેઈન્ટને પાતળો કરવા માટેનો ટર્પેટર બનાવવામાં આવે છે. આ ત્રણેય યુનિટમાં બ્લાસ્ટ થવાની કે મોટી આગની ઘટનાની શકયતા ખુબજ નહીંવત છે. જ્યારે ભક્તિનગર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ૧૮૦ ફેકટરી છે જે પૈકી ૪૫ બંધ છે. અહીં એકપણ કેમીકલ ફેકટરી નથી. સર્વે રિપોર્ટ મ્યુનિ.કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે. આજે બપોર બાદ અથવા આવતીકાલે અટીકા, કોઠારીયા અને વાવડી વિસ્તારમાં ધમધમતા કારખાનામાં ચેકિંગ હાથ ધરાશે. સરકારની સુચના બાદ તમામને ફાયર સેફટીના સાધનો વસાવી લેવા માટે સુચના આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.