Abtak Media Google News

તમામને નોટિસ ફટકારાઇ, ૭ દિવસમાં સંતોષકારક જવાબ નહી મળે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે

જૂનાગઢ મનપા કમિશનર એ ગઈકાલે લંચ બ્રેક બાદ કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા વિવિધ શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ મળી ૨૧ જેટલા ગુટલીબાજ કચેરીમાં ગેરહાજર જણાતા તમામને નોટિસ ફટકારી, ૭ દિવસમાં યોગ્ય ખુલાસો કરવા અન્યથા શિક્ષાત્મક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢ મનપા કમિશનર તુષાર સુમેરા એ ગઈકાલે બપોર બાદ મનપાની વિવિધ શાખામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું, તે દરમિયાન જૂનાગઢ મનપાની વિવિધ શાખામાં ફરજ બજાવતા ૨૧ જેટલા સિનિયર અધિકારીઓ તેમજ કર્મચારીઓ બપોરના લંચ બ્રેક બાદ ગુલટી મારી જતા રહ્યા હોવાનું અને કચેરીમાં ગેરહાજર રહ્યા હોવાનું ધ્યાનમાં  આવ્યું હતું.

ગઈકાલે મંગળવારે કમિશનર તુષાર સુમેરા એ પોતાની કચેરીમાં કરેલ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન ઓફિસમાં ગેરહાજર રહેનાર ૨૧ કર્મીઓને બાદમાં નોટિસ ફટકારી હતી અને દિવસ ૭ માં યોગ્ય ખુલાસો કરવા તાકીદ કરી હતી. અને જો દિવસ ૭ માં સંતોષકારક ખુલાસો કરવામાં નહીં આવે તો, આવા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ છે.

જૂનાગઢ મનપા કમિશનર સુમરાના આ સરપ્રાઈઝ ચેકિંગ અને બાદમાં આકરા વલણથી ગુલટીબાજ કર્મચારીઓમાં હાલમાં તો ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે હવે આ ગુલટિબાજ કર્મીના ખુલાસા બાદ કમિશનર કેવા અને કેટલા  કડક શિક્ષાત્મક પગલાં ભરે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.